Dharmlok: આ સાત આસક્તિમાંથી છુટકારો અપાવશે શ્રીમદ્ ભાગવતકથા

- લાભુભાઈ ર. પંડ્યા
એક જ માતા-પિતાના બે દીકરા હતા. એકનું નામ 'ગોકર્ણ' અને બીજાનું નામ 'ધુન્ધુકારી' હતું. એક જ લોહીના હોવા છતાં, સારાં કર્મોને કારણે ગોકર્ણ દેવ સમાન બન્યો, જ્યારે ધુન્ધુકારી પોતાના પાપકર્મોથી પ્રેત યોનિમાં ગયો. ખરેખર, જેવાં કર્મ કરો તેવાં જ ફળ મળે છે.એક રાત્રે ગોકર્ણે કોઈના રડવાનો અવાજ સાંભળ્યો. ગોકર્ણે પૂછ્યું, "કોણ રડે છે?" જવાબ મળ્યો, "હું તારો ભાઈ ધુન્ધુકારી છું. પાપકર્મોને લીધે પ્રેત બન્યો છું અને અત્યંત કષ્ટમાં હોવાથી રડું છું."ગોકર્ણે પૂછ્યું, "તને સદ્ગતિ કેવી રીતે મળશે? હું તારા માટે શું કરી શકું?" થોડો વિચાર કરીને ગોકર્ણે કહ્યું, "આવતીકાલે હું સૂર્યનારાયણને આનો ઉપાય પૂછીશ." બીજા દિવસે ગોકર્ણે સૂર્યનારાયણને અર્ધ્ય આપીને પૂછ્યું, "હે સૂર્યનારાયણ દેવ! મારો ભાઈ પ્રેત બન્યો છે, તેને મુક્તિ અપાવવાનો ઉપાય બતાવો."સૂર્યનારાયણે કહ્યું, "જો તારા ભાઈને સદ્ગતિ અપાવવી હોય તો વિધિપૂર્વક શ્રીમદ્ ભાગવતની કથા કરો. જે જીવની મુક્તિ શ્રાદ્ધ કરવાથી પણ ન થાય, તેને શ્રીમદ્ ભાગવત મુક્તિ અપાવે છે.
ભાગવત એ સાચું મુક્તિ શાસ્ત્ર છે."ધુન્ધુકારીને પ્રેતયોનિમાંથી છોડાવવા માટે ગોકર્ણે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કર્યું. ધુન્ધુકારી પ્રેતે સાત ગાંઠવાળા એક વાંસમાં પ્રવેશ કરી સાત દિવસ સુધી કથા સાંભળી. જેમ જેમ કથા આગળ વધતી ગઈ, તેમ તેમ રોજ વાંસની એક-એક ગાંઠ છૂટીને તૂટવા લાગી. સાતમે દિવસે જ્યારે મોક્ષની કથા પૂર્ણ થઈ, ત્યારે વાંસમાંથી એક દિવ્ય પુરુષ બહાર આવ્યો. તેણે ગોકર્ણને પ્રણામ કરીને કહ્યું, "હે ભાઈ! તેં ભાગવત કથા દ્વારા મને મુક્તિ અપાવી, ધન્ય છે આ ભાગવત કથાને!"કથા સાંભળવાથી ધુન્ધુકારીની વાસનાની સાત ગાંઠો તૂટી હતી.
વાંસની સાત ગાંઠો તૂટવી એ પ્રતીક છે કે ધુન્ધુકારીના હૃદયમાં રહેલી સાત વાસનાઓ નાશ પામી અને તે પ્રેત યોનિમાંથી મુક્ત થયો.મનુષ્યને સંસારમાં મોહ જલ્દી છૂટતો નથી.
આ સાત પ્રકારની મુખ્ય આસક્તિઓ (વાસનાઓ) છે:
૧. સ્ત્રી/પુરુષમાં આસક્તિ (પતિ-પત્નીનો મોહ)
૨. પુત્રમાં આસક્તિ (સંતાનનો મોહ)
૩. ધંધા-રોજગારમાં આસક્તિ
૪. દ્રવ્ય અને ધન-પૈસામાં આસક્તિ
૫. કુટુંબ-પરિવાર પ્રત્યેની આસક્તિ
૬. ઘર અને વ્યવહારિક બાબતોની આસક્તિ
૭. ગામ અને સમાજમાં પદ-પ્રતિષ્ઠાની આસક્તિ
શ્રીમદ્ ભાગવતની કથા શ્રવણ કરવાથી વાસનાની આ એક-એક ગાંઠ છૂટે છે અને મોહની ગ્રંથિઓ તૂટે છે, જેનાથી પ્રભુ પ્રત્યે પ્રેમ વધે છે. જો ભગવાનના નામનો જપ કરવામાં આવે અને તે જ એકમાત્ર સત્ય છે એમ માનીને નિત્ય સ્મરણ થાય, તો જ આસક્તિનો નાશ થાય છે.શાસ્ત્રોમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અવિદ્યાને આસક્તિની સાત ગાંઠો કહી છે. શ્રદ્ધાપૂર્વક પ્રભુનું સ્મરણ કરવાથી ધીરે ધીરે સ્વભાવ સુધરે છે અને મુક્તિનો માર્ગ પ્રશસ્ત થાય છે.
ઉદ્ધવજીએ શ્રીમદ્ ભાગવતમાં (૧૦.૪૭.૬૩) કહ્યું છે કે:
वन्दे नन्दव्रजस्त्राणां पादरेणुभीक्ष्णशः
य सां हरिकथो गीतं पुनाति भुवनत्रयम् ।।
હું નંદબાબાના વ્રજમાં રહેનારી ગોપીઓની ચરણરજને વારંવાર પ્રણામ કરું છું. કારણ કે આ ગોપીઓએ ભગવાન શ્રીકૃષ્ણની જે લીલાકથાઓનું ગાન કર્યું છે, તે ત્રણેય લોકને પવિત્ર કરી રહ્યું છે અને સદા પવિત્ર કરતું રહેશે."

