Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : This time, write Trump peace mantras on every page of the budget

Business Plus : આ વખતે બજેટના પાને પાને લખો ટ્રમ્પ શાંતિ મંત્રો

Timeછેલ્લું અપડેટ : 12 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Business Plus : આ વખતે બજેટના પાને પાને લખો ટ્રમ્પ શાંતિ મંત્રો
સોર્સ : GSTV

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

App Store

- ટ્રમ્પનું મગજ શાંત પડે તે માટે શાંતિપાઠ અને ખાસ યજ્ઞાો કરવા પણ અલાયદું બજેટ ફાળવવા દરખાસ્ત 

બજેટની તૈયારી કરવા બેઠેલા અધિકારીઓ પાંચ-પંદર મીંડાં આમતેમ ગોઠવતાં, જૂની યોજનાઓનું નવું પેકેજિંગ અને નવાં નામો શોધતાં, ખાતર ઉદ્યોગનું બજેટ સ્મારકો બાંધવામાં અને સબસીડીના પૈસાથી સરકારી ઓફિસોનાં રંગરોગાનનું સેટિંગ કરતાં કરતાં થાકી ગયા. એક અધિકારીએ નિસાસો નાખ્યો.'ખરેખર, આપણે ગમે તેટલી મગજમારી કરીએ પરંતુ આ દેશની ૧૫૦ કરોડની જનતાને રીઝવવી બહુ અઘરી છે. ગમે તેટલી કસરતો કરશું પછી પણ એમ કહીને  ઊભા રહેશે કે અમને અમારી અપેક્ષા પ્રમાણેનું બજેટ મળ્યું નથી.'

બીજા અધિકારી કહે, 'ભાઈ, જનતાનું છોડોને. દેશની જનતાની અપેક્ષાઓ પ્રમાણે બજેટ બનતું હોત તો આ ૭૫ વર્ષમાં આપણે અમેરિકા કરતાં દસ પ્રકાશવર્ષ આગળ નીકળી ગયા હોત.'


'હેં... અમેરિકા પરથી યાદ આવ્યું .આપણે આ વખતે બજેટમાં પેલા ડોનાલ્ડ ટ્રમ્પની અપેક્ષાઓનો પણ ખ્યાલ રાખવો  પડશેને? આપણે ગમે તેવું મસ્ત બજેટ બનાવીએ પણ ટ્રમ્પ કાંઈક આડીઅવળી જાહેરાતો કરીને આપણી બધી મહેનત ધૂળધાણી કરી નાખશે...' ત્રીજા અધિકારીએ પલીતો ચાંપતાં રુમમાં એસી ચાલુ હોવા છતાં બધા અધિકારીઓ પરસેવે રેબઝેબ થઈ ગયા. થોડીવાર સન્નાટો છવાઈ ગયો. 

છેવટે પહેલા અધિકારી ઢીલા અવાજે કહે, 'ભાઈઓ, હું મારું નિવેદન સુધારું છું. દેશની ૧૫૦ કરોડ જનતા ને અને સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પને પણ રીઝવવા બહુ અઘરા છે.'

બીજા અધિકારી તેમને હિંમત બંધાવતાં કહે, 'તમે આમ ઢીલું  ન મૂકો. તમે કહો તો આપણે વિદેશ મંત્રાલયનું બજેટ પાંચ હજાર ગણું વધારી દઈએ. અમેરિકામાં  ટ્રમ્પના સન્માનમાં બીજી ૪૦૦ ઈવેન્ટ ગોઠવીએ, 'અબ કી બાર સાત સમુદર પાર ભી ૪૦૦ પાર'નું સૂત્ર આપી દઈએ. ટ્રમ્પ તો શું , ટ્રમ્પની ઓફિસના ડેપ્યુટી કલાર્કના આસિસ્ટન્ટ પ્યૂન માટે પણ આપણે ત્યાં  સ્ટેડિયમમાં કાર્યક્રમ ગોઠવી દઈએ. લાખોની મેદની એકઠી કરવી એ આપણા મામલતદારો અને પ્રાથમિક  શિક્ષકો માટે તો ચપટી વગાડવા જેવું કામ છે.'

છેવટે એક વરિષ્ઠ અધિકારી ખોંખારો ખાઈને કહે, 'એમ કરીએ, જુઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે  પ્રજાને એવું સમજાવવા માંડયું છે કે પૂજાપાઠ, ધાર્મિક વિધિઓ, હવનો એ બધું જ સર્વશ્રેષ્ઠ શાસન છે. તો ટ્રમ્પના કેસમાં પણ આપણે એનો આશરો લઈએ.  ટ્રમ્પનું મગજ  શાંત જ રહે અને નવા કોઈ ઉધામા ન કરે એ માટે દેશભરમાં પ્રાર્થનાઓ, શાંતિપાઠ, શાંતિયજ્ઞા વગેરેનાં આયોજનો માટે પાંચેક હજાર કરોડ ફાળવી દઈએ. એ બહાને પાર્ટી કાર્યકરો અને લાગતાવળગતાને થોડી કમાણી થશે અને દેશની અતિશય ધાર્મિક જનતા પણ હોંશે હોંશે આવાં ધાર્મિક આયોજનોમાં જોડાશે. '

'વાહ... સારો આઇડિયા છે. હું તો કહું છું કે સાથે સાથે આ વખતે બજેટના પાને- પાને ટ્રમ્પશાંતિ મંત્રો પણ લખવાનું રાખીએ. જેથી દેશનું દરેક સેક્ટર ટ્રમ્પના અશાંત ઈરાદાઓની બૂરી અસરથી બચી જાય.'

અત્યાર સુધી શાંત બેઠેલા એક વયોવૃદ્ધ અધિકારી એકદમ રુક્ષ અવાજે કહે, 'આઇડિયા બધા સારા છે, પરંતુ ટ્રમ્પ એનું નામ આમ આપણા બજેટમાં વાપરવાથી ભડકી નહિ જાયને? ટ્રમ્પને આ બાબતે પૂછી જોવા ફોન કરવાનું સજેશન કોણ આપવા તૈયાર છે?'

બધા અધિકારીઓના મોઢાં  વેનેઝુએલાના મદુરોના સમર્થકો જેવાં વીલાં થઈ ગયાં. 

સ્માઈલ ટિપ 

જૂની કહેવતઃ સો દહાડા સાસુના, એક દહાડો વહુનો 

નવી  કહેવતઃ ૧૦૦ દહાડા ભાવ વધારવાના, એક દહાડો બજેટ રાહતોનો