Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Very good experience with James Bond

Shatdal: જેમ્સ બોન્ડ સાથે ખુબ જ સારો અનુભવ

Timeછેલ્લું અપડેટ : 31 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Shatdal: જેમ્સ બોન્ડ સાથે ખુબ જ સારો અનુભવ
સોર્સ : GSTV

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

App Store

- જેમ્સ બોન્ડે મારાં અભિનેતા તરીકેના જીવનનાં પંદર વર્ષ આંચકી લીધાં

એક સરખાં પાત્રો કરવામાં એક મર્યાદા રહેલી છે. હિન્દી ફિલ્મોનાં બે મહાન અદાકારો દિલીપ કુમાર અને મીનાકુમારીને યાદ કરવા જેવાં છે. દિલીપ કુમાર ટ્રેેજેડી કિંગ તરીકે પંકાયેલા અને મીના કુમારી ટ્રેજેડી ક્વીન તરીકે પ્રસિદ્ધ થયેલાં. દિલીપ કુમાર પાત્રોમાં એટલી હદે ઓતપ્રોત થઇ જતા કે પાછળથી મનોચિકિત્સા લેવી પડેલી જ્યારે મીના કુમારી શરાબના રવાડે ચડી ગયેલાં. કોઇ પણ કલાકાર કારકિર્દીમાં જેટલું વૈવિધ્ય લાવે એટલું વધુ સારું. 

યોગાનુયોગે હોલિવૂડમાં કેટલીક એવી ફિલ્મો આવી જેની સફળતાએ ત્યારબાદ જે તે ફિલ્મની એક કરતાં વધુ સિક્વલ આપી. બીજી બાજુ કેટલાંક પાત્રો એવાં જોવા મળ્યાં જે કાલ્પનિક હોવા છતાં એ પાત્રને કેન્દ્રમાં રાખીને ડઝનબંધ હિટ ફિલ્મો આવી. ઇયાન ફ્લેમિંગનું જેમ્સ બોન્ડ પાત્ર એવું જ કહી શકાય. જેમ્સ બોન્ડનાં સાહસોને કેન્દ્રમાં રાખીને દોઢેક ડઝન ફિલ્મો આવી. હીરો બદલાયા, હીરોઇનો બદલાઇ. કથાનકો બદલાયાં પણ જેમ્સ બોન્ડ કેન્દ્રમાં  રહ્યો. શોન કોનેરીથી શરૂ કરીને ડેનિયલ ક્રેગ સુધીના કલાકારો જેમ્સ બોન્ડ તરીકે આવ્યા અને રાતોરાત વિશ્વવિખ્યાત બની ગયા.

વાત ડેનિયલ ક્રેગની છે. કેસિનો રોયલ ફિલ્મથી શરૂ કરીને નો ટાઇમ ટુ ડાઇ સુધીની પાંચેક ફિલ્મોમાં ડેનિયલ જેન્સ બોન્ડ તરીકે રજૂ થયો. પાંચે ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી. ડેનિયલ  ક્રેગને પણ મબલખ મહેનતાણું મળ્યું. કેસિનો રોયલ વખતે ૩૪ લાખ ડોલર્સ ચૂકવાયેલા, તો ટાઇમ ટુ ડાઇ વખતે અઢી કરોડ ડોલર્સ ચૂકવાયા. આમ છતાં ૨૦૨૧માં ડેનિયલ ક્રેગે જેમ્સ બોન્ડના પાત્રને અલવિદા કહી દીધું. 

તાજેતરમાં એણે ઇંગ્લેંડના રેડિયો ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં બહુ સરસ વાત કરી. એણે કહ્યું કે જેમ્સ બોન્ડના પાત્રની કેટલીક વિશેષતાઓ હતી. ખાસ પ્રકારના સૂટ પહેરવાના, ચોક્કસ લઢણથી સંવાદો બોલવાના, ક્યારેક બોડી ડબલ ન મળે તો જોખમી સ્ટંટ કરવાના, કથાનકોમાં જેમ્સ બોન્ડની પોતાનો પરિચય આપવાની વિશિષ્ટ શૈલી, ખલનાયકની પાર્ટનરને પટાવીને એની સાથે સહશયન કરવા સુધીની કૂટનીતિ, આ બધાંથી હું બીબાઢાળ (મોનોટોનસ) થઇ જતો હતો. જેમ્સ બોન્ડના પાત્રને અલગ રીતે ભજવવાની છૂટ નહોતી. એક પ્રકારનું બંધન રહેતું. જેમ્સ બોન્ડની ફિલ્મ કરતાં હો ત્યારે કોન્ટ્રેક્ટથી બંધાયેલા હોવાને કારણે તમને બહારની ફિલ્મ કરવાની છૂટ નહોતી રહેતી. આમ અનેક નિયંત્રણો રહેતા. મને નાનીમોટી ઇજાઓ પણ થઇ.

'તમે નહીં માનો, જેમ્સ બોન્ડે મારાં અભિનેતા તરીકેના જીવનનાં પંદર વર્ષ આંચકી લીધાં. ખરું પૂછો તો હું નીચોવાઇ ગયો. જેમ્સ બોન્ડે મને શારીરિક અને માનસિક રીતે થકવી દીધો. નો ટાઇમ ટુ ડાઇ કરતી વખતે મેં મક્કમ નિર્ણય લઇ લીધેલો કે બસ, ઇનફ. હવે મારે બોન્ડ બનવું નથી. બોન્ડની ફિલ્મોના સર્જકોને મારી સાથે એટલી આત્મીયતા બંધાઇ ગયેલી કે એ લોકોએ મને ખૂબ સમજાવ્યો. મહેનતાણું ઓછું પડતું હોય તો વધારી આપવાની તૈયારી સુદ્ધાં દાખવી. પણ હું મનોમન થાકી ગયેલો. મેં સવિનય એ લોકોની બધી ઓફર્સ નકારી. 

'જો કે બોન્ડના પાત્રની માનસિકતામાંથી બહાર આવતાં મને ખાસ્સો લાંબો સમય લાગ્યો, કહો કે મહિનાઓ લાગ્યા. પરંતુ હવે હું સ્વતંત્ર છું. મને ગમે તેવાં પાત્રો સ્વીકારું છું. ફિલ્મ હિટ જશે કે નહીં જાય એની ચિંતા હવે હું કરતો નથી. મને પ્રતીતિજનક લાગે એવાં પાત્રો સ્વીકારું છું. વાજબી મહેનતાણું લઉં છું. મારી શરતે કામ કરું છું. આજે મને ૫૭ વર્ષ થયાં. હવે હું લાંબો સમય હીરોના રોલ કરી શકવાનો નથી એ હકીકત હું સમજું છું. એટલે બોન્ડની ફિલ્મો છોડયાનો મને ખરેખર આનંદ છે.'