Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The sand Shivlinga could not be moved even by Hanumanji's tail, you will be shocked to know the amazing history of Rameshwar Linga

Dharmlok: હનુમાનજીની પૂંછડીથી પણ ન હલ્યું રેતીનું શિવલિંગ, રામેશ્વર લિંગનો અદભૂત ઇતિહાસ જાણી ચોંકી જશો

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok: હનુમાનજીની પૂંછડીથી પણ ન હલ્યું રેતીનું શિવલિંગ, રામેશ્વર લિંગનો અદભૂત ઇતિહાસ જાણી ચોંકી જશો
સોર્સ : GSTV

- પ્રભાતના પુષ્પો
- ગુણવંત બરવાળિયા

App Store

સત્પુરુષો કે સદ્ગુરુદેવના હૈયે પોતાના શિષ્યો અને ભક્તોનું હિત સદૈવ હોય છે. તેમની નબળાઈઓ દૂર કરવા કે તેમના ગુણવૈભવમાં જરાય ખોટ ન પડે તે માટે ગુરુઓ હંમેશા જાગ્રત હોય છે. જો ભક્તની પ્રકૃતિમાં લગીરે વિકૃતિનો પ્રવેશ થાય, તો તેને નિવારવા માટે તેઓ તત્પર રહે છે.

ભગવાન શ્રી રામચંદ્રજીએ સમુદ્ર પર સેતુ બાંધતી વખતે વિઘ્નનિવારણ અર્થે પ્રથમ શ્રી ગણેશજીની સ્થાપના કરી. ત્યાર પછી નલ દ્વારા નવ ગ્રહોની નવ પ્રતિમાઓ સ્થાપિત કરાવી. ત્યારબાદ સાગર સંગમ ઉપર પોતાના નામ પર એક શિવલિંગની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો. તેમણે હનુમાનજીને બોલાવીને કહ્યું, "કાશી જઈને ભગવાન શંકર પાસેથી એક શિવલિંગ લઈ આવો." પ્રભુએ મુહૂર્ત પહેલાં પરત આવવા માટે હનુમાનજીને તાકીદ કરી. ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના હનુમાનજી કાશી પહોંચ્યા અને ભગવાન શંકરને લિંગ માટે પ્રાર્થના કરી. ભગવાન શંકરે કહ્યું, "હું પણ દક્ષિણમાં જવાનો વિચાર કરતો હતો, કારણ કે અગસ્ત્ય મુનિ મારા વિરહમાં મારી પ્રતીક્ષા કરી રહ્યા છે." આમ કહી શિવે બે લિંગ આપ્યા – એક શ્રીરામ માટે અને એક અગસ્ત્ય મુનિ માટે.

શ્રી હનુમાનજી લિંગ લઈને પરત ફરતા હતા ત્યારે તેમને મનમાં વિચાર આવ્યો કે, "હું કેટલો ઝડપથી વારાણસી પહોંચી ગયો અને પરત પણ આવી ગયો!" આ વિચારની સાથે જ તેમને પોતાની ઝડપ અને વેગનો ગર્વ થયો અને ચિત્તમાં અહંકાર ઉત્પન્ન થયો. ભગવાન શ્રીરામ તો અંતર્યામી છે. તેમણે જોયું કે પરમ નમ્રતાની મૂર્તિ સમાન હનુમાનજીના વ્યક્તિત્વ પર અહંકારની તિરાડ પડી રહી છે. તેથી તેમણે સુગ્રીવ વગેરેને બોલાવી મુનિઓની સંમતિ લીધી અને કહ્યું, "મુહૂર્ત પૂર્ણ થવાની તૈયારીમાં છે, તેથી હું રેતીના લિંગ (વાળુકામય લિંગ)ની વિધિ-વિધાન સાથે સ્થાપના કરું છું."

દક્ષિણા-દાન માટે પ્રભુએ કૌસ્તુભ મણિનું સ્મરણ કર્યું અને મણિ તત્કાલ ત્યાં પહોંચી ગયો. પૂજા વિધિ પૂર્ણ થઈ અને ઋષિગણ વિદાય થયા. રસ્તામાં હનુમાનજીએ ઋષિઓને જોયા અને પૂછ્યું, "આપ ક્યાં પૂજા કરીને પરત ફરી રહ્યા છો?" ઋષિઓએ ઉત્તર આપ્યો, "શ્રીરામે રેતીના લિંગની સ્થાપના કરી પૂજા-અર્ચના પૂર્ણ કરી છે." આ સાંભળી હનુમાનજીને 'પુણ્યપ્રકોપ' થયો. તેઓ તુરંત શ્રીરામ પાસે પહોંચ્યા અને રોષે ભરાઈને કહ્યું, "લંકામાં આટલો પરિશ્રમ કરી માતા સીતાની શોધ કરવાનું મને આવું પારિતોષિક મળ્યું? મને આટલે દૂર કાશી મોકલ્યો અને પાછળથી આપે રેતીના લિંગની સ્થાપના કરીને મારો ઉપહાસ કર્યો!"

ભગવાન શ્રીરામે શાંતિથી કહ્યું, "પવનનંદન, તમારી વાત સાચી છે. તમે મારા દ્વારા સ્થાપિત આ રેતીના લિંગને ઉખાડી નાખો, પછી હું એ જ સ્થળે તમારા દ્વારા લાવેલા શિવલિંગની સ્થાપના કરીશ." હનુમાનજીએ પોતાની પૂંછડી લિંગની આસપાસ લપેટીને તેને ઉખાડવા માટે જોર અજમાવ્યું. ખૂબ બળ વાપરવા છતાં લિંગ હલ્યું પણ નહીં. ઉલટાનું, અતિશય બળ કરવા જતાં હનુમાનજીની પૂંછડી તૂટી ગઈ અને તેઓ મૂર્છિત થઈને નીચે પટકાયા. આ દ્રશ્ય જોઈ વાનરસેના હસવા લાગી.

જ્યારે હનુમાનજી મૂર્છામાંથી જાગ્યા ત્યારે તેમને સત્ય સમજાયું. તેમનો અહંકાર ઓગળી ગયો. તેમને અનુભૂતિ થઈ કે પોતાના ગર્વને કારણે જ આ પરિસ્થિતિ સર્જાઈ છે. હનુમાનજીએ સત્વરે શ્રીરામના ચરણોમાં જઈ ક્ષમા માંગી. કરુણાનિધાન પ્રભુએ તેમને ક્ષમા આપી. ત્યારબાદ પ્રભુએ હનુમાનજી દ્વારા લવાયેલા લિંગની 'વિશ્વનાથ લિંગ' તરીકે સ્થાપના કરી અને વરદાન આપ્યું કે, "જે કોઈ પહેલા હનુમાનજી દ્વારા પ્રતિષ્ઠિત વિશ્વનાથ લિંગની પૂજા નહીં કરે અને સીધી રામેશ્વર લિંગની પૂજા કરશે, તેની પૂજા વ્યર્થ જશે." પ્રભુએ હનુમાનજીને ત્યાં જ 'ગત-ગર્વ' (જેનો ગર્વ ઉતરી ગયો છે તેવા) સ્વરૂપે નિવાસ કરવા કહ્યું. આજે પણ ત્યાં પૂંછડી વગરના હનુમાનજીની પ્રતિમા દ્રશ્યમાન છે.

આમ, જ્યારે ગુરુ કે ઈશ્વરને લાગે કે ભક્તમાં અહંકારનો પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે તેઓ તેને સુધારવાનો ઉપાય કરે છે. જે શ્રેષ્ઠ શિષ્ય હોય છે તે ગુરુની આજ્ઞાને જ પોતાનો પરમ ધર્મ માની આત્મસાત્ કરે છે. આ પ્રસંગમાં શ્રીરામની કરુણા અને ભક્તના હિતની ચિંતા સ્પષ્ટ દેખાય છે.