Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Twinkle Khanna said that I will become the Education Minister or do a PhD when I am 60

Chitralok : ટ્વિંકલ ખન્નાએ કહ્યું કે હું 60મા વર્ષે હું શિક્ષણપ્રધાન બનીશ અથવા પીએચડી કરીશ

Timeછેલ્લું અપડેટ : 09 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : ટ્વિંકલ ખન્નાએ કહ્યું કે હું 60મા વર્ષે હું શિક્ષણપ્રધાન બનીશ અથવા પીએચડી કરીશ
સોર્સ : GSTV

- 'લેખનની કારકિર્દીમાં મારું ચાલકબળ વિસ્મય છે. કૂતુહલને કારણે જ મને બધી બાબતોમાં રસ પડતો રહે છે. હું હજુય યુનિવર્સિટીમાં એડમિશન લઇને રાઇટિંગના કોર્સ કરતી રહું છું.' 

App Store

ફિલ્મી દુનિયામાં કામ કરનારી દરેક વ્યક્તિની એક કહાની હોય છે. આ વ્યક્તિ જો સફળ બને તો તેની કહાનીમાં બધાંને રસપડે છે પણ વ્યક્તિ નિષ્ફળ જાય તો કોઇ તેની વાત સાંભળવા પણ તૈયાર હોતું નથી. પોતાની પ્રતિભાને જોરે ફિલ્મી દુનિયાને રામ રામ કરી હાથમાં કલમ પકડી લેખન કારકિર્દીમાં સફળ થયેલી ટ્વિન્કલ ખન્ના આજે મિસિસ ફની બોન્સ તરીકે પોતાની એક આગવી ઓળખ બનાવી ચૂકી છે. 

ટ્વિન્કલ ખન્નાને ફરવાનો જમવાનો અને શોપિંગ કરવાનો શોખ છે. આ ત્રણે પ્રવૃત્તિઓ તે મનભરીને કરે છે અને તેમાંથી તેને અઢળક મુદ્દા મળી રહે છે જેનું આલેખન કરી તે તેના ચાહકોને ખડખડાટ હસાવવામાં સફળ થાય છે. ફરવાની વાત નીકળી છે તો તેનાથી વાત માંડીએ, એકવાર  અમે ફેમિલિ વેકેશન માટે ફ્રાન્સના એક નાનકડાં ગામ સેંટ રેમીમાં ગયા હતા. આ ગામ એટલા માટે પ્રખ્યાત છે કે ત્યાંના મેન્ટલ એસાયલમમાં  વિખ્યાત ચિત્રકાર વાન ગોગને દાખલ કરવામાં આવેલાં. સ્વાભાવિક રીતે ફ્રાન્સના આ નાના ગામમાં બધાં ફ્રેન્ચ બોલતાં હતા અને અમારામાંથી કોઇને ફ્રેન્ચનો ફ પણ આવડતો નહોતો. પણ મેં મારી આખા પરિવારને ખાતરી કરાવી કે હું બધું મેનેજ કરી આપીશ. કેમ કે મેં સ્કૂલમાં પાંચ વર્ષ ફ્રેન્ચ ભાષાનો અભ્યાસ કરેલો છે. પછી તો મારે ઇંડા ખરીદવા ેદોડાદોડ કરવી પડી. હું દરેક જણને ફ્રેન્ચમાં સમજાવવા જતી પણ કોઇને એક અક્ષર સમજાતો નહોતો. મારી સ્થિતિ ઇંડા મુકવા માટે દોડાદોડ કરતી મરઘી જેવી થઇ ગઇ હતી. વાત એટલી જ હતી કે મારું ફ્રેન્ચ કન્નડ જેવું સંભળાતું હતું અને તેનો એક પણ શબ્દ કોઇને સમજાતો નહોતો. મને લાંબા સમય સુધી આ ઘટના અને તેની સાથે સંકળાયેલી મજાઓ યાદ રહી છે. ટ્વિન્કલ ખન્ના દુનિયાભરમાં ફરે છે તો પણ શોપિંગ અને જમવાની વાત આવે ત્યારે તેનો જયપુર પ્રતિનો પક્ષપાત છતો થઇ જાય છે. ટ્વિન્કલ કહે છે, મારા દિલમાં જયપુરનું એક ખાસ સ્થાન છે. હું જયપુર જાઉં એટલે ત્યાંની રાજસ્થાની થાળી ખાઉં છું. પછી ભલેને ત્રણ દિવસ સુધી હલી ન શકાય. પણ રાજસ્થાની થાળી તો ખાવાની એટલે ખાવાની જ. જમવા બાદ લખવાની વાત નીકળી એટલે ટ્વિન્કલનો ચહેરો ખીલી ગયો. ટ્વિન્કલે જણાવ્યું કે તેનું નવું પુસ્તક મિસિસ ફની બોન્સ રિટર્ન્સ આવી ગયું છે. તે મિસિસ ફનીબોન્સનું સિક્વલ છે. પ્રથમ પુસ્તક મિસિસ ફનીબોન્સમાં મારી કોલમમાંથી પસંદ કરવામાં આવેલાં લેખને સંપાદિત કરી રજૂ કરવામાં આવ્યા હતા. આ પુસ્તકમાં એક આખા દાયકાને વણી લેવામાં આવ્યો છે. એક દાયકામાં દેશમાં અને તેની મહિલાઓમાં કેવા કેવા પરિવર્તનો આવ્યા તેનો આલેખ આ પુસ્તકમાંથી મળી રહે છે. જુઓને, અગાઉ હું માસિક ધર્મ વિશે લખતી હતી હવે રજોનિવૃત્તિ વિશે લખું છું. મેં માતાપિતાએ નાના બાળકોને કેવી રીતે ઉછેરવા તેના વિશે લખ્યું છે પણ હવે હું વધતી જતી વય અને જીવન કેવું ક્ષણભંગુર છે તેના વિશે લખું છું. અને આ બધી બાબતોની પાછળ તો ભારત પણ ધબકે છે અને બદલાતું પણ જાય છે. ભારત કેવું બદલાયું અને હું કેવી બદલાઇ છું તે મારા લેખનમાં દર્શાવવાની મારી મહત્વાકાંક્ષા છે. 

સ્વાભાવિક રીતે જ એક દાયકાનો સમયગાળો હોય એટલે ઘણીવાર પુન: લેખન પણ કરવું પડે. ટ્વિન્કલ કહે છે, મારી સાસુ વિશે એક લેખ લખેલો હતો. મેં જ્યારે એ લેખ લખ્યો ત્યારે મારી સાસુ હયાત હતાં અને મારી જિંદગીનો હિસ્સો હતાં, પણ પછી તે ગુજરી ગયાં પણ હું તેમના વિશેનો નિબંધ મારા આ પુસ્તકમાં સમાવવા માંગતી હતી. પણ વર્તમાન સમયમાં તે અપ્રાસંગિક ન લાગે તે માટે તેને ફરી લખવો જરૂરી હતો. આમ,  મારા માટે પુન: લેખન એ સુધારાવધારા પૂરતું મર્યાદિત બની રહેવાને બદલે લાગણીકીય પુરાતત્ત્વખાતાની મુલાકાત લેવા સમાન બની રહે છે. 

ટ્વિન્કલ ખન્ના આજકાલ કાજોલ સાથે ટુ મચ નામનો રિયાલિટી શો પણ હોસ્ટ કરી રહી છે. ટ્વિન્કલ કહે છે, મારા માટે આ ફની શો કરવો એક મોટી તક હતી. ચૂપચાપ અદબવાળીને ઉભાં રહેતાં લોકો સામે બળવો પોકારવાની રીત ફન છે. વળી મારા જીવનમાં હું એ તબક્કે છું જ્યાં મને સ્થગિત થઇ જવાનો ડર સતાવી રહ્યો છે. એટલે હું સતત મારી જાતને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર ધકેલવાના પ્રયાસો કરતી રહું છું. અને મારા માટે બનાવટી આઇલેશ લગાવીને કેમેરાની સામે ઉભાં રહેવું એ ખરેખર મારા ફમ્ફટ ર્ઝોનની બહાર જવા સમાન બની રહ્યું હતું.પણ આ માધ્યમની અચોક્કસતા મને જકડી રાખે છે. પોતાની વાત સમજાવતાં ટ્વિન્કલ ખન્ના કહે છે, જ્યારે તમે પુસ્તક લખો ત્યારે તે લખાઇ જાય ત્યારે તેમાં તમારી ધારણાં કરતાં માંડ દસપંદર ટકાનો ફરક પડતો હોય છે. સમગ્ર પ્રક્રિયા પર તમારું નિયંત્રણ હોય છે. પણ રૂપેરી પડદા પર આખરી પરિણામ કેવું હશે તેના વિશે ભાર અચોક્કસતા પ્રવર્તતી હોય છે. આમ, હું પુરી તૈયારી કરી આકરી મહેનત કરું છું.  


ટ્વિન્કલ ખન્ના કહે છે, લેખનની કારકિર્દીમાં મારું ચાલકબળ વિસ્મય છે. કૂતુહલને કારણે જ મને બધી બાબતોમાં રસ પડતો રહે છે. મારા ત્રણ પુસ્તકો થઇ ગયા છે અને કોલમ લખતાં લખતાં મને એક દાયકાનો સમય થઇ ગયો છે છતાં હું યુનિવર્સિટીમાં એડમિશન લઇ રાઇટિંગનો અભ્યાસ કરૃં છું. હું એ સમજવા માંગતી હતી કે લખવાની ક્રાફ્ટ કેવી રીતે કળાને ટેકો આપે છે.પોતાની ભાવિ યોજનાઓ વિશે લાક્ષણિક શૈલીમાં ફોડ પાડતાં મિસિસ ફનીબોન્સ કહે છે, મારી આગામી નવલકથાના ૩૦,૦૦૦ શબ્દો લખાઇ ચૂક્યા છે. એટલે હાલ તો હું તેને પુરી કરવામાં વ્યસ્ત છું પણ મારી પાસે હંમેશા ભાવિ યોજનાઓ તૈયાર જ હોય છે. જેમ કે, હું હંમેશા વિચારું છું કે ૬૦મા વર્ષે તો હું એકદમ અલગ કરી બતાવીશ, કાં તો હું શિક્ષણ પ્રધાન બની જઇશ, કાં હું મારી પીએચડી કરતી હોઇશ. બેમાંથી એક તો પાકું. માત્ર મિસિસ ફનીબોન્સ જ આવી આગાહી હસ્યા વિના કરી શકે અને આ જ તો તેના મરક મરકનું રહસ્ય છે.