Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : started badminton to overcome his illness and became a world champion

Ravi Purti: બીમારીને મહાત આપવા બેડમિંટન શરુ કર્યું,ને વર્લ્ડ ચેમ્પિયન બની ગયો

Timeછેલ્લું અપડેટ : 25 May 2025
લાઇવ ટીવીGoogle News
Ravi Purti: બીમારીને મહાત આપવા બેડમિંટન શરુ કર્યું,ને વર્લ્ડ ચેમ્પિયન બની ગયો

- Sports ફંડા      

App Store

 - 24 વર્ષના થાઈલેન્ડના ખેલાડીની પ્રતિભા પર બેડમિંટન જગતના દિગ્ગજો આફરીન

 - બેડમિંટનમાં ઓલિમ્પિકમાં ચંદ્રક જીતનારો અને વિશ્વવિજેતાનો ખિતાબ હાંસલ કરનારા             વિટિડસર્નની થાઈલેન્ડના ઈતિહાસના સૌપ્રથમ ખેલાડી તરીકેની સિદ્ધ

જિંદગીની સફર આશ્ચર્ય અને ચમત્કારથી ભરેલી છે. સફરનો દરેક વળાંક એક નવી જ દિશાને ઉઘાડનારો બની રહે છે અને આ સાથે જ નવા પડકારો તો સામે આવે જ છે, પણ તેનો સામનો કરનારને કલ્પનાતીત સફળતાનો ખજાનો પણ પ્રાપ્ત થતો હોય છે. એકાદ-બે સફળતાને હાંસલ કર્યા પછી વિરામની તલાશ કરનારની વિકાસ યાત્રા પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે, પણ જેઓ પોતાના શ્રેષ્ઠ દેખાવને બહાર લાવવા માટે પોતાની જાત સાથે જ સંઘર્ષ કરતાં રહે છે, તેઓની પ્રતિભાનું મૂલ્યાંકન હરિફોની સિદ્ધિઓથી નહીં, પણ ખુદ તેમની સિદ્ધિઓના શીખરોની સરખામણી થકી જ થાય છે. એક સમય એવો પણ આવે છે, જ્યારે તેઓ ખુદ સીમાચિહ્ન બનીને ચિરકાલીન પ્રભાવ પાડનાર બની રહે છે. 

બેડમિંટનની દુનિયામાં છેલ્લા ચાર વર્ષથી આગવો પ્રભાવ પાડનારા થાઈલેન્ડના માત્ર ૨૪ વર્ષના ખેલાડી કુલાવિટ વિટિડસર્નની સિદ્ધિઓ તેની વિરાટ પ્રતિભાના પ્રતિબિંબ સમાન છે, જે સતત ક્ષિતિજોની જેમ વિસ્તરતી જાય છે. આગામી પાંચથી સાત વર્ષ સુધી વિશ્વ બેડમિંટન પર આગવી છાપ ઉપસાવનારા પ્રતિભાશાળી ખેલાડીઓમાં વિટિડસર્નનું સ્થાન અગ્રહરોળમાં છે. 

પાંચ ફૂટ અને આઠ ઈંચ ઊંચાઈ ધરાવતા થાઈલેન્ડના બેડમિંટન ખેલાડીએ છેલ્લા ચાર વર્ષમાં ચંદ્રકો અને ટાઈટલ્સ જીતવાની સાથે ઈતિહાસને નવેસરથી લખવાની ફરજ પાડી છે. વિટિડસર્ને ૨૦૨૪ના પેરિસ ઓલિમ્પિકમાં પુરુષ સિંગલ્સની સ્પર્ધામાં ફાઈનલ સુધીની સફર ખેડતાં રજત ચંદ્રક હાંસલ કર્યો અને તે આવી સિદ્ધિ મેળવનારો થાઈલેન્ડનો સૌ પ્રથમ બેડમિંટન ખેેલાડી બની ચૂક્યો છે. પેરિસમાં ૩૬ દેશોના ૪૧ ખેલાડીઓની સ્પર્ધામાં વિટિડસર્ને વિશ્વમાં નંબર એકનું સ્થાન ધરાવતા ચીનના શી યુકીને ક્વાર્ટર ફાઈનલમાં પણ તેના કરતાં હાયર રેન્ક ધરાવતા મલેશિયાના લી ઝી જીયાને મહાત આપતા સનસનાટી મચાવી હતી. જોકે, ફાઈનલમાં ડેનમાર્કના એક્સેલસનની સામે મળેલી હારને કારણે તેને રજત ચંદ્રકથી સંતોષ માનવો પડયો હતો. આમ છતાં, તેની ફાઈનલ સુધીની ડ્રીમ રને બેડમિંટન જગતમાં ખળભળાટ તો મચાવી જ દીધો હતો. 

વિટિડસર્ન ઓલિમ્પિક અગાઉ ૨૦૨૩માં ડેનમાર્ક ખાતે રમાયેલી કોપનહેગન ખાતેની બેડમિંટનમાં પુરુષ સિંગલ્સમાં વિશ્વવિજેતા બની ચૂક્યો છે. આ સતત બીજી બેડમિંટનની વિશ્વ ચેમ્પિયનશિપ હતી, કે જેમાં વિટિડસર્ન ફાઈનલમાં પ્રવેશ્યો હતો.અગા ૨૦૨૨ની ટોકિયો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ તે ફાઈનલમાં પ્રવેશીને આખરે એક્સેલસન સામે હાર્યો હતો અને તેને રજત સફળતાથી સંતોષ માનવો પડયો હતો. જોકે, અત્યંત કઠિન પરીક્ષા સમાન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેનો સાતત્યભર્યો દેખાવ તેની કુશળતા અને સતત પોતાની રમતમાં શ્રેષ્ઠતા સુધી પહોંચવાના પ્રયાસોનું પ્રમાણ છે. 

ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ જેવી મેજર ટુર્નામેન્ટ્સની સાથે સાથે વિડિટસર્ને એશિયન ચેમ્પિયનશિપ તેમજ સાઉથ એશિયન ગેમ્સમાં પણ સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. બેડમિંટનની વર્લ્ડ ટુરમાં પણ તેણે છ ટાઈટલ્સ જીત્યા છે અને પાંચ વખત તેને ફાઈનલમાં નિષ્ફળતા સાંપડી છે, પણ સાતત્યપૂર્ણ દેખાવને કારણે તે આજે દુનિયાના ટોચના બે ખેલાડીઓમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.

બેડમિંટન કોર્ટ પર ખુબ જ ધીરજ સાથે મેચને આગળ ધપાવવા માટે જાણીતા થાઈલેન્ડના આ જમણેરી ખેલાડીની કુશળતા તેના સ્ટેમિના અને ઝડપમાં છુપાયેલી છે. બેડમિંટનના ચાહકો આ જ કારણે તેને 'થ્રી ગેમ ગોડ'ના હુલામણા નામથી પણ ઓળખ છે. બેડમિંટનની રમતમાં મહત્તમ ત્રણ ગેમમાં ફેંસલો આવે છે. જો કોઈ ખેલાડી સતત બે ગેમ જીતી જાય તો તે વિજેતા બને છે, જ્યારે બંને ખેલાડીઓ એક-એક ગેમ જીતે તો પછી ત્રીજી અને નિર્ણાયક ગેમ ખેલાતી હોય છે. વિટિડસર્ન તેના હરિફને થકવી-થકવીને હરાવવા માટે જાણીતો છે. એ ગમે તેમ કરીને મેચને ત્રણ ગેમ સુધી ખેંચી જાય છે અને જ્યારે હરિફ ખેલાડી થાકી જાય એટલે ત્રીજી અને આખરી ગેમમાં તે આગવી ઝડપ સાથે આક્રમણ કરતાં જીત હાંસલ કરે છે. 

આંતરરાષ્ટ્રીય બેડમિંટનમાં ઝડપથી ઉભરી રહેલા વિટિડસર્નનો જન્મ થાઈલેન્ડના પૂર્વિય વિસ્તારમાં આવેલા ચોન્બુરી ખાતે એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેના પિતા નેટ્ટાવાટ વિટિડસર્ન સ્થાનિક એકેડમીમાં બેેડમિંટન કોચ તરીકેની જવાબદારી સંભાળતા. માતા ન્યુટકૅનોટ પણ નાનું-મોટું કામ કરીને તેના પિતાને મદદ કરતી. નાનકડો કુલાવિટ વિટિડસર્ન સ્વાભાવિક રીતે બેડમિંટનની રમત તરફ આકર્ષાયો હતો. જોકે તેણે ક્યારેય ખેલાડી બનવાનું સ્વપ્ન સેવ્યું નહતુુ. 

નાનકડો વિટિડસર્ન કોઈને કોઈ કારણોસર બીમાર પડી જતો. તેને કશા ને કશાકની એલર્જી રહેતી અને આ કારણે તેની સાથે સાથે માતા-પિતા પણ ખુબ જ પરેશાન રહેતા. આખરે તેમણે તેને મજબુત બનાવવાનું નક્કી કર્યું અને તેના માટે સ્પોર્ટ્સ સિવાયનો કોઈ વિકલ્પ નહતો એટલે તેની બેડમિંટન ખેલાડી તરીકેની સફર શરુ થઈ. નિયમિત કસરત અને આરોગ્યપ્રદ ભોજનને કારણે તેના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થવા માંડયો અને દવા પાછળનો ખર્ચો ઘટવા માંડયો. પિતાની સાથે સાથે અન્ય નિષ્ણાત કોચીસના માર્ગદર્શનમાં તેની કારકિર્દીમાં નવો ચમકારો દેખાવા માંડયો. 

વિટિડસર્ન માત્ર ૧૨ વર્ષનો હતો, ત્યારે થાઈલેન્ડની જ રાટ્ચાનોક ઈન્થાનોને વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ગર્લ્સ સિંગલ્સ ટાઈટલ જીતી લીધું. તેની આ સફળતાની થાઈલેન્ડમાં જોશભેર ઉજવણી થઈ અને તેમાંથી પ્રેરણા લઈને વિટિડસર્ન બેડમિંટન ખેલાડી તરીકેની કારકિર્દી ઘડવાનું નક્કી કર્યું. થાઈલેન્ડના બાંગથોંગયોર્ડમાં આવેલી બેડમિંટન માટેની વિશેષ સ્કૂલમાં વિટિડસર્ને પ્રવેશ મેળવી લીધો, જ્યાં તેની કારકિર્ર્દીને અલગ જ નિખાર મળ્યો અને તેણે આગળ જતાં વર્લ્ડ જુનિયર બેડમિંટન ચેમ્પિયનશિપમાં બોઈઝ સિંગલ્સ ટાઈટલ જીતવાની ત્રેવડી અને અનન્ય સિદ્ધિ હાંસલ કરી. યોગાનુયોગ વર્લ્ડ જુનિયર બેડમિંટન ચેમ્પિયનશિપના ઈતિહાસમાં કોઈ ખેલાડીએ ત્રણ વખત સિંગલ્સ ટાઈટલ મેળવ્યું હોય તેવી બીજી અને એકમાત્ર ખેલાડી થાઈલેન્ડની જ મહિલા ઈન્થાનોન જ છે. 

જુનિયર બેડમિંટનમાં ૨૦૧૯ સુધીમાં નોંધપાત્ર સફળતા મેળવનારા કુલાવુટ વિટિડસર્નના કટ્ટર હરિફ તરીકે ભારતનો લક્ષ્ય સેન ઉભરી આવ્યો હતો અને જુનિયર સર્કિટમાં તેમની વચ્ચેના મુકાબલા ભારે આકર્ષણ જમાવતા. આખરે ૨૦૨૦માં તેણે માત્ર ૧૮ વર્ષની વયે તે સમયના ચીનના ધુરંધર ખેલાડી લીન ડાન સામે જોરદાર સંઘર્ષ ખેલ્યો હતો અને ત્રણ ગેમના મેરેથોન મુકાબલા બાદ તેને હારનો સામનો કરવો પડયો હતો. જોકે તે મેચથી તેને બેડમિંટન જગતમાં આગવી ઓળખ મળી. થાઈલેન્ડના યુવા ખેલાડીએ આંતરરાષ્ટ્રીય બેડમિંટનમાં હજુ પાંખો પસારી જ હતી, ત્યાં કોરોનાએ દુનિયાભર પર ભરડો લીધો અને ઘણી બધી ટુર્નમેન્ટ્સ પડતી મૂકવી પડી. મુશ્કેલીની સ્થિતિમાં પણ વિટિડસર્ને તેની રમતમાં સુધારો કરવાનો પ્રયાસ જારી રાખ્યો અને ૨૦૨૨માં વર્લ્ડ બેડમિંટન ટુર અંતર્ગતનું સૌપ્રથમ ટાઈટલ તેણે 

જર્મનીમાં જીત્યું. આ પછી તો તેની સફળતાનો સિલસિલો તેણે સતત બે વખત વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલ સુધી લઈ ગયો, જેમાં પ્રથમ પ્રયાસની નિષ્ફળતામાંથી પાઠ શીખ્યા બાદ તેણે ૨૦૨૩માં વિશ્વવિજેતા બનવાનુ સ્વપ્ન પુરુ કર્યું અને ૨૦૨૪માં ઓલિમ્પિક ચંદ્રક પણ જીત્યો.

આંતરરાષ્ટ્રીય સ્તરના હાલના ધુરંધરો ચેન લોંગ, વિક્ટર એક્સલસન તેમજ મોમોટા કેન્ટોના પગલે આગળ વધી રહેલા વિટિડસર્નનું આગામી લક્ષ્ય વર્લ્ડ નંબર વનનો ખિતાબ હાંસલ કરવાની સાથે સાથે વિશ્વવિજેતાનો તાજ જાળવી રાખવાનું પણ છે અને આ માટે તે કટિબદ્ધ જોવા મળી રહ્યો છે.

- રામકૃષ્ણ પંડિત