Dharmlok: અધ્યાત્મ એટલે જીવનાભિમુખ, જીવનનિષ્ઠ અને સત્યનિષ્ઠ જીવન

- તત્વચિંતક વી. પટેલ
આજનો માણસ પોતાના આત્મિક સત્યમાં સ્થિત થઈને વ્યવહાર કે આચરણ કરતો નથી, તેથી જ તે દુઃખી અને ચિંતાગ્રસ્ત છે. મનુષ્ય છેવટે તો સત્વગુણવાળું આત્મિક સત્ય, પરમ ચેતનાની જાગૃતિ અને આત્માનું સમત્વ ઈચ્છે છે. બધે જ એક જ આત્મા વિલસે છે અને એક જ પરમાત્મા રહેલા છે - તે ભાવમાં તન્મય થઈ, સત્વ-સંશુદ્ધ જીવન જીવીને મનુષ્ય સંસારના જીવનચક્રમાંથી મુક્ત થવા માંગે છે.
આ માટે માણસે પોતાના જીવનમાં જીવનાભિમુખ, જીવનનિષ્ઠ અને સત્યનિષ્ઠ બનવું પડશે. પોતાના આત્મિક સત્ય સ્વરૂપ બનીને અહંકાર રહિત વ્યવહાર કરવો જરૂરી છે. આત્માનું સમત્વ એટલે કે બધે જ એક સરખો આત્મા જોવો. પરમાત્મા એક જ છે, જ્યારે સંસારના ભેદભાવ તો સ્વાર્થ સાધવા માટે ઊભા કરવામાં આવ્યા છે; તેમાં સત્યનો રણકો નથી.
એક જ પરમતત્વ, પરમાત્મા કે આત્મા - એવા આત્મિક સત્ય અને આત્મજ્ઞાન ઉપર રચાયેલા અંતરના ભાવ સાથે પ્રત્યેક વ્યક્તિ, વસ્તુ અને બનાવ પ્રત્યે સમભાવ રાખીને જીવન જીવવું જોઈએ. આ જ માર્ગ મનુષ્યને જીવનમુક્તિ સુધી પહોંચાડે છે.
માનવ જીવનમાં માત્ર બાહ્ય કર્મકાંડ, ક્રિયાઓ કે હવન કરવા એ જ અધ્યાત્મ નથી. જગતના મહામાનવોએ તેમના સમયના લોકોને સચોટ માર્ગદર્શન આપવા હંમેશા પ્રયત્ન કર્યો છે. આ મહાપુરુષોનો ઉપદેશ એટલો શાશ્વત હોય છે કે તેમના ગયા પછી પણ લોકો તે સત્યને આત્મસાત કરી ચાલુ રાખે છે. પરંતુ, સમય જતાં આ ઉપદેશો ઘણીવાર રૂઢિચુસ્ત ધર્મમાં ફેરવાઈ જતા હોય છે.
કોઈપણ મહાન આત્માનો ઉપદેશ કે તેમનું શિક્ષણ સમજવું સહેલું હોતું નથી, અને તેને આચરણમાં મૂકવું તો તેનાથી પણ વધુ મુશ્કેલ હોય છે. પરિણામે, લોકો તે ઉપદેશના મૂળ તત્વને સમજવાને બદલે તેને નિરર્થક ક્રિયાકાંડ અને કર્મકાંડમાં ફેરવી નાખે છે. આ પ્રક્રિયામાં મહામાનવના ઉપદેશના 'અર્ક' (સાર)નો નાશ થાય છે. સામાન્ય માણસ માટે અંતરની શુદ્ધિ દ્વારા સત્યને સમજવું અઘરું હોવાથી તે ક્રિયાકાંડમાં અટવાઈ જાય છે. અંતે, જ્ઞાનનો અર્ક નષ્ટ થાય છે અને માત્ર 'છોતરાં કે ગોટલા' જેવા બાહ્ય આડંબરો જ બાકી રહે છે. જેમ છોતરાં અને ગોટલા ખાવાથી પેટ ભારે થાય પણ પોષણ ન મળે, તેમ બાહ્ય આડંબરોથી પરમ જ્ઞાન ઉપલબ્ધ થતું નથી - અને આજે સમાજમાં આવું જ થઈ રહ્યું છે.

