Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Royal Bridal Look Fashion

Sahiyar : રોયલ બ્રાઇડલ લુક: લગ્નમાં મેળવો ક્લાસી લુક, અપનાવો આ લેટેસ્ટ ડિઝાઈનર પેટર્ન્સ

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : રોયલ બ્રાઇડલ લુક: લગ્નમાં મેળવો ક્લાસી લુક, અપનાવો આ લેટેસ્ટ ડિઝાઈનર પેટર્ન્સ
સોર્સ : gstv

લગ્નસરા આવતાં જ બજાર વિવિધ જાતના ઘરેણાં, વસ્ત્રો અને અન્ય એક્સેસરીઝથી છલકાવા લાગે છે. અલગ અલગ સ્થળે એટલી બધી વસ્તુઓ ઉપલબ્ધ હોય છે કે લગ્નના માંડવે બેસનારી કન્યા અને  તેના પરિવારજનો ઘણીવાર મુંઝાઈ જાય કે કઈ ફેશન ઈન છે અને કઈ આઉટ.

App Store

લેટેસ્ટ ટ્રેન્ડની વાત કરીએ તો ભારતીય નવવધૂ માટે આજે મોર્ડન લુક ઈન છે. પોતાના બાંધા પ્રત્યે અત્યંત જાગૃત બની ગયેલી યુવતીઓ આજે મરમેડ શેપના લહંગા લેવાનું પસંદ  કરે છે. આ પ્રકારના લહંગા કમર પાસેથી ટાઈટ અને નીચેથી ખુલતા હોવાથી કન્યાની પાતળી કમર ખૂબ સુંદર દેખાય છે. આ ઉપરાંત 'મોગલ એમ્પાયર લાઈન' કુરતા અને ટાઈટ પહેરેલી સાડીમાં પણ નવવધૂનો એકવડો બાંધોે અત્યંત આકર્ષક દેખાય છે. આ રીતે પહેરેલી સાડીને અપ્સરા સાડી કહેવામાં આવે છે.

દુલ્હન માટેના વસ્ત્રોની પસંદગી કરતી વખતે તેનો રંગ ઘેરો હોય તે જરૂરી છે. ઘેરો રંગ ઉલ્લાસના પ્રતિક હોય છે. તેથી જ લાલ, લીલો, ગોલ્ડન કે મરૂન રંગ વધારે પસંદ કરવામાં આવે છે. તેવી જ રીતે બ્રોકેડ,જ્યોર્જટ અને વેલ્વેટના મટિરિયલ પર લેસ, આભલા, મોતી અને ગોટા જેવી વિવિધ વસ્તુઓથી કરેલું વર્ક ઈન છે. આ પ્રકારનું વર્ક મોરપીચ્છ અને જાંબુડી રંગમાં પણ આકર્ષક લાગે છે.

લગ્ન પ્રસંગે મહેંદી, સંગીત, કોકટેલ પાર્ટી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ થતું દેખાય છે. દરેક કાર્યક્રમ દરમિયાન કન્યાએ શું પહેર્યું છે તેની ઉપર મહેમાનોની નજર હોય છે. અહીં જ કન્યાની સ્માર્ટનેસ છતી થાય છે. મહેંદીના કાર્યક્રમ દરમિયાન ઘેરો લીલો, મહેંદી, મસ્ટર્ડ, ઓરેન્જ અથવા પીકોક જેવા ઘેરા રંગના અને ટૂંકી બાંયના લહેંગા પહેરી શકાય. તેવી જ રીતે સંગીતની રાતની એક નોેખી રોનક હોય છે. આ રાતે નાચવું, ગાવું  અને ઝુમવું એ કન્યા અને તેના પરિવારજનો-મહેમાનો માટે મહત્ત્વનું બની જાય છે. સંગીતના કાર્યક્રમ દરમિયાન મુગલ કુરતા સાથે સ્ટાઈલીશ સ્લીમ લહંગા અને દુપટ્ટાનું કોમ્બિનેશન કન્યાને ગોર્જિયસ લુક આપે છે. આ સિવાય એમ્બ્રોઈડરી કરેલા ઘાઘરા-ચોલી કે પછી ક્રિસ્ટલ, સિકવન્સ અને પ્રેશિયસ સ્ટોનથી વર્ક કરેલા લહંગા સાથે બેકલેસ ચોલી પણ મોર્ડન લુક આપે છે. ક્લાસિક લુક માટે જરી અથવા ક્રિસ્ટલ વર્ક કરેલાં લાલ, ગુલાબી, લીંબુ અથવા વાયોલેટ રંગનો શરારા પણ ઈન છે.

નવવધૂ માટે સૌથી વધુ મહત્ત્વની હોય છે લગ્નવિધિ દરમિયાન  પહેરવાની સાડી. ગુજરાતી કન્યાઓ  આજે પણ પરંપરાગત ઘરચોળા પર પસંદગી ઉતારે છે. આમ છતાં મોર્ડન લુક માટે જ્યોર્જટ, શિફોન અને ક્રેપ મટિરિયલ ઈન છે. જરદોશી વર્ક કરેલાં લાલ રંગના લહંગા સાથે આખી બાંયની ચોલી ઉપર પહેરેલી બંગડીઓ કે રંગીન પાટલાની શોભા આંખોમાં વસી જાય છે. જો એકદમ ભારે વસ્ત્રો પહેરવાનો આગ્રહ હોય  તો હેવી એમ્બ્રોઈડરી કરેલા મહારાની લહંગા  પર પસંદગી ઉતારો.

રિસેપ્સશન એટલે જાણે કે રોેશનીનો તહેવાર. વળી લગ્નવિધિ દરમિયાન જે મહેમાનોને બોલાવવામાં ન આવ્યાં હોય, ,તેમને  પણ રિસેપ્શનમાં અચૂક આમંત્રણ આપવામાં આવે છે. તેથી જ રિસેપ્શનમાં પહેરવામાં આવનારા વસ્ત્રો થોડાં હેવી અને મોર્ડર્ન હોવા જોઈએ. હેવી વર્ક કરેલી અપ્સરા રેપ સાડી સાથે હેવી વર્ક કરેલું બ્લાઉઝ રિસેપ્શન માટે પરફેક્ટ પસંદગી ગણી શકાય. વળી સાંજનો સમય હોવાથી ઘેરા રંગનો વસ્ત્રો વધારે સુંદર દેખાય છે.

આજની તારીખમાં લગ્ન પછી કોકટેલ પાર્ટી રાખવાનો જાણે કે રિવાજ થઈ ગયો છે. આ પ્રકારની પાર્ટીમાં નવવધૂ  માટે હોટ દેખાવું આવશ્યક છે. હોટ લુક  માટે ક્રિસ્ટલ વર્કવાળા કોર્સેટ સાથે સ્લિમ ફિટેડ લહંગા અને દુપટ્ટો ઈન છે. આ ઉપરાંત ગોલ્ડ  વર્ક કરેલી સાડી પણ સુંદર દેખાય છે.

નવવધૂ અત્યંત આકર્ષક કે સુંદર દેખાય એ બહુ જરૂરી છે. પણ સૌંદર્યવાન બનવાની ઘેલછા પાછળ નવવધૂનું મેકઓવર ન થઈ જાય તે પણ એટલું જ આવશ્યક છે.  ઘણીવાર દુલ્હનને જોનારા બોલી ઉઠે છે કે 'આજે તો તે ઓળખાતી જ નથી.' કોઈપણ નવવધૂ માટે પોતાની 'મૂળભૂત ઓળખ' જાળવી રાખવાનું જરૂરી છે. દુલ્હનની સ્ટાઈલ બિલકુલ નેચરલ હોવી જોઈએ. તેને જોતાવેંત મહેમાનોના મોઢામાંથી એમ નીકળવું જોઈએ 'આજે તો તે ખૂબ સુંદર દેખાય છે.' વસ્ત્રો સાથે આભૂષણો પણ દુલ્હનની પસંદગીની ચાડી ખાય છે. પણ દરેક કન્યા માટે મોંઘાદાટ ઘરેણાં લેવાનું શક્ય નથી હોતું.  આમ છતાં સેમી પ્રેશિયસ સ્ટોનના કે વસ્ત્રો સાથે મેચ થતાં ડિઝાઈનર આભૂષણો ખરીદી શકાય. આ ઉપરાંત વસ્ત્રો અને આભૂષણો સાથે શોભી ઉઠે એવો મેકઅપ અને મેચીંગ જૂતાં પરફેક્ટ બ્રાઈડલ લુક આપે છે.