મુખ્ય સામગ્રી પર જાઓ
મેગેઝિન

વિવિધ ઉપાસના પદ્ધતિઓ તથા તેનું આધ્યાત્મિક રહસ્ય

– ભરત અંજારિયા આપણે ત્યાં ઈશ્વરની ઉપાસના તથા આરાધના કરવા માટે વિવિધ પદ્ધતિઓ, પંથ તથા સંપ્રદાયો

વિવિધ ઉપાસના પદ્ધતિઓ તથા તેનું આધ્યાત્મિક રહસ્ય
આ સમાચાર સાંભળો

– ભરત અંજારિયા

આપણે ત્યાં ઈશ્વરની ઉપાસના તથા આરાધના કરવા માટે વિવિધ પદ્ધતિઓ, પંથ તથા સંપ્રદાયો માલુમ પડે છે. ઈશ્વરની નજીક રહેવા માટે જે વિવિધ પ્રથા કે પરંપરા છે તેમાં મુખ્યત્વે ધ્યાન, જપ, દર્શન, યજ્ઞ, પૂજા, કીર્તન, પરિક્રમા આદિ ગણાવી શકાય. વ્રત, ઉપવાસ, અનુષ્ઠાનનો પણ સમાવેશ કરી શકાય.

આપણે ત્યાં મુખ્યત્વે શૈવ, વૈષ્ણવ તથા શક્તિની ઉપાસના લોકો કરતા જોવા મળે છે. આ લોકો એકઠા થઈને કથા-વાંચન કે શ્રવણ કરતા હોય છે. સદ્ગ્રંથોનું વાંચન, આધ્યાત્મિક પ્રવચનો, સત્સંગ શિબિર, સ્વાધ્યાય પ્રવૃત્તિ પણ ઉપાસનાનો જ એક ભાગ છે. પદ્ધતિ કોઈ પણ હોય, પંથ કે સંપ્રદાય ગમે તે હોય, ઉપાસના કરવાથી દુઃખ-દર્દ, કષ્ટ કે વિઘ્નો સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. ઉપાસનાને કારણે કુવિચારોથી દૂર રહેવાય છે. મન તથા તન બંને સતત પ્રવૃત્તિમય હોય તો અનેક લાભો થાય છે.

ઉપાસનામાં ઈશ્વર પ્રત્યે ભાવ, ભક્તિ તથા સમર્પણની ભાવના હોવી જોઈએ. આપણે જ્યારે પણ ઈશ્વરની અનુકંપા મેળવવા ઉપાસના પદ્ધતિનો સહારો લઈએ ત્યારે તે માગણી વિનાની, ઈચ્છા રહિત તથા પ્રેમ અને ભાવથી પરિપૂર્ણ હોવી જરૂરી છે. તેનાથી ઉપાસનાનો પણ અનોખો આનંદ અનુભવાય છે. આપણે જ્યારે ધ્યાનપૂર્વક કે શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરતા હોઈએ છીએ ત્યારે પરમાત્માની ઝાંખીનો અનુભવ પણ થાય છે. ભક્ત નરસિંહ મહેતાને તથા મીરાંબાઈને શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર થયેલો, તો ઠાકુર રામકૃષ્ણ પરમહંસને માતા કાલીનો સાક્ષાત્કાર થયેલો. ઠાકુર પોતે તો માતા મહાકાળી સાથે વાતો કરતા. પોતાનું અસ્તિત્વ ભૂલી જઈને પ્રભુને શરણે જવું તે ઈશ્વરની કૃપા વિના શક્ય નથી. પ્રભુના સ્વરૂપની ઝાંખી આધ્યાત્મિક ઊર્જામાં વધારો કરે છે.

આપણી સંસ્કૃતિના અનેક જ્યોતિર્ધરોએ, સંતો, મુનિઓ, ઋષિઓ તથા મહંતોએ અનેકવિધ રીતે ઉપાસના કરી છે. મૌન રહીને, ઊભા રહીને, માત્ર જળ પીને તથા એકાંતવાસમાં સતત ધ્યાન-જપ કર્યા છે. ઉપાસના ઈશ્વરની નજીક જવાનું અનોખું માધ્યમ છે. 'ઉપ' એટલે નજીક અને 'આસન' (કે વાસના) એટલે રહેવું, આમ ઉપાસના એટલે નજીક રહેવું તેવો અર્થ થાય છે. ઉપાસના કરવાથી આત્માને આનંદ મળે છે અને કલ્યાણનો માર્ગ ખૂલે છે. માનવ જીવનમાં ઉપાસના ન હોય તો ઘણું ખૂટતું કે અધૂરું લાગે છે.

ઘણા લોકો તીર્થસ્નાન, નદી કે સમુદ્ર સ્નાન કરતા હોય છે. સૂર્યની ઉપાસના મંત્રોથી કે અર્ધ્ય આપીને કરતા હોય છે. કીર્તન, ધૂન-ભજનથી પણ ભક્તિ કરી શકાય છે. પ્રભાતફેરી, બેઠા ગરબા, યજ્ઞયાગાદિ ક્રિયાઓ, જપનું અનુષ્ઠાન કે પૂજા કરવાથી પણ ઉપાસના કર્યાનો આનંદ તથા લાભ મળે છે. વિવિધ તીર્થો, મંદિરો કે આધ્યાત્મિક સ્થળોની યાત્રા પણ ઉપાસનાનો જ એક પ્રકાર છે. જેને જે પદ્ધતિ અનુકૂળ લાગે તે પ્રમાણે ઉપાસના કરી શકાય છે.

આજના દોડધામભર્યા અને તણાવભર્યા જીવનમાં જો યોગ્ય ઉપાસના પદ્ધતિ દ્વારા ઈશ્વરની ઉપાસના થાય કે કરવામાં આવે, તો જીવન કે ભવ સુધારી શકાય છે. આવો, આપણે પણ પરમાત્માના સામીપ્યની અનુભૂતિ કરાવતી કોઈ પણ પદ્ધતિ કે માર્ગનું અનુસરણ કરીને જીવન ધન્ય અને સફળ બનાવીએ.

આ સમાચાર શેર કરો