Ravi purti : અંતરિક્ષમાં ઈડલી-સંભાર

- પારિજાતનો પરિસંવાદ
- વિમાનમાં પ્રવાસ કરતા ભારતીયને પોતાની ભોજનશૈલીને અનુરૂપ એવા ખોરાકમાં મજા આવે છે, તો કેટલાય દિવસો સુધી અંતરિક્ષમાં રહેતા ભારતીયયાત્રીને દેશી વાનગી વગર કઈ રીતે ચાલે ?
પૃથ્વી પર વસતી માનવજાતિને આકાશ સદા આકર્ષતું રહ્યું છે. આપણી કેટલીય રમણીય કલ્પનાઓ આ આકાશ પર આધારિત છે. વર્ષાઋતુમાં એ મેઘધનુષ જુએ અને પૃથ્વીમાં વસતા માનવીને એ રંગબેરંગી મેઘધનુષનાં રંગો પોતાની આંખોમાં ભરી લેવાનું મન થાય. ખેડૂતની આંખો તો બારેમાસ આકાશભણી મંડાયેલી રહે છે. એથીયે વિશેષ આ ધરતી પરનાં ધર્મો આકાશમાં એક આખીય સૃષ્ટિ જોતા હોય છે. કેટલા બધા દેવો આકાશમાં વસે છે અથવા એમ કહીએ કે આ આકાશ એ જ એમનું નિવાસસ્થાન છે. જ્યાં એમનું રાજ પ્રવર્તે છે અને આ દેવો પ્રત્યે માનવી આગવી ભાવના, શ્રદ્ધા કે ભયથી જુએ છે.
આપણી સ્વર્ગની સઘળી કલ્પનાઓ એ આકાશ પર આધારિત છે. કુંતીને પુત્રજન્મનું મળેલું વરદાન દેવો જ પૂર્ણ કરે છે ને ! આ લોકમાં રહીને પરલોકનો વિચાર કરીએ છીએ. જો આપણે આકાશની બાદબાકી કરીને માત્ર પૃથ્વીની જ વાત કરીએ, તો સઘળા ધર્મોનાં પોણા ભાગના દેવોને આપણે રુખસદ આપવી પડે. આ આકાશે સર્જકોની કલ્પનાને ઉત્તેજી છે, તો જગતને રસપ્રદ, સાહસિક અને રોમાંચક અંતરિક્ષયાત્રાનો આનંદ પણ આપ્યો છે. આમેય માનવીને અણદીઠી ભોમ ખેડવાના ઘણા અભરખા હોય છે અને વિજ્ઞાાનનું કાર્ય તો એ અણદીઠને આપણી સમક્ષ પ્રત્યક્ષ કરવાનું છે.
પૃથ્વી પર વસતા માનવીએ અંતરિક્ષનું ખેડાણ કરવાનું નક્કી કર્યું. આની પાછળ એ અણદીઠ ભૂમિનો ભેદ ઉકેલવાની એની તીવ્ર ઇચ્છા હતી, નૂતન જ્ઞાાનપ્રાપ્તિની ખેવના હતી, તો વળી કોઈ આ પૃથ્વીના કલહ-કંકાસોથી કંટાળીને કે પછી વિગ્રહ અને યુદ્ધોથી પરેશાન થઈને કોઈ 'નવી ભોમકા' શોધવા ઇચ્છતો હતો. આ પૃથ્વી પરનાં જીવન કરતાં વધુ સમૃદ્ધ જીવન મળે, શાંતિમય જીવન મળે અને સુખમય સાધનો મળે એ આશય સાથે અંતરિક્ષ ખેડવા નીકળ્યો છે. પહેલાં જે આંખ આકાશને જોઈને વિચારમાં પડતી હતી, એને હવે વિમાન મળતાં વાદળો વચ્ચે સહેલગાહ કરવાની તક મળી. આ વિમાનો તો માત્ર પૃથ્વીનાં વાતાવરણમાં જ પ્રવાસ ખેડતાં હતાં. આથી અંતરિક્ષ ખેડાણ માટે વળી અલાયદી ટેક્નોલોજીની જરૂર ઊભી થઈ.
પૃથ્વી પર પરસ્પર સ્પર્ધા કરતા સમૃદ્ધ દેશોને માટે અંતરિક્ષ યાત્રા દ્વારા સ્પર્ધા માટેનું એક નવું મોકળું મેદાન મળ્યું. પૃથ્વી પરની તીવ્ર સ્પર્ધા હવે અંતરિક્ષમાં પણ ખેલાવા લાગી. વિશેષ તો રશિયા અને અમેરિકા વચ્ચે અગ્રેસર બનવાની હોડ જાગી. આ અંતરિક્ષની ઓળખ આપતું એના ઊંડા અભ્યાસી અને ઈસરોમાં દાયકાઓ સુધી કાર્ય કરનાર શ્રી ચિંતનભાઈ ભટ્ટે 'પૃથ્વીથી અંતરિક્ષ ભણી' નામનું પુસ્તક પ્રગટ કર્યું અને એમાં એમણે અંતરિક્ષની કેટલીય રસપ્રદ વિગતો આપી છે. વિચાર કરીએ કે સુનિતા વિલિયમ્સ આટલો લાંબો સમય આકાશમાં રહી તો એ શું ભોજન લેતી હશે? એને કેટલી કેલેરીની જરૂર હશે? જે વાનગીમાં સ્વાદ પૃથ્વી પર આવે છે, એવો જ સ્વાદ અંતરિક્ષમાં આવતો હશે ખરો ?
એ હકીકત છે કે અંતરિક્ષમથકમાં કામ કરતી વખતે એના યાત્રીને લગભગ બે હજાર કિલો કેલરી-ઊર્જાની જરૂર પડે છે. વળી જો અંતરિક્ષયાનની બહાર જઈને કામ કરવાનું હોય તો વધારાની પાંચસો કિલો-કેલરી ઊર્જા જોઈએ. એ અંતરિક્ષયાત્રી કસરત કરે, ત્યારે પણ સ્વભાવિક રીતે એને વિશેષ ઊર્જાની જરૂર પડે. અંતરિક્ષયાત્રીને અંતરિક્ષમાં મોકલવામાં આવે છે, તે પૂર્વે એના ખોરાક દ્વારા યોગ્ય માત્રામાં ઊર્જાની ઉપલબ્ધતા નિશ્ચિત કરવામાં આવે છે. એનો અર્થ એ કે એના વજન પ્રમાણે કેટલી ઊર્જાની જરૂર પડશે તે નક્કી થાય છે.
વળી, પુરુષનું સરેરાશ વજન સ્ત્રી કરતાં વધારે હોય છે. તે વાત અંતરિક્ષયાત્રીઓ માટે પણ એટલી જ સાચી ઠરે છે. આનો અર્થ એ થયો કે અંતરિક્ષમાં ૭૦ કિલોગ્રામ વજનનો પુરૂષ અને ૬૦ કિલોગ્રામ વજન ધરાવતી સ્ત્રી અંતરિક્ષમાં એક જ પ્રકારનું કામ કરે છે, ત્યારે સ્ત્રીઓ કરતાં પુરૂષો લગભગ ૨૫ ટકા વધુ ઊર્જા વાપરે છે. વળી અંતરિક્ષમાં ક્યા પ્રકારનું વાહન છે, એને આધારે પણ આનું પ્રમાણ ઓછું વત્તું થઈ શકે. જેમકે સ્કાયલેબ અને એપોલોના અંતરિક્ષયાત્રીઓની કેલરીની જરૂરિયાત સ્પેસ શટલનાં યાત્રીઓ કરતા દસ ટકા વધારે હતું. હવે આ ઊર્જાની ગણતરી પ્રમાણે આહાર નિર્ધારિત થતો હોય છે. સામાન્ય રીતે અંતરિક્ષયાત્રીને વજન ઘટવાની સમસ્યાનો સામનો કરવો પડે છે અને તેથી એમના આહાર માટે વિશેષ ધ્યાન રાખવું પડે છે.
અંતરિક્ષમાં રાંધી શકાય ખરું? ધારો કે કોઈ અંતરિક્ષયાત્રીને રાંધેલો ખોરાક ખાવાની ઇચ્છા થાય, તો તેમાં નાનકડા રસોડાની પણ સગવડ હોય છે. હા, એટલું ખરું કે અહીં નીચા દબાણને કારણે નીચા તાપમાને પાણી ઉકળવા લાગે છે અને તેથી ઇચ્છિત તાપમાન સુધી ન પહોંચી શકતા ખોરાક સરળતાથી રાંધી શકાતો નથી. આમ છતાં અંતરિક્ષયાત્રીઓ વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરે છે. એમની સાથે બે વર્ષ સુધી વાપરી શકાય તેવા એલ્યુમિનિયમનાં ડબામાં પેક કરેલાં ખાદ્ય પદાર્થો પણ હોય છે. પૃથ્વી પરનાં ખાદ્ય પદાર્થોની માફક અંતરિક્ષ પરનાં ખાદ્ય પદાર્થો પર અંતરિક્ષયાત્રીને પરિચિત હોય તેવી ભાષામાં એ ખોરાકની સંપૂર્ણ વિગત દર્શાવવામાં આવે છે. હવે ધારો કે કોઈ ખોરાક બગડી ગયો હોય કે પછી એનો પૂરેપૂરો ઉપયોગ થયો ન હોય તો શું કરવું? ક્યાં ફેંકી દેવો? હકીકતમાં અંતરિક્ષયાનમાં જ આની કચરાપેટી રાખેલી હોય છે.
અંતરિક્ષમાં એક વિચિત્ર સમસ્યાનો સામનો કરવો પડે છે. પૃથ્વી પર તો રોજ આટલું પાણી પીવું જોઈએ એવી સૂચના આપણને મળે છે અને ઓછું પાણી પીવાને કારણે કેવી શારીરિક તકલીફો થાય છે, તે પણ આપણે જાણીએ છીએ. પણ અંતરિક્ષમાં જીભ સુકાઈ જતી નથી, તેથી તરસની લાગણીનો કોઈ સંકેત મળતો નથી. જ્યારે અઢી હજાર કિલો કેલરી ખર્ચ કરતા અંતરિક્ષયાત્રીને માટે દોઢથી અઢી લીટર પાણી પીવું જરૂરી છે.
કથાઓમાં આપણે જાણીએ છીએ કે નારદ એ ત્રણેય લોકમાં ઘૂમી શકતા હતા. આજે આપણે અંતરિક્ષમાં ઘુમવાનો વિચાર કરીએ છીએ, ત્યારે પૃથ્વીના ગુરૂત્વાકર્ષણની સામે અંતરિક્ષમથક પરની ગુરુત્વાકર્ષણ વિનાની પરિસ્થિતિનો વિચાર કરવો પડે. આનો અર્થ એટલો કે આપણે પૃથ્વી પર પ્યાલાથી કે બોટલથી પાણી પીએ છીએ, તે રીતે અંતરિક્ષમાં પીવું શક્ય નથી. આપણે પૃથ્વી પર પ્યાલાથી પ્રવાહી પીએ છીએ, ત્યારે મોઢા પાસે લાવીને એને જરૂર મુજબ નમાવીએ છીએ જેથી પ્રવાહી હોઠ સુધી પહોંચે. આ પ્રક્રિયામાં પૃથ્વીના ગુરૂત્વાકર્ષણની અગત્યની ભૂમિકા છે, પરંતુ અંતરિક્ષમાં તો આવી રીતે પ્યાલાથી પાણી પી ન શકાય. એટલે એનો ઉપાય એવો કરવામાં આવ્યો છે કે સ્ટ્રોથી ચૂસીને પાણી પીવું. પૃથ્વી પર પાણી પીતી વખતે જેવી અનુભૂતિ થાય તેવી અનુભૂતિ માટે શૂન્ય ગુરૂત્વાકર્ષણમાં ઉપયોગમાં લઈ શકાય એવો પ્યાલો પણ વિકસાવ્યો છે.
હવે વાત કરીએ, અંતરિક્ષની વાનગીઓની. વાનગીઓનું નિર્જલીકરણ (જલવિહોણું) કરવામાં આવતું હોવાથી એનો આઇસક્રીમ સુગંધિત મીઠા દૂધના પાવડર જેવો લાગે છે. અંતરિક્ષમાં લાંબો સમય રહેવાનું હોવાથી અંતરિક્ષયાત્રીઓ માટે અમેરિકા અને રશિયાએ પોતાની સંસ્કૃતિ અને રીતરિવાજ મુજબ અંતરિક્ષ વાનગી બનાવી રહ્યું છે. ભારત પણ આમાં પાછું પડે તેમ નથી. એણે પણ અંતરિક્ષયાત્રીઓને ભારતીય વાનગીઓની ખોટ ન સાલે તેનો વિચાર કર્યો છે. વિમાનમાં પ્રવાસ કરતા ભારતીયને પોતાની ભોજનશૈલીને અનુરૂપ એવા ખોરાકમાં મજા આવે છે, તો કેટલાય દિવસો સુધી અંતરિક્ષમાં રહેતા ભારતીયયાત્રીને દેશી વાનગી વગર કઈ રીતે ચાલે? આને માટે મૈસૂરની The defence food research leboratory ભારતીય અવકાશયાત્રીઓ માટે કઈ વાનગીઓ એમને મજાની લાગે તે અંગે કાર્ય કરે છે.
ઈસરોની યોજના પ્રમાણે ચારેક અંતરિક્ષયાત્રીઓ એક અઠવાડિયા માટે અંતરિક્ષમાં રહેશે. એ સમયે એમને માટે ઈડલી-સંભાર, ઉપમા, મગની દાળનો શીરો, વેજીટેબલ પુલાવ જેવી ત્રીસેક વાનગીઓ તૈયાર થઈ ગઈ છે અને સાથોસાથ ખોરાકને ગરમ રાખવા માટેનાં સાધન તેમજ જરૂરી સ્ટેન્લેસ સ્ટીલનો કટલરી સેટ પણ તેઓની પાસે હશે. વળી, સૂક્ષ્મ ગુરૂત્વાકર્ષણમાં પાણી અને ફળોના રસ જેવા પ્રવાહી પીવા માટે એક વિશિષ્ટ વાસણ પણ તૈયાર કર્યું છે.
આમ પૃથ્વી પર વસતા માણસને અંતરિક્ષમાં જાણે નવી દુનિયા વસાવવી પડતી હશે એવું લાગે છે ને !
મનઝરૂખો
મૂશળધાર વરસતા વરસાદની જેમ આપણા જીવન પર સતત સલાહ-વર્ષા થતી હોય છે. કેટલીક વ્યક્તિઓ સલાહ આપવા માટે અત્યંત આતુર હોય છે. લગ્નપ્રસંગ હોય કે મૃત્યુપ્રસંગ હોય, પણ બધા જ પ્રસંગે એ સલાહની 'ટેબ્લેટ' આપ્યા વિના રહી શકતા નથી. વણમાગી સલાહ આપનારાઓનો ક્યાં તોટો હોય છે ! ખુલ્લા મેદાન જેવા સોશિયલ મીડિયા પર તો સલાહ આપવાની સિક્સર લગાવનારાઓની લાઈન લાગી છે અને કેટલીક વ્યક્તિ તો સલાહ આપવાની વૃત્તિથી એટલી બધી પીડાતી હોય છે કે એ તમને સલાહ આપ્યા વિના રહી શકે નહીં. એ સર્વજ્ઞાની અદાથી દરેક વિષય પર પોતાની સોનેરી સલાહ ઝીંકતા હોય છે. 'તમે મને પૂછ્યું નથી, છતાં મારે આ બાબતમાં તમને સલાહ આપવાની હોય, તો તમારે આ રીતે વર્તવું જોઈએ' એવું કહેનારાયે તમને છાશવારે ભેટી જતા હોય છે.
ખેર! સલાહ એની લેવી જેણે એ ક્ષેત્રમાં સૂઝ અને ખંતથી સફળતા મેળવી હોય. કોઈ નવા કાર્યના પ્રારંભે જો બધાની પાસે સલાહ લેવા જશો તો બનશે એવું કે તમારી પાસે સલાહનો ઢગલો થઈ જશે અને એ સઘળી સલાહો સાંભળીને તમે એ કાર્ય કરવાનું માંડી વાળશો. જેમ કોઈ વ્યક્તિ બીમાર થાય ત્યારે એના પર સલાહનો મારો ચલાવવામાં આવે છે અને જો એ બધી સલાહ સ્વીકારે તો સાજા થવાને બદલે પથારીમાં જ જગતની વિદાય લઈ લે. બીજાની સલાહ લઈને જે વેપાર કરવા નીકળે છે, તે દેવાળું ફૂંકતો હોય છે.
સલાહ લેવામાં સમજદારી અને ખબરદારી રાખવી જોઈએ. કોની વાત કાને સાંભળવાની અને મનથી સમજવાની જરૂર છે, તે અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ. વળી, એ પણ જોવું જોઈએ કે જે વ્યક્તિ સલાહ આપવા ઉત્સાહિત છે એણે એ સલાહનું પોતાના જીવનમાં પાલન કર્યું છે ખરું? સલાહ સ્વીકારતા પૂર્વેની આ સૌથી મોટી કસોટી છે કે આપણને જે સલાહ આપે છે, તે એના જીવનમાં સાકર થાય છે ખરી? મહાપુરૂષો એ જ ઉપદેશ આપતા જેનું એમના આચારમાં પ્રતિબિંબ જોઈ શકાય. આવી સલાહ જ માર્ગદર્શક બની શકે.
- ડૉ. કુમારપાળ દેસાઈ

