Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Veda named the cubs Kaku and Chachu

Zagmag: વેદાએ બચ્ચાના નામ પાડ્યા કકુ અને ચચુ

Timeછેલ્લું અપડેટ : 17 May 2025
લાઇવ ટીવીGoogle News
Zagmag: વેદાએ બચ્ચાના નામ પાડ્યા કકુ અને ચચુ

- કકુ અને ચચુ પોતાની મા સાથે કેરીના છોડિયાં ચાટવા લાગ્યાં. વેદા કકુ અને ચચુને જોઈને ખૂબ રાજી થઈ. વેદા ખુશ થઈ દાદાનો હાથ પકડીને નાચવા લાગી. કકુ અને ચચુ વેદાનાં બેસ્ટ ફ્રેન્ડ બની ગયાં

App Store

એક નાનકડી વેદા છે. એના ઘર સામે એક નાનકડી ટેકરી. ટેકરી પર મંદિર. ટેકરી નીચે એક સુંદર બગીચો છે. બગીચામાં ઘણા વૃક્ષો છે. લીમડાની તો હાર છે. એના પર વાંદરાઓ રહે છે. એક વાંદરીના બે બચ્ચા છે. તે વાંદરી દરરોજ બચ્ચા સાથે બાંકડે બેસે. જે ખાવાનું મળે તે ખાય ને બચ્ચાને પણ ખાતા શીખવે. 

વેદા દાદા સાથે દરરોજ મંદિરે જાય. વેદા દાદા સાથે બગીચાને બાંકડે બેસે ને વાંદરીના બચ્ચાને જોયે રાખે છે. વેદાએ બચ્ચાના નામ પાડ્યા છે. એકનું નામ કકુ અને બીજાનું નામ ચચુ! નાનકડી વેદાને કકુ અને ચચુ ગમે... ને એ બચ્ચાઓને વેદા બહુ પસંદ!

વૈશાખ મહિનો શરૂ થઈ ગયો હતો. વેકેશન પડી ગયું હતું. વેદાની મમ્મી દરરોજ રસને રોટલી બનાવે. કેરીના છોડિયા ને ગોટલા એક તપેલીમાં ભરી વેદા રોજ દાદા સાથે બગીચે લાવે છે. બગીચાના લીમડા પાસે દાદા તપેલી મૂકી અને વાંદરીના બચ્ચા સાથે ત્યાં બેસી ગઈ. કકુ અને ચચુ પોતાની મા સાથે કેરીના છોડિયા ચાટવા લાગ્યા. વેદા કકુ અને ચચુને જોઈને ખૂબ રાજી થાય. વેદા ખુશ થઈ દાદાનો હાથ પકડીને નાચવા લાગી. કકુ અને ચચુ વેદાના બેસ્ટ ફ્રેન્ડ બની ગયા.

એક વાર કકુ અને ચચુ નાનકડા દાંતથી ગોટલા ચાટતા હતા. વેદા દાદાને પૂછ્યું, 'હેં દાદા... આ કકુના દાંત કેટલા સફેદ ને મજબૂત છે, નહીં ?' 

દાદા હસીને જવાબ આપ્યો, 'આ બચ્ચા તો લીમડા પર રહે છે ને લીમડાનું દાતણ કરે છે! હું પણ લીમડાનું જ દાતણ કરું છું ને!' 

વેદાને નવાઈ લાગી. લીમડાનું તો વળી દાતણ કરાય! 

'દાદા, એ કડવું ન લાગે ?' વેદા પૂછે છે. 

દાદા પોતાનાં દાંત બતાવી કહે: 

'લીમડાના દાતણ કરવા તાજા,

તો દાંત રહેશે સાજા.

દાંત રહેશે સાજા,

તો કાયમ રહીશું તાજા માજા!'

પછી દાદાએ વેદાને લીમડાના ઝાડ પરની નીચી ડાળીએ બેસાડી. લીમડા પર આવેલો મહોર ને લીલી લીંબોળી બતાવી. વેદાને ઝાડ પર બેસવાની મજા પડી ગઈ. દાદાએ પોતાના માટે કુમળી ડાળીના દાતણ લીધા. દાદાએ વેદાને લીમડાના પાન, છાલ, મહોર ને લીંબોળીના ઉપયોગ સમજાવ્યા. 

વેદા ખુશ થઈ ગઈ. પછી વેદા દાદાનો હાથ પકડી રમતી કૂદતી ઘરે આવી ગઈ. 

- મીના પટેલ