Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Draupadi's regret after the war

Dharmlok: દ્રૌપદીનો યુદ્ધ પછીનો પસ્તાવો

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok: દ્રૌપદીનો યુદ્ધ પછીનો પસ્તાવો
સોર્સ : GSTV

- ડૉ. ઉમાકાંત જોષી

App Store

કુરુક્ષેત્રના યુદ્ધમાં તમામ કૌરવો અને વિશાળ સેનાનો નાશ થયો. વિજય તો મળ્યો, પણ દ્રૌપદીને તેના પરિણામનો ઊંડો પસ્તાવો થયો. અંતે જ્યારે પાંડવો અને દ્રૌપદી હિમાલય તરફ 'ગાત્રો ગાળવા' (દેહત્યાગ કરવા) નીકળ્યા, ત્યારે માર્ગમાં અર્જુને પોતાના શક્તિશાળી 'ગાંડીવ' ધનુષ્યનો ત્યાગ કર્યો.

યાત્રા દરમિયાન યુધિષ્ઠિર બોલ્યા: "દેવી દ્રૌપદી, હજી પણ જો તમારે હસ્તિનાપુર પાછા જવું હોય તો તમે સુખેથી જઈ શકો છો."

દ્રૌપદીએ ગંભીરતાથી જવાબ આપ્યો: "મહારાજ, વર્ષો પહેલાં હસ્તિનાપુર માટે જે મોહ હતો, તે આજે રહ્યો નથી. મહારાણી પદ પામવાની લાલસા હતી, પણ મહારાણી બનતા-બનતા ભલભલા કેવા ભીંસાઈ જાય છે તે હવે સમજાયું છે. એટલે જ હવે તમારી સાથે નીકળી પડી છું."

ત્યારે સહદેવ વાતમાં જોડાયા અને કહ્યું: "દેવી, તમને તો આ યુદ્ધમાં ભારે રસ હતો!"

દ્રૌપદીએ ચાલતા-ચાલતા જવાબ આપ્યો: "વનવાસના કષ્ટો કરતાં મને યુદ્ધ ઉચિત લાગતું હતું, પણ આજે યુદ્ધનું પરિણામ પણ જોઈ લીધું. આજે સમજાય છે કે આ બધું જ વ્યર્થ વલખાં હતાં. તે દિવસે હું યુદ્ધ માટે ઉત્સુક હતી અને મહારાજ યુધિષ્ઠિરને નમાલા કહેતી હતી. મને ક્યાં ખબર હતી કે કાળ (સમય) આવતા આ 'ગાંડીવ' પણ સાથ છોડી દેશે અને શ્રીકૃષ્ણ પણ સ્વધામ ચાલ્યા જશે! આપણે સહુ હર્યા, ફર્યા, પરણ્યા અને લડ્યા... પણ આજે જ્યારે હિમાલય તરફ જઈ રહ્યા છીએ, ત્યારે સ્પષ્ટ સમજાય છે કે આપણે સૌ 'કાળ'ના હાથના રમકડાં છીએ. એ કાળને મારા નમસ્કાર છે."

આટલું બોલતા જ દ્રૌપદી જમીન પર ઢળી પડ્યા. તેમણે કહ્યું: "મહારાજ યુધિષ્ઠિર, મારો અંતકાળ નજીક છે, મને માફ કરજો. આજે જે જ્ઞાન લાધ્યું છે, તે જો વર્ષો પહેલા સમજાયું હોત તો મેં તમને યુદ્ધ કરવાની ક્યારેય હા ન પાડી હોત."

વધુમાં તેમણે પસ્તાવો કરતા કહ્યું: "પણ હવે તમારી ક્ષમા શું કામની? સાચી ક્ષમા તો ત્યારે મળે જો દુઃશાસન, દુર્યોધન, કર્ણ કે શકુનિ ક્ષમા આપે! અરે, યુદ્ધમાં હોમાઈ ગયેલી અઢાર અક્ષૌહિણી સેના ક્ષમા આપે તો જ પાપ ધોવાય. હે વ્હાલા માતા-પિતા, તમે પુત્રપ્રાપ્તિનો યજ્ઞ જ ન કર્યો હોત તો? પણ તમે પણ મારી માફક કાળના હાથનું રમકડું જ હશો ને? વીરા ધૃષ્ટદ્યુમ્ન, તું મને બોલાવે છે? લ્યો, હું આ ચાલી..."

પાંડવો દ્રૌપદીના કપાળ પર હાથ ફેરવી રહ્યા હતા, ત્યાં જ દ્રૌપદીના પ્રાણ દેહ છોડીને નીકળી ગયા. પાંચાલી પૃથ્વી પરથી અદ્રશ્ય થયા.

સાર:

આ દુનિયામાં પંડિતાઈ, જ્ઞાન, સમજણ અને સંસ્કૃતિનો અસલી સાર 'ધર્મબુદ્ધિ' છે. આવી ધર્મબુદ્ધિ કેળવવી એ જ જીવનની સાર્થકતા છે. તમામ શાસ્ત્રોનો આ જ નિષ્કર્ષ છે. તમે ગમે તેટલા બળવાન હો, પણ જો તમે અધર્મનો સાથ આપશો, તો તમારી શક્તિ, અસ્ત્ર-શસ્ત્ર, વિદ્યા અને વરદાન બધું જ અંતે નિરર્થક સાબિત થશે – જેમ કર્ણના જીવનમાં થયું.