Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Unique facts about greeting cards

Ravi Purti : ગ્રીટિંગ કાર્ડની અનોખી વાતો

Timeછેલ્લું અપડેટ : 04 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Ravi Purti : ગ્રીટિંગ કાર્ડની અનોખી વાતો
સોર્સ : GSTV

- દુર્ગેશ ઉપાધ્યાય

App Store

-નવા વર્ષે હવે ગ્રીટિંગ કાર્ડને બદલે ઈ-ગ્રીટિંગ કાર્ડથી શુભેચ્છાની આપલે થઈ, ત્યારે શુભકામના પાઠવવાની પ્રાચીન પરંપરા અંગે જાણી લઈએ...

શુ ભ સંદેશા પાઠવવા માટે વપરાતાં  ગ્રીટિંગ  કાર્ડની ઉત્પત્તિ અને વિકાસની અદ્ભૂત કહાણી છે. નવા વર્ષની શુભેચ્છા હોય કે જન્મદિનની શુભેચ્છા કે અન્ય કોઈ પ્રસંગની શુભેચ્છા પાઠવવા વપરાતાં ગ્રીટિંગ કાર્ડ્ઝ હાથમાં આવતાં એક સુખદ અનુભૂતિ આપે છે.

આવી શુભેચ્છા આપવાની શરૂઆત તો હજારો વર્ષ પૂર્વેથી શરૂ થઈ છે. અગાઉ જ્યારે કાગળની શોધ નહોતી થઈ, ત્યારે ઝાડની છાલ પર શુભ સંદેશા લખીને આપવામાં આવતા હતા. પ્રાચીન મિસ્ર દેશમાં શુભેચ્છા કે અભિનંદન આપવા માટે અત્તરથી ભરેલી શીશીઓ મોકલવામાં આવતી હતી. ઇ.સ. પૂર્વ છઠ્ઠી શતાબ્દીમાં રોમમાં નવા વર્ષની શુભેચ્છા આપવા માટે ધાતુના પદકો, તાંબાના સિક્કા કે તામ્રપત્ર પર લખી મોકલવામાં આવતા. ભારત અને ચીનમાં શતાબ્દી પહેલાં હાથરૂમાલ અને કાગળ પર ચિત્રો દોરી શુભેચ્છા આપવાની શરૂઆત થઈ હતી.

તો વળી ચૌદમી શતાબ્દીમાં જર્મનીમાં લાકડી પર શુભેચ્છા લખી મોકલતા, ઉપરાંત ઘેંટા-બકરાંનાં ચામડાનો ઉપયોગ પણ કરાતો.

જોકે એન્સાઈક્લોપીડિયા અમેરિકાની નોંધ અનુસાર સૌથી પહેલું ગ્રીટીંગ્સ કાર્ડ ૧૮૪૨માં ઇંગ્લેન્ડના એક સોળ વર્ષના કિશોરે બનાવ્યું હતું, જેનું નામ 'વિલિયમ મૉ એલે' હતું. પાંચ ઇંચ લંબાઈ અને સાડા ત્રણ ફૂટ પહોળાઈ ધરાવતા આ કાર્ડ પર ચાર નાનાં ચિત્રો દોરી 'હેપી ક્રિસમસ ટૂ યુ' લખી શુભેચ્છા પાઠવી હતી. એ કાર્ડ બ્રિટીશ સંગ્રહાલયમાં રખાયું છે. વળી સૌથી પહેલું છપાયેલું ગ્રીટીંગ કાર્ડ ૧૮૦ વર્ષ પૂર્વે યાને કે ૧૮૪૩માં ઇંગ્લેન્ડમાં છપાયું હતું. જેની ડિઝાઈન 'જોન કૉલકોટ'ના સભ્ય અને ચિત્રકાર હેનરી કોલ દ્વારા તૈયાર કરાઈ હતી. એ પ્રથમ રંગીન કાર્ડ હતું. જે લિથોગ્રાફિક ટેકનીકથી તૈયાર કરાયું હતું. આ કાર્ડ ક્રિસમસની શુભેચ્છા આપવા માટેનું હતું. એ કાર્ડ વેચાણ અર્થે ૧૮૪૬માં મૂકવામાં આવ્યું, જેની કિંમત ત્યારે ૧ સિલિંગ હતી.

પછી ગ્રીટીંગ કાર્ડની દુનિયામાં ક્રાંતિ આવી. અને નવી ટેકનોલોજીની સહાયથી અનેક રંગીન કાર્ડ છપાતાં થયાં. અમેરિકામાં ૧૮૭૫માં ઓસ્ટન લુઈસ પ્રાગ નામની વ્યક્તિએ ગ્રીટીંગ કાર્ડનું છાપખાનું નાખી કાર્ડની ડિઝાઈન એકત્ર કરવા માંડી. ત્યારબાદ તો વિદેશોમાં અદ્યતન મશીનરીથી કાર્ડ્ઝ પ્રિન્ટ થવા માંડયા.

કાર્ડ્ઝની વિશેષતાની વાત કરીએ તો દુનિયાનું સૌથી મોટું ગ્રીટીંગ કાર્ડ ૭ કિલોમીટર લાંબુ ૧ લાખ માણસોની સહી સાથેનું ૧૦ ડિસેમ્બર, ૧૯૬૭માં પ્રથમવાર વિએટનામમાં યુદ્ધના સૈનિકોને મોકલવા બનાવાયું હતું. એ કાર્ડનું વજન બે ટન હતું. કેમકે, તેમાં અનેક ચિત્રો-સંદેશા ચોંટાડાયા હતા.

વળી બ્રેડફોર્ડમાં બનાવાયેલું સૌથી મોટું ક્રિસમસ ગ્રીટીંગ કાર્ડ જે ૧૬૩ સે.મી. પહોળું અને ૧૩૨ સે.મી. લાંબું હતું. જેની કિંમત ૧૨ પાઉન્ડ હતી અને ૧૯૯૧માં તેની ૧૦ હજાર નકલો વેચાઈ હતી.

બીજી તરફ સૌથી નાનું ગ્રીટીંગ કાર્ડ ૧૯૨૦માં લંડનની એક પેન બનાવતી કંપનીએ પ્રિન્સ ઓફ વેલ્સને મોકલ્યું હતું. તેમાં ચોખાના દાણા પર ૨૨ અક્ષરો કાળી સ્યાહીથી લખી મોકલ્યા હતા. પછી ભારતમાં વિક્રમ સંવતના નવા વર્ષ પ્રારંભે કાર્ડ મોકલવાની પરંપરા શરૂ થઈ, જેમાં વિવિધ દેવ-દેવીઓનાં ચિત્રો પર સુંદર ટૂંકા વાક્યોમાં શુભ સંદેશા છપાતા હતા, તે કાર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવતાં. જોકે ભારતમાં શુભેચ્છા કાર્ડ મોકલવાની શરૂઆત અંગ્રેજોના સમયમાં વિકસી  અને ઘણી કંપનીઓ આવાં કાર્ડ છાપવા માંડી. ત્યારબાદ ભારતમાં વિવિધ ડિઝાઈન, વિવિધ કટીંગ અને ફોર કલર પ્રિન્ટીંગ સાથે અનેક ભાષાનાં લખાણો સાથેનાં વિવિધ પ્રસંગોને અનુરૂપ ગ્રીટીંગ કાર્ડ છપાવા માંડયા. અને હવે તો સોશિયલ મિડીયા અને વૉટ્સ એપ દ્વારા ગ્રીટીંગ્સ કે શુભેચ્છાની આપ-લે થવા માંડી છે. ત્યારે પેપર પર પ્રિન્ટેડ ગ્રીટીંગ્સ કાર્ડનો ઉપયોગ ઘટવા માંડયો છે.