Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Why does a wife threaten suicide despite the unbreakable love between the couple?

Sahiyar : મૂંઝવણ : દંપતિ વચ્ચે અતૂટ પ્રેમ છતાં પત્ની કેમ આપે છે આત્મહત્યાની ધમકી?

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : મૂંઝવણ : દંપતિ વચ્ચે અતૂટ પ્રેમ છતાં પત્ની કેમ આપે છે આત્મહત્યાની ધમકી?
સોર્સ : gstv

મારી ઉંમર ૨૫ વર્ષની છે. હું પરિણિત છું અને મારી પત્નીને પુષ્કળ પ્રેમ કરું છું. મારી પત્ની પણ મને પ્રેમ કરે છે પરંતુ વાદવિવાદ થતાં તે હંમેશા આત્મહત્યાની ધમકી આપ્યા કરે છે. આ માટે શું કરવું?

App Store

એક પતિ (જામનગર)

* તમે ૨૫ વર્ષના છો એટલે તમારી પત્નીની ઉંમર આથી પણ નાની અથવા તો આટલી જ હોવી જોઈએ. આ ઉંમરે તે તેની ધમકીની ગંભીરતા સમજે છે કે નહી તે એક પ્રશ્ન છે. મારે મન તો તેની આ ધમકી તેને મન એક બાલીશ રમત જ છે. આમ છતાં પણ આ ગંભીર અને બિન જવાબદારી ભર્યું કામ છે. આને ભાવનાત્મક બ્લેકમેઈલ કહી શકાય છે. આને કારણે બંને સાથીઓને માનસિક ટેન્શન રહી શકે છે. તમારે એની જોડે ગંભીરતાથી વાત કરવાની જરૂર છે અને તમે તેની આ આદત હવે સાંખી નહીં લો એ પણ તેને કડક શબ્દોમાં જણાવી દો. એ પણ જણાવી દો કે તમારી વચ્ચેના મતભેદો શાંતિથી અને સુલેહથી સુલઝાવવાની જરૂર છે.

હું ૨૭ વર્ષની પરિણીતા છું. મારા પતિ સંતાનોત્પતિ માટે સક્ષમ નથી. તેઓ બાળક ખોળે લેવા પણ નથી ઈચ્છતાં કે મને કૃત્રિમ ગર્ભધારણ પદ્ધતિ દ્વારા ગર્ભધારણ કરવાની મંજૂરી પણ નથી આપતાં. છતાં  પણ મેં ક્યારેય  તેમને ફરિયાદ નથી કરી કે તેમની મરજી વિરુધ્ધ કોઈ નિર્ણય કરવાનું સાહસ પણ નથી કર્યું. પરંતુ આજકાલ તેઓ મને ખૂબ ખરાબ કાર્ય કરવા માટે દબાણ કરી રહ્યાં છે. તેઓ ઈચ્છે છે કે હું મારાથી ૧૦ વર્ષ નાના દિયર સાથે નિયોગપ્રથા દ્વારા ગર્ભધારણ કરવાનો પ્રયત્ન કરું. જેથી કોઈને ખબર  પણ ન પડે કે મારા પતિ સંતાનપ્રાપ્તિ માટે સક્ષમ નથી અને તેમની ઈજ્જત પણ ન જાય.

એક યુવતી (મુંબઈ)

* તમારા પતિની વિચારવાની રીત ખૂબ જ સ્વાર્થી અને નીચી કક્ષાની છે. તેઓ પોતાની શારીરિક ખામી કે જે કુદરતી છે જેમાં તેમનો કોઈ દોષ નથી. તેને છુપાવવા માટે પોતાના નિર્દોષ નાના ભાઈનો ઉપયોગ કરવા માગે છે.

એક વખત તમારા દિયર સાથે સંબંધ બાંધ્યા પછી તેની નજરમાં તમારી શું ઈજ્જત રહેશે? આમ કરવાથી તો ઘરમાં જ વ્યભિચાર શરૂ થઈ જશે. તમે પતિની આ અયોગ્ય માગણી ક્યારેય ન સ્વીકારતાં.

હું ૨૬ વર્ષની પરિણીતા છું. મારા લગ્નને ૫ વર્ષ થઈ ગયાં છે. મારે એક પુત્ર છે. મારા પતિ જીવન પ્રત્યે નિરાશાવાદી દ્રષ્ટિકોણ ધરાવે છે. તેઓ મારું કે બાળકનું ધ્યાન પણ નથી રાખતા.સમાગમ દરમ્યાન  અચાનક કહે છે મૂડ નથી. આ સ્થિતિ ખૂબ કષ્ટદાયક લાગે છે. હું પતિને ખૂબ પ્રેમ કરું છું તેમને છોડવા નથી માગતી, પરંતુ જીવન પ્રત્યેની તેમની નિરાશા હતાશ બનાવી દે છે. શું કરું કે જેથી પતિનો દ્રષ્ટિકોણ બદલાય.

એક બહેન (વડોદરા)

* તમે જણાવ્યું એ પરથી લાગે છે કે તમારા પતિને જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડયો છે તેથી તેમને નિરાશા ઘેરી વળી છે.  ભૂતકાળમાં જે બન્યું તે બન્યું, પરંતુ અત્યારે તમારા રૂપમાં એક જીવનસાથી તેમની સાથે છે. તેમનાં દરેક સુખ-દુ:ખમાં સાથ  આપવા માટે  તેમની પરેશાની વિશે જાણો અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરો.

હતાશાની પળમાં તેમની હિંમત વધારો. તેમની સારપ, તેમની સફળતાનો વારંવાર ઉલ્લેખ કરીને તેમને પ્રોત્સાહિત કરો. તમારી મદદથી તેમનું મનોબળ વધશે અને હતાશા દૂર થશે. પછી તે તમને અને તમારા કુટુંબને ઘણું સુખ આપશે.

મારા પતિ નોકરી  કરે છે અને મોટાભાગે ટૂર પર હોય છે. તેમને શંકા છે કે અમારાં બંને બાળકો તેમના નથી. મારે આ સમસ્યાનું સમાધાન કરવું છે. શું પતિ-પત્ની અને બાળકોનું બ્લડગુ્રપ ટેસ્ટ કરાવવાથી કે ડી.એન.એ. ટેસ્ટ કરાવવાથી એ જાણી શકાશે કે બાળકોના પિતા મારાપતિ જ છે? યોગ્ય ઉપાય જણાવશો?

એક સ્ત્રી (વલસાડ)

* તમે તમારા મનની વાત તમારા પતિને કરો કે તેમની શંકા દૂર કરવા માટે તમે ડી.એન.એ. ટેસ્ટ કરાવવા ઈચ્છો છો. જો તમારા પતિ સમજદાર હશે તો તેમનો વિશ્વાસ પાછો આવશે. નહીંતર તેમને ડી.એન.એ. ટેસ્ટ કરાવી લેવા દો. તેમ કરવાથી તેઓ જ બાળકોના પિતા છે તે નક્કી થઈ જશે અને તેમનો વહેમ પણ દૂર થઈ જશે. ફક્ત બ્લડગુ્રપનો ટેસ્ટ કરાવવાથી સમસ્યાનું સમાધાન નહીં થાય.

- અનિતા