Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Tabria drug peddlers

Shatdal : ટાબરિયા ડ્રગ પેડલર્સ 

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Shatdal : ટાબરિયા ડ્રગ પેડલર્સ 

- ટોપ્સીટર્વી

App Store

- તું જરાય ચાલાકી કરવા જઇશ તો અમે રિમોટ કન્ટ્રોલથી તારા પેટમાં રહેલી કોકેનની પડીકી ફાડી નાખશું એટલે તું મરી જઇશ

'સાહેબ, મને બચાવી લ્યો. નહીંતર હું મરી જઇશ. એ લોકોએ મારા શરીરમાં કોકેનની ૧૨૦ પડીકી સરકાવી દીધી છે. મારી સ્કૂલનાં બીજાં ઘણાં બાળકોને પણ એ લોકોએ પોતાના આવા ગંદા ધંધામાં ફસાવી દીધા છે. અમને બચાવી લ્યો સાહેબ, એ લોકો ખૂબ ખતરનાક છે. અમને મારી નાખવાની અને અમારા પરિવારને ખતમ કરી દેવાની ધમકી પણ અવારનવાર આપે છે... ' પોલીસ વાનની પાછલી બેઠક પર બેઠેલો એક ટાબરિયો પોલીસ ઇન્સપેક્ટરને કરગરી રહ્યો હતો.

વાત ઇંગ્લેંડના વેસ્ટ યોર્કશાયર વિસ્તારના બ્રેડફોર્ડ નગરની છે. પોલીસને એવી પાક્કી બાતમી મળી હતી કે છેલ્લા કેટલાક સમયથી ડ્રગ માફિયા સ્કૂલનાં બાળકોને લલચાવીને કે ડરાવીને ડ્રગ પેડલર્સ તરીકે કામ કરાવી રહ્યા હતા. પોલીસ કેટલાક ડ્રગ માફિયા અને કેટલીક સ્કૂલોનાં બાળકોના મોબાઇલ ફોન ટ્રેસ કરતી હતી. એવા એક ટ્રેસ કરેલા ફોન દ્વારા પોલીસને ગોળનું ગાડું મળી ગયું હતું. સારા ઘરના એક ટીનેજરને એની સ્કૂલ નજીકથી પોલીસે આંતર્યો હતો અને એને સમજાવી ફોસલાવીને વાનમાં બેસાડી દીધો હતો. પોલીસ એને લઇ જઇ રહી હતી ત્યારે એ છોકરો પોલીસ અધિકારીને કરગરી રહ્યો હતો કે હું તમને એ લોકોની વાત કહી દઇશ તો મારા પરિવારને એ લોકો મારી નાખશે. પોલીસ અધિકારી એને સમજાવી રહ્યા હતા કે અમે તારા પરિવારને પાક્કું રક્ષણ આપીશું. તું જરાય ગભરાતો નહીં. તારી સ્કૂલનાં બીજાં કેટલાં બાળકો આ રીતે કામ કરી રહ્યાં છે એટલી માહિતી તું આપે તો પણ ઘણું છે. પછી અમે એ લોકો સાથે ફોડી લઇશું.

તે દિવસે પોલીસના નસીબ જોર કરી રહ્યા હતા. અચાનક પોલીસ વાનના ડ્રાઇવરે ઉપરી અધિકારીને કહ્યું, સાહેબ, સામેની તરફ જુઓ. એકદમ ઝાંખી નંબર પ્લેટ ધરાવતી એક કારમાંથી તગડા દેખાતા એક માણસે એક ટાબરિયાને કારમાંથી ઊતાર્યો. પેલો ટાબરિયો ગભરાયેલો જણાતો હતો. એને ઊતારીને કાર તો તરત ઉપડી ગઇ. પોલીસ અધિકારીએ કાર થોભાવી અને સામેની બાજુએથી ગયેલી કાર વિશે ટ્રાફિક પોલીસને માહિતી આપી. પોતે સામેની સાઇડ પર દોડી ગયા. કારમાંથી ઊતારાયેલા ટાબરિયાને હળવેથી હેલ્લો કહ્યું અને એની સામે હાથ લંબાવ્યો. પેલાએ ડરતાં ડરતાં શેક હેન્ડ કર્યું. એને થોડો સ્વસ્થ થવા દીધા પછી પોલીસ અધિકારીએ એને સમજાવતાં પોતાની સાથે આવવાની રિક્વેસ્ટ કરી.

સહેજ ખંચકાતાં પેલો ટાબરિયો પોલીસ અધિકારી સાથે ગયો. પોલીસ વાનમાં બેઠેલા ટાબરિયાને જોઇને એનામાં થોડી હિંમત આવી. એ બેધડક પોલીસ વાનમાં બેસી ગયો. વાન પોલીસ સ્ટેશને પહોંચી. ત્યાં પહેલેથી એક મહિલા મનોચિકિત્સક હાજર હતાં. પોલીસ વાનમાં આવેલાં બંને ટાબરિયાંને મનોચિકિત્સકે સંભાળી લીધાં. હળવે હળવે એમને વિશ્વાસમાં લીધા બાદ એમનાં માતાપિતાને જાણ કરી કે ફલાણા પોલીસ સ્ટેશને આવી જાઓ.

બ્રિટિશ પોલીસને એવી સચોટ માહિતી મળી હતી કે પોલીસના પંજાથી બચવા ડ્રગ માફિયા હવે સ્કૂલોમાં ભણતાં બાળકોને સામ-દામ-દંડ-ભેદથી ફસાવીને ડ્રગ પેડલર્સ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. પોલીસે પોતાના બાતમીદારોને ઠેર ઠેર ગોઠવી દીધા હતા. બ્રેડફોર્ડ વિસ્તારમાં પોલીસને હાથ લાગેલા બંને ટાબરિયાને સમજાવીને મનોચિકિત્સકે મેળવેલી માહિતીનો સાર એવો હતો કે માત્ર બ્રેડફોર્ડ નહીં, પંજાબી શીખો અને પાકિસ્તાનીઓની વધુ વસતિ ધરાવતા બ્રિસ્ટોલ વિસ્તારની કેટલીક સ્કૂલોનાં બાળકો પણ ડ્રગ માફિયા દ્વારા ફસાવાયેલાં છે. એ બાળકોને એટલી હદે ડરાવી દેવામાં આવ્યાં છે કે એ લોકો મને-કમ ને ડ્રગ માફિયા કહે એમ કરે છે. 

બ્રેડફોર્ડમાં જે ટીનેજર પકડાયો એ નવમા ધોરણનો વિદ્યાર્થી છે અને એણે ઇસ્ટ લેંકેશાયર સુધી આ ડ્રગ પહોંચાડવાની હતી. એને ડરાવવામાં આવ્યો હતો કે અમે તારા શરીરમાં ડ્રગની સાથોસાથ તારું પગેરું પકડતો રહે એવો એક માઇક્રો કેમેરા ગોઠવ્યો છે. તું જરાય ચાલાકી કરવા જઇશ તો અમે રિમોટ કન્ટ્રોલથી તારા પેટમાં રહેલી કોકેનની પડીકી ફાડી નાખશું એટલે તું મરી જઇશ. આ છોકરો અને એના ક્લાસના બીજા કેટલાક વિદ્યાર્થીઓ યોર્કશાયર અને લેંકેશાયર વચ્ચે ડ્રગ પેડલર્સ તરીકે કામ કરી રહ્યા હતા.

પોલીસે ધીરજથી કામ લીધું. મનોચિકિત્સક અને હિપ્નોટીસ્ટની મદદથી ટીનેજર્સનો ડર દૂર કર્યો. એક ગેંગના અડ્ડાનું પગેરું મળ્યું. પોલીસ અને અર્ધલશ્કરી દળોએ એ મકાનને ચારે બાજુથી ઘેરી લીધું. કદાચ ડ્રગ માફિયાઓએ અન્ડરગ્રાઉન્ડ વ્યવસ્થા કરી હોય એવી ધારણાથી મકાનની આજુબાજુની ગટરનાં ઢાંકણાં પાસે પણ પોલીસ ગોઠવાઇ ગઇ. ગાઝા અને પેલેસ્ટાઇનમાં જિહાદી આતંકવાદીઓએ મસ્જિદો અને હોસ્પિટલોમાં ધરતીથી વીસ પચીસ ફૂટ ઊંડે આવાં બંકર્સ બનાવ્યાં છે એ હકીકત જાહેર થયા પછી હવે લગભગ દરેક દેશની પોલીસ આવી તૈયારી સાથે અંધારી આલમના અડ્ડાઓ પર રેડ પાડે છે. 

ત્યારબાદ પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ (માઇક્રોફોન) દ્વારા ચેતવણી આપવામાં આવી. પોલીસની ચેતવણી પૂરી થાય એ પહેલાં તો મકાનમાંથી ગોળીબાર શરૂ થઇ ગયા. આવું કંઇક થવાની પોલીસની ધારણા હતી જ. તરત પોલીસે વળતા ગોળીબાર શરૂ કર્યા. આ વિસ્તારના ટ્રાફિકને એ પહેલાંથી અટકાવી દેવાયો હતો જેથી પોલીસ પગલાંમાં અવરોધ ન સર્જાય. અડધો પોણો કલાક આ રીતે સામસામા ગોળીબાર થયા પછી એ ગેંગ શરણે આવી. અંદર બે ત્રણ ટપોરીના મૃતદેહો હતા અને પોલીસને ડ્રગનો ગંજાવર જથ્થો પણ મળ્યો.

હવે બ્રિટિશ પોલીસ લગભગ ઇંગ્લેંડના દરેક મોટા શહેરની સ્કૂલોમાં ભણતા બાળકો પર બાજનજર રાખી રહી છે. કોઇ સ્કૂલનાં બાળકો ડ્રગ માફિયા કે અંધારી આલમના અન્ય ભાઇલોગનો હાથો તો નથી બની ગયાં ને એની તકેદારી પોલીસ રાખી રહી હતી.

-  અજિત પોપટ