Ravi Purti : બસ, હવે, બહુ થયું, જિંદગીમાં ડબલ રોલ આબાદ ભજવ્યો!

- જાણ્યું છતાં અજાણ્યું
- અતૃપ્તિની ઓળખ એ સાધનાનું પહેલું પગથિયું છે. કઈ રીતે અતૃપ્તિ જાગી, તેનાં સંજોગો, કારણો અને હેતુઓનો વિચાર કરો
ઈશ્વર, પરમાત્મા, પ્રભુ કે પછી પરમનો સ્પર્શ પામવાની ખેવના તો ઉત્કટપણે રાખીએ છીએ, પરંતુ એને માટેની સર્વપ્રથમ શરતરૂપ પ્રકાશમાં જીવવાની ઈચ્છા સેવીએ છીએ ખરા? આપણા જીવનના પ્રયત્નો સાચેસાચા એ પ્રકાશ માટે છે ખરા? કે પછી કાળા ડિબાંગ ઘોર અંધકારમાં મોજથી મહાલીએ છીએ? એ જ સમજ્યા વિનાના ક્રિયાકાંડોમાં, બાહ્ય આંડબરોમાં, ધર્મના શાબ્દિક જયનાદમાં ડૂબેલા રહીએ છીએ અને પ્રકાશની પ્રાપ્તિની જોરશોરથી બુલંદ અવાજે ઘોષણા કરીએ છીએ. આપણા રોજબરોજના જીવન અને આપણા મનની અતૃપ્ત, અપાર ઈચ્છાઓ વચ્ચે કોઈ અનુસંધાન છે ખરું ?
મનમાં અનેક ઈચ્છાઓ, ઉત્કંઠાઓ અને જિજ્ઞાાસાઓ હોય છે, વ્યક્તિ મનમાં ઈચ્છા કરતી હોય કે એને પરમાત્માની અનુભૂતિ થાય, પરંતુ એની આવી અનુભીતિ માટેની ભાવના એક બાજુએ રહે છે અને એનું જીવન સાવ વિપરીત ગતિએ, અવળી ગંગાની જેમ વહે છે. એના જીવનમાં એ પરમાત્માની પ્રાપ્તિની વાતો કરશે, પરંતુ એ માત્ર એનો દેખાવ છે. એ પોતાની જાતને પ્રભુભક્ત પૂરવાર કરવા માટે મોટા અવાજે પ્રભુભક્તિનું ગાન કરશે, પરંતુ એ ગાન સાથે એના હ્ય્દયમાં એ ભાવોનું સંધાન હોતું નથી. એના જીવનમાં એ ભાવનાઓનું કોઈ ગુંજન હોતું નથી. એ પૂજા કરવા જશે અને ભારે ચીવટ અને ઝીણવટથી પૂજા કરશે, પરંતુ પૂજાની એ ક્રિયા અને પોતાના અંતરની પવિત્રતા વચ્ચે કોઈ સંબંધ હોતો નથી. પૂજાની સાથે એના પવિત્ર ભાવોનો તાલ મેળવતો નથી.
કેટલાક માણસો એવા છે કે જે એમનું જીવન અંધકારમાં ગાળે છે અને એવું જીવન જીવતા હોવાનું ખુલ્લા દિલે સ્વીકારે છે. પોતે વ્યસની હોય, તો પોતાના વ્યસનની નિખાલસ કબૂલાત કરે છે. મનમાં જે કોઈ સારા-ખોટા વિચારો આવે, એને સહજ રીતે અભિવ્યક્ત કરે છે. આવી વ્યક્તિઓએ જીવનની નરસી બાજુને સ્વીકારી લીધી છે અને એ જ એમના વિચાર, વાણી અને વર્તનમાં સમાન રૂપે પ્રગટ થતી હોય છે.
જ્યારે બેવડું જીવન જીવનારી વ્યક્તિ પરમાત્માની વાત કરે છે અને જીવનના ક્ષુદ્ર, સ્થૂળ અને વિકારમય ભાવોમાંથી બહાર નીકળતી નથી. એના મુખમાંથી આધ્યાત્મિકતાની ગહન વાણી વહેતી હોય, પણ એના વ્યવહારમાં પારાવાર ભૌતિકતા હોય. એ ભક્તિ કરે છે, પણ જીવનના રાગદ્વેષમાં રાચવાનું ગમે છે. ધર્મકથાઓ સાંભળનારી વ્યક્તિઓ માત્ર કાનથી એ મધુર કથાઓ સાંભળે છે, પણ એમના વ્યવહારજીવનમાં તો એ સ્વાર્થી, ઝઘડાળુ કે રાગદ્વેષયુક્ત હોય છે. એ ધર્મકથાની વાતો દોહરાવે છે, પણ એની પાછળનો હેતુ એને જીવનમાં ઉતારવાને બદલે માત્ર પોતાની ધાર્મિકતાનો દેખાડો કરવાનો હોય છે.
આવી વ્યક્તિઓ એમના રોજિંદા જીવનમાં કલહ, કંકાસ અને કષાયથી જીવતી હોય છે. એમના જીવનના પારાવાર કોલાહલમાં એમને ક્યારેય પરમનો સ્પર્શ કે ઈશ્વરીય અનુભૂતિનો અંશ સાંપડયો નથી. એમને જીવવું કોલાહલમાં છે અને વાત કરવી છે શાંતિની. એમને પરિગ્રહની અતિ પ્રબળ ઈચ્છા હોય છે, પણ એમને વાત કરવી છે પરમ ત્યાગની.
હકીકતમાં આવી વ્યક્તિઓ પોતે જ પોતાની જાતને છેતરતી હોય છે. એ જાણતી હોતી નથી તે રીતે ઘણી વાર આત્મવંચનાનો ભોગ બને છે. ધીરે ધીરે માણસ પોતાના આ 'ડબલ રોલ'માં એવો ગોઠવાઈ જાય છે કે એની જિંદગી આખી આવા અભિનયમાં પસાર થઈ જાય છે. એ ડબલ રોલ ભજવવામાંથી બહાર નીકળી શકતો નથી.
આ બધાંનું કારણ શું? કારણ એટલું જ કે આપણને આ સ્થૂળ જીવન તરફ અત્યંત અનુરાગ અને તીવ્ર આશક્તિ છે અને એની પાછળ કશીક પ્રાપ્તિનો ભાવ સતત રહેલો હોય છે. આ પ્રાપ્તિ એટલે 'વહુને કડવાં વેણ કહીને મારું વેર લઈ લઉં' એવો દ્વેષ પણ હોય છે. કલહ કરીને મારો સ્વાર્થ સિદ્ધ કરું એવો ભાવ પણ હોય. ભક્તિની વાત કરીને સામાજિક પ્રતિષ્ઠા મેળવવાની લાલસા હોય અને ધાર્મિકતાનો અંચળો ઓઢીને બીજી વ્યક્તિઓથી પોતાની જાતને ઊંચી ઠેરવવાનો અહંકાર પણ હોય. વાણીથી પરમાત્માની વાત થતી હોય, વર્તનથી ધાર્મિક ક્રિયાકાંડ ચાલતા હોય, પરંતુ આ બધાની પાછળનો હેતુ તો પોતાની સ્થૂળ ઝંખના, અતૃપ્ત વાસના, છૂપો કષાય અને વણભોગી લાલસા સંતોષવાનો હોય છે. આવી વ્યક્તિને આવું બેવડું જીવન ગમે છે, ભલે તે વંચનામય હોય, અંધકારપૂર્ણ હોય કે પરમાત્માથી દૂર લઈ જનારું હોય.
એને તો સંસારની કોઈ બાબત છોડવી નથી. માત્ર છોડવાનો દેખાવ કરીને બધું હાંસલ કરવું છે. ત્યાગની વાત કરીને ભોગવૃદ્ધિ કરવી છે. આથી જ ઘણા ત્યાગીઓમાં સમૃદ્ધિ, સ્વપ્રશંસા કે સ્વમહિમાની ઘેલછા જોવા મળે છે. એમણે સંસારત્યાગ કર્યો છે ખરો, પરંતુ સાંસરિક ભાવોનો ત્યાગ કર્યો નથી. એમનામાં આ ભાવો ત્યજવા માટેની સચ્ચાઈ નથી. એમનું ચિત્ત તો સ્થૂળની પ્રાપ્તિમાં જ ઠરેલું હોય છે. એમાં જ એમના હ્ય્દયને આનંદ આવે છે અને એમાં જ પરમ સુખ દેખાય છે. સમય જતાં આવી વ્યક્તિ સાચા પ્રકાશથી ભયભીત બની જશે અને પ્રકાશનો શાબ્દિક મહિમાગાન ગાઈને સ્થૂળતામાં જીવવાનું ચાલુ રાખશે.
સાચા સાધકની નિર્ભયતા એનામાં હોતી નથી. એને તો ભય હોય છે કે મારી ધાર્મિકતાનો અંચળો હું ફગાવી દઈશ, તો કેવો લાગીશ? મારા દંભનું આવરણ કે મારા બાહ્ય ક્રિયાકાંડો અળગા કરી દઈશ, તો લોકો મને સ્વીકારશે ખરા? આથી એ આધ્યાત્મિકતાની વાત કરશે, પરંતુ આધ્યાત્મિક સાધનાથી ડરતો રહેશે. એ પરમના સ્પર્શની કે પરમાત્માની પ્રાપ્તિની ઝંખના રાખશે, પરંતુ એ માટેનો ત્યાગ કરવાની એના હૈયામાં હામ નહીં હોય. પરિણામે એ સ્થૂળતામાં જીવવાનું પસંદ કરશે, પોતે ઓઢેલા અંધકારને સ્વીકારી લેશે.
ઈશ્વર, પરમાત્મા કે પેલા પરમનો સાચો સ્પર્શ પામવા માટે તો વ્યક્તિએ બહાર દોડધામ કરવાને બદલે પોતાની ભીતર દ્રષ્ટિપાત કરવાની જરૂર છે. બાહ્ય જગતની ઘટનાઓને બદલે પોતાના આંતરવિશ્વની ઓળખ કરવી જરૂરી છે. આપણે સાધના માટે કે શાંતિ માટે સીધેસીધી બહાર દોડ લગાવીએ છીએ. કોઈ મંદિરમાં દોડી જશે, તો કોઈ આશ્રમ કે યોગીના શરણે જશે, પરંતુ સાધનાની યાત્રાનો પ્રારંભ બહારથી ભીતરમાં જવાથી થતો નથી. ભીતરમાંથી બહાર જવાથી થાય છે. આત્માનો વિકાસ એમાં અભિપ્રેત છે.
સાધના કરતાં પૂર્વે એ ચકાસવું જોઈએ કે મારા મનમાં કઈ વૃત્તિઓ હજી અતૃપ્ત અવસ્થામાં પડેલી છે? કોઈ સાથે વેર વાળવાનું બાકી છે, કોઈની સાથે ઝઘડાની ગાંઠ બંધાઈ ગયેલી છે? જીવનમાં સતત કઈ ઈચ્છાઓ વારંવાર ભીતરમાંથી ઊછળીને બહાર આવે છે? જીવનનું કોઈ લક્ષ્ય છે ખરું અને જો લક્ષ્ય હોય તો તેની પ્રાપ્તિ માટે કેટલું સાહસ છે? એને માટે સચ્ચાઈ અપનાવવાની, સાચું જોવાની અને કહેવાની શક્તિ છે ખરી ? પોતાની બૂરાઈઓ તરફ નજર કરીને એને ઓળખવાની ક્ષમતા છે ખરી? આથી સાધનાનું પહેલું કામ એ છે કે તમારા ભીતરમાં સર્પની ચકળવકળ આંખોની માફક ઘૂમતી અને ચકરાવા લેતી અતિ ચંચળ અતૃપ્તિને જુઓ.
અતૃપ્તિની ઓળખ એ સાધનાનું પહેલું પગથિયું છે. કઈ રીતે અતૃપ્તિ જાગી, તેનાં સંજોગો, કારણો અને હેતુઓનો વિચાર કરો. એ અતૃપ્તિએ જીવનમાં સર્જેલી અંધાધૂંધીને જુઓ અને પછી એ અતૃપ્તિને છાવરવાને બદલે એને સ્વીકારવાની તૈયારી કરો. જે આપણા ચિત્તમાં વર્ષોથી વસે છે એનો સ્વીકાર કરવાને બદલે ઈન્કાર કરવો તે એક પ્રકારનું દમન યા પીડન છે અને જો આવું દમન કરવામાં આવે તો એ વૃત્તિ, વાસના કે લાલસા જીવનમાં ક્યારે, કઈ પરિસ્થિતિમાં અણધાર્યો ઉછાળો મારશે એ કહી શકાતું નથી.
પોતાના મનને સમજીને યોગ્ય દિશામાં વાળવાને બદલે ઘણી વ્યક્તિઓ મનને મારી નાખે છે. અર્થાત્ એ પોતાની ઈચ્છાઓનું એક પ્રકારે દમન કરતી હોય છે, પરંતુ બને છે એવું કે કોઈ પરિસ્થિતિ ઊભી થતા એ ઈચ્છાઓ સ્પ્રિંગની માફક બમણાં વેગે ઊછળે છે અને વ્યક્તિના જીવનને ઘેરી વળે છે. આથી આપણા ચિત્તમાં પડેલી અતૃપ્ત વૃત્તિ, વણછીપી ઈચ્છા એને પહેલા તપાસવાની જરૂર હોય છે અને સાધકે સૌથી પહેલું કામ આ કરવાનું હોય છે. આને માટેની આધ્યાત્મિક પદ્ધતિ વિશે હવે પછી જોઈશું.

