Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Shared review / gstvnews magazine

Sahiyar : સહિયર સમીક્ષા 

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar : સહિયર સમીક્ષા 

- મને મારી જ ઉંમરના એક યુવક સાથે પ્રેમ છે. પરંતુ અમારી જ્ઞાતિ અલગ અલગ હોવાથી તેના માતા-પિતા અમારા બન્ને માટે તૈયાર થાય તેમ નથી. 

App Store

* મારી ઉંમર ૨૨ વર્ષની છે. હું નોકરી કરું છું. છેલ્લા ત્રણ વર્ષથી હું એક યુવકના પ્રેમમાં છું. પરંતુ હું તેને મારા મનની વાત કહી શકતી નથી. આ યુવકને એક યુવતી સાથે મૈત્રી હોવાથી મારા પ્રેમનો અસ્વીકાર થવાનો છે એ વાત પણ હું જાણું છું પરંતુ તેનાથી હું મારી લાગણી છૂપાવી શકતી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવતી (બગસરા)

* શું તમે તમારા મનની શાંતિ માટે આ યુવક સમક્ષ તમારા પ્રેમની જાહેરાત કરવા માગો છો કે પછી તમને ઊંડેઊંડે આશા છે કે એ યુવક તેની સ્ત્રી-મિત્રને છોડી તમારા પ્રેમનો સ્વીકાર કરશે? આ પ્રશ્નોના ઉત્તરો પ્રમાણિકતાથી આપી આગળ વધો. બીજું તમને ખાતરી છે કે એ યુવકને પેલી યુવતી સાથે પ્રમે નથી? તે માત્ર તેની મિત્ર જ છે? જો કે મારી સલાહ એ છે કે તમે એ યુવકને ભૂલી જાવ. તમારા પત્ર પરથી એ વાત પણ જાણવા મળી કે તમે એ યુવકને સપ્તાહમાં બે વાર મળો છો. તેણે તમારી સમક્ષ તમારા પ્રત્યેની લાગણી તેમજ એ યુવતી સાથેના સંબંધો વ્યક્ત નથી કર્યા એ વાતની નવાઇ લાગે છે. આટલા વર્ષના સંબંધ પછી આ વાત સ્પષ્ટ થઇ જવી જરૂરી છે. આ પરથી લાગે છે કે આ યુવક તમારા બંનેની લાગણી સાથે રમી રહ્યો છે.

* હું ૧૯ વર્ષનો છું. મારી સમસ્યા એ છે કે મને યુવતીઓ જોડે વાત કરતા સંકોચ થાય છે. તેમની સામે જોવાની પણ શરમ આવે છે. આ કારણે હું આજ સુધી કોઇ પણ યુવતી સાથે મૈત્રી કરી શક્યો નથી. છોકરીઓ મારી સામે જુએ છે પરંતુ હું તેમની સામે જોઇ શકતો નથી. મારા મિત્રો પણ મને યુવતીઓ સાથે મૈત્રી કરવાની સલાહ આપે છે પરંતુ હું તેમની સાથે વાત કરતા પણ હિચકિચાટ અનુભવું છું. આ કારણે મારામાં આત્મવિશ્વાસની પણ ઉણપ છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવક (પાલડી)

* છોકરીઓ સાથે વાત કરવામાં થતો સંકોચ તમારે જ દૂર કરવો પડે. એકવાર વાત કરવાની શરૂઆત કરશો તો આપોઆપ જ આ સંકોચ દૂર થઇ જશે. તમારે માત્ર એક પગલું ઉપાડવાની હિંમત કરવાની જરૂ૨છે.

* મારી ઉંમર ૨૮ વર્ષની છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી હું માનસિક અને શારીરિક અસ્વસ્થતા અનુભવું છું. મારું મન હંમેશા ઉદાસ રહે છે. રાત્રે ઊંઘ પણ આવતી નથી. મનમાં એક પ્રકારનો ભય રહે છે. પેટ પણ ખરાબ રહે છે અને દુખે છે. બહારગામ નોકરી કરું છું પરંતુ રજાઓમાં ઘરે જાઉં છું ત્યારે સામાન્ય બની જાઉ છું.

એક ભાઇ (અમદાવાદ)

* તમે ડિપ્રેશનનો ભોગ બન્યા હોવાની શક્યતા છે. કોઇ સારા મનોચિકિત્સકની સલાહ લો. કદાચ કુટુંબીજનોથી દૂ૨ ૨હેવાને કારણે પણ આ સમસ્યા ઉત્પન્ન થઇ હશે. તમારે સમય ગુમાવ્યા વિના મનોચિકિત્સકની સલાહ લેવાની જરૂર છે અને બિમારી દૂર ન થાય ત્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલુ રાખવી.

* મારી ઉંમર ૨૬ વર્ષની છે. હું નોકરી કરું છું. મારે એક પુત્ર છે અને મેં મારાપતિ સાથે છૂટાછેડા લીધા છે. હવે મને એક યુવક સાથે પ્રેમ થયો છે તે પણ મને પ્રેમ કરે છે. અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે પરંતુ મેં મારા છૂટાછેડાની તેમજ પુત્રની વાત તેને જણાવી નથી. હું તેને ગુમાવવા પણ માગતી નથી. હવે મારે શું કરવું તેની સલાહ આપવા વિનંતી.

એક યુવતી (મહેમદાવાદ)

* તમારે એ યુવકથી તમારો ભૂતકાળ છૂપાવવો નહોતો. હજુ પણ મોડું થયું નથી. તમે તેને આ વાત જણાવી દો. એ યુવક ખરા દિલથી તમને ચાહતો હશે તો તમને તમારા પુત્ર સાથે સ્વીકારી લેશે, પરંતુ તમે તેનો વિશ્વાસઘાત કર્યો હોવાની વાતથી તે નારાજ તો થશે પરંતુ તમે એને સમજાવી લેજો કે તેનો પ્રેમ ગુમાવી ન બેસો એ માટે તમે આમ કર્યું હતું. તમારો ભૂતકાળ છુપાવી પરણવા કરતા જાહેર કરી ન પરણવું તમારા માટે લાભદાયક છે. એકવાર તમે કડવા અનુભવમાંથી પસાર થઇ ચૂક્યા છો હવે તમારે સમજી-વિચારીને આગળ વધવાની જરૂર છે.

* મારી ઉંમર ૨૬ વર્ષની છે. મને મારી જ ઉંમરના એક યુવક સાથે પ્રેમ છે. પરંતુ અમારી જ્ઞાાતિ અલગ અલગ હોવાથી તેના માતા-પિતા અમારા બન્ને માટે તૈયાર થાય તેમ નથી. મારા ઘરે આ સંબંધ સ્વીકાર્ય છે. મારો પ્રેમી એકનો એક દીકરો છે. તેને બે બહેનો છે. તેના કુટુંબથી દૂર કરવાનું મને પસંદ નથી આથી હું તેને મને ભૂલી તેના માતાપિતાની મરજી મુજબ લગ્ન કરવાની સલાહ આપું છું. પરંતુ તે માનતો નથી. મારે શું કરવું તે સલાહ આપવા વિનંતી.

એક યુવતી (મુંબઇ)

* તમે એ યુવકના કુટુંબનું ભલું ઇચ્છો છો એ જાણી આનંદ થયો. મારી સલાહ છે કે સૌપ્રથમ તમે બંને નોકરી શોધી લો અને તેના કુટુંબસમક્ષ તમારા લગ્નનો પ્રસ્તાવ મૂકો. તેમને સમજાવવાનો પ્રયાસ કરો. અત્યારથી હિંમત હારવાની કોઇ જરૂર નથી. હવે જમાનો ઘણો બદલાઇ ગયો છે. નાત-જાતનું મહત્ત્વ ઓછું થઇ ગયું છે. ખાનદાન અને સંસ્કારી કુટુંબ હોય તો માતા-પિતા સંતાનોની મરજી પર ધ્યાન આપે છે.

- નયના