Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The main means of beauty and success of actresses is the delicacy of their nose!

Sahiyar: અભિનેત્રીઓની સુંદરતા અને સફળતાનું મુખ્ય માધ્યમ એટલે નાકની નજાકત!

Timeછેલ્લું અપડેટ : 14 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar: અભિનેત્રીઓની સુંદરતા અને સફળતાનું મુખ્ય માધ્યમ એટલે નાકની નજાકત!
સોર્સ : GSTV

એવું માનવામાં આવે છે કે વિશ્વમાં વિવિધ ક્ષેત્રોમાં વિલક્ષણ પ્રગતિ સાધવા માટે શરીરના વિશેષ અંગના આકાર અને આક્રમક અભિગમને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે. આ માન્યતામાંથી હોલીવૂડ પણ કેવી રીતે અપવાદરૂપ હોઈ શકે. પરિણામે વર્તમાન સમયે હોલીવૂડમાં પ્રવેશ કરતી અભિનેત્રીઓ પોતાની સફળતા માટે વિશેષ અંગના આકારને પોતાની પ્રગતિનું પગથિયું માની કોસ્મેટિક સર્જનનો સહારો લેતી. તેમાંય વળી હવે તો વિશેષ રૂપે નાકના આકારને સફળતાનું માધ્યમ બનાવવામાં આવે છે.

App Store

હોલીવૂડની સરળ પરિભાષામાં આવા અભિગમને નાકની નજાકત તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાન સમયે હોલીવૂડમાં એવી ભાગ્યે જ કોઈ અભિનેત્રી હશે કે જેના નાકનાં નખરાંની નજાકતને શિરોમાન્ય રાખવા માટે કોસ્મેટીક સર્જનનો આશરો ન લેવો પડતો હોય.

તેમ છતાંય આમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. લગભગ મૂંગી ફિલ્મોના યુગથી માંડીને અત્યાર સુધી વિશેષરૂપે અભિનેત્રીઓની બોક્સ ઓફિસ પર સફળતા અથવા નિષ્ફળતા માટે નાકના આકારે ઘણી મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. નાકને ઇચ્છાનુસાર કે જરૂરિયાત અનુસાર આકાર આપવાનું હવે સરળ થઈ ગયું છે. આ વ્યવસાયમાં રૂપિયાની રેલમછેલ જોઈ સાધારણ પ્લાસ્ટીક સર્જનોએ પણ હવે કોસ્મેટીક સર્જરીનો માર્ગ અપનાવવા માંડયો છે. 

અને પરિણામે પોતાના ભાવિને સમૃદ્ધ બનાવવાનાં સ્વપ્નો સેવી રહ્યા છે. ઘણા સર્જનો તો હોલીવૂડની અભિનેત્રીઓને પણ શરમાવે તેટલા શ્રીમંત આ નાકની નજાકતના નામે થઈ ગયા છે.

ફેશન ડિઝાઈનરોની માફક આ સર્જનો પણ શરીરના વિવિધ અંગોના વિશેષ આકાર અને આકૃતિઓ ઓફર કરે છે. સાઠના દાયકામાં સેક્સ કીટન તરીકે મશહૂર થયેલી અભિનેત્રી બ્રીજીટી બારડોટના નાકના આકારે તેના ગ્રાહકોમાં તરખાટ મચાવી દીધો હતો. ત્યાર બાદ બાર્બરા સ્ટ્રેસેન્ડના નાકના આકારે ફિલ્મી રસિયાઓ ઉપર આધિપત્ય જમાવ્યું. પરંતુ બાર્બરાના નાકના આકારનું અનુકરણ કરવાનું એટલું આસાન ન હતું.

ત્યાર બાદ એંશીના દાયકામાં બ્રુક શીલ્ડના નાકના આકારનું વળગણ જાગ્યું. એનું નાક એટલું તીક્ષ્ણ અને સીધું હતું કે તેને નજરથી નિહાળતાની સાથે તે જીગર સોંસરવું ઉતરી જતું હતું. આવા આકારના નાક માટે અભિનેત્રીઓએ એટલી તો પડાપડી કરી કે જોતજોતામાં કોસ્મેટીક સર્જનો નજરથી નહિ પરંતુ નાકથી ન્યાલ થઈ ગયા.

પરંતુ નેવુના દાયકામાં નાકના એવા આકારનો વાયરો વાયો કે જેમાં ભલભલી નાની-મોટી અભિનેત્રીઓ તણાઈ ગઈ. એ દાયકા દરમિયાન ઘમંડ, અભિમાન, ગર્વ કે ગૌરવ જેમ નાકનું ટેરવું ચઢી જાય છે તેવા ટેરવા વાળા નાકનું સામ્રાજ્ય છવાઈ ગયું. આવા નાકની આધિપત્ય કે તુમાખીના પ્રતીક તરીકે નામના ફેલાવા લાગી. વર્તમાન સમયે આવા આકારના નાકને બુદ્ધિ, કામોત્તેજનાના કામણ અને જાતિય આકર્ષણના અંગ તરીકે આવકારવામાં આવે છે. હોલીવૂડમાં હવે એ એક સ્થાપિત વાસ્તવિકતા ગણવામાં આવે છે કે શો બિઝનેસમાં ખ્યાતિ મેળવવી હોય તો શરીરના વિવિધ અંગોના આકાર માટે ગંભીર અભિગમ અપનાવ્યા વિના કોઈ આરો નથી. તેથી જ આજે ડેમીમૂર, શેરોન સ્ટોન, જુલીઆ રોબર્ટસ, મેરીલ સ્ટ્રીપ, મેગ રયાન અને સુસાન સારેનડોન જેવી સ્ત્રી આવા તુમાખીભર્યા ટેરવાવાળા નાકની અધિપતિ છે.

હોલીવૂડના સુપ્રસિધ્ધ કોસ્મેટીક સર્જનો માટે આવું નાક એક પ્રેરણાનું પ્રતીક બની ગયું છે. સાઠના દાયકાવાળાં નાક પણ હવે નેવુના દાયકાના નાકનું અનુકરણ કરવા આતુર અને ઉત્સુક થઈ ગયાં છે.

હાલમાં હોલીવૂડમાં પ્રવેશ માટે થનગની રહેલા ઉમેદવારો, અભિનેતા કે અભિનેત્રી તરીકે પા... પા... પગલી કરવા આવા નાકની નજાકતના નમુના બનવા કોસ્મેટીક સર્જનોના દવાખાનાંના પગથિયાં ઘસી રહ્યા છે.

તબીબી પરિભાષામાં આવા નાકની કોસ્મેટીક સર્જરીની કાર્ય પદ્ધતિને 'કારટીલેજ ગ્રાફટીંગ' તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની સર્જરીમાં નાકના અંદરના ભાગમાંથી અથવા તો કાનની નીચે લટકતી માંસલ ગ્રંથિમાંથી ટીસ્યુ કાઢી તેને નાકની સર્જરી માટે વાપરવામાં આવે છે.

તેમ છતાં લોસ એન્જેલેસના એક અગ્રણી કોસ્મેટીક સર્જન આવા પ્રકારની નાક ઉપરની શસ્ત્રક્રિયા ન કરવાની સલાહ આપે છે. તેમણે જણાવ્યું હતું કે પચાસ અને સાઠના દાયકામાં સ્ત્રીઓ મેરીલીન મેનરો કે સોફીયા લોરેન જેવાં નાક ધારણ કરવા પડાપડી કરતી હતી અને હવે વળી જુદા પ્રકારનાં નાક માટે પડાપડી કરે છે. પરંતુ કુદરતની કારીગરીમાં દખલગીરી કે હસ્તક્ષેપ હિતકારી નથી. કુદરત જેવા કલાકારની કારીગરીમાં ત્રુટીઓ કાઢી તેને સુધારવા જતાં ઘણીવાર બકરી કાઢતાં ઊંટ પેસી જાય ત્યારે પસ્તાવાનો વારો આવે છે. હમણાં-હમણાં ઘણી સ્ત્રીઓ સુપરમોડેલ સીન્ડી કાર્ફડના નાકની વાટે ચઢવા લાગી છે. તેને પોતાના નાકના આકાર ઉપર એટલો નાઝ છે કે તે કોઈ સમ્રાટના સામ્રાજ્યના બદલામાં પણ તેનો આકાર બદલાવવા તૈયાર નથી. પરંતુ આવું વલણ હોલીવૂડની કાંઈ તમામ અભિનેત્રીઓ અપનાવતી હોતી નથી. તેઓ તો પોતાના ભાગ્યમાં પરિવર્તન લાવવા આવા તરંગોને તાબે થઈ જાય છે. પરંતુ હવે આ પ્રકારનું વલણ ફિલ્મી ક્ષેત્ર પૂરતું મર્યાદિત રહ્યું નથી. રંગમંચ, મોડેલીંગ, ફેશન, વિજ્ઞાપન, જેવા સૌંદર્ય અભિલક્ષી ક્ષેત્રોમાં પણ આવા વલણનો વિકાસ વ્યાપક બની રહ્યો છે.

જીન કારલો જેવી હોલીવૂડની તે જમાનાની સેક્સ સીમ્બોલ ગણાતી અભિનેત્રી અને મેરીલોન મેનરોના જમાનાથી હોલીવૂડમાં શરીરના ઘાટનું ઘેલું લાગેલું હતું. નાનાં નાક અને ભારે, ભરાવદાર, ઘાટીલાં સ્તનો, પાતળી કમર અને વિશાળ નિતંબ ધરાવતી યુવતીઓ હોલીવૂડમાં સેક્સી ભૂમિકા ભજવવા માટે વિશ્વભરમાંથી આવી મોટા મોટા સ્ટુડિયોના દરવાજા ખટખટાવતી. પરંતુ હમણાં હમણાં સ્ત્રીની સેક્સી પ્રતિભામાં પરિવર્તન આવવા માંડયું છે. યુવતીઓને હવે મેરીલ સ્ટ્રીપ, ચેર, ઓડી મેકડોવેલ જેવી અભિનેત્રીઓના નાકના આકારનું વળગણ લાગ્યું છે.

તેમ છતાં હોલીવૂડમાં હજી પણ એવી અભિનેત્રીઓ છે જે ગૌરવથી એવું કહે છે કે કુદરતે જેવાં અંગો આપ્યાં છે તેનાથી મને સંતોષ છે અને આવી અભિનેત્રીઓમાં દંતકથા રૂપ બની ગયેલી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે. 

નાક માટે આવા ગાર્ડનર અને હેડી લેમર, સ્તન માટે રેક્વેલ વેલ્ચ અને મેમીવાન, ડોરેન, કમર માટે ઇસ્ધર વિલિયન્સ અને ડેબરા પેજેટ, સાથળો માટે જેનરસેલ અને જીન્જર રોજર્સ, પગ માટે જ્હોન ફીન્ટેન અને જીન સીમન્સ તથા નિતંબ માટે સુસાન હેવર્ડ અને કીમ નોવેક એટલી મશહૂર હતી કે તેમણે પોતાની ઇશ્વર દત્ત અસ્કયામતોમાં પરિવર્તન લાવવાનો સપનામાં પણ સંકલ્પ કર્યો ન હતો.