Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The glory of unending good fortune overflowing in the colors of mehndi

Sahiyar : મહેંદીનો માંડવો અને હૈયાનો હરખ: મહેંદીના રંગમાં છલકાતો અખંડ સૌભાગ્યનો મહિમા

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : મહેંદીનો માંડવો અને હૈયાનો હરખ: મહેંદીના રંગમાં છલકાતો અખંડ સૌભાગ્યનો મહિમા
સોર્સ : gstv

મહેંદી મૂકવી અને પછી રંગ કેવો આવ્યો તે જોવું અને બીજાને મહેંદીની ડિઝાઇન દેખાડવી એ દરેક યુવતી માટે ગમતીલું કામ છે. તહેવારોની મોસમ હવે શરૂ થશે એટલે મહેંદીના રંગ પણ પુરબહારમાં ખીલશે. આજે તો હવે ગરગથ્થુ હાથ રંગવાને બદલે આધુનિકાઓ બ્યુટીપાર્લરની છોકરીઓ પાસે મહેંદી મુકાવે છે.

App Store

વર્ષો પૂર્વે  સ્વ.બેનઝીર ભુટ્ટોના લગ્ન વખતે બન્ને પક્ષે  મહેંદી મૂકવાનો ખર્ચ ઘણો વધુ આવ્યો હતો. મહેંદી લગાવવા પાછળ ૧૦,૦૦૦ રૂ. ખર્ચ્યા હતા. મુંબઇમાં લગ્નગાળામાં આજે મહેંદી લગાવવા માટે મોટાભાગની બ્યુટિશિયનો ઓછામાં ઓછા ૫૦૦૦ રૂ. માંગે છે. રાણી લક્ષ્મીબાઇ અને કસ્તુરબા ગાંધીને મહેંદી લગાવવી ગમતી હતી.

જાણીતી બ્યુટિશિયનોએ સુંદરતા માટે 'હેના કેર'નો ઉપયોગ શરૂ કર્યો છે. જગજિતસિંઘ નામના ગઝલ ગાયકને મહેંદી વિશેની એક પંક્તિ ખૂબ ગમે છે. 'ચંદ માસુમસે પત્તોકા લહુ હૈ નાસિર, જીસકો મહેબુબકે હાથો કી હિના કહતે હૈ' (ગણ્યાં ગાંઠયા માસુમ પાંદડાઓના રક્તનું બલિદાન એટલે પ્રેમિકાના હાથની મહેંદી' ઉર્દુમાં જેને હિના કહેવાય છે તે મહેંદી વિશેની રસપ્રદ વિગતો આ લેખમાં વાંચવા જેવી છે.

મહેંદીએ ભારતનું શુધ્ધ, સહજપ્રાપ્ત પ્રાકૃતિક ભારતીય પ્રસાધન છે. લોકજીવનમાં ઉજવાતા મહત્વના માંગલિક અને સામાજિક પ્રસંગે મહેંદીનું સ્થાન વિશિષ્ટ રહ્યું છે.

* કોઇ પણ માંગલિક પ્રસંગની ઉજવણી મહેંદી વગર અધૂરી લાગે છે. મહેંદીએ નારીસૌંદર્યની સજાવટમાં અનોખું સૌંદર્ય પ્રસાધન બની રહ્યું છે.  કવિઓએ નારીના સોળશૃંગારોમાં મહેંદીને પણ ગણાવી છે. ગળાનું મંગલસૂત્ર, કપાળનો ચાંલ્લો, હાથનાં કંકણ અને સેંથીના સિંદૂરની જેમ હથેળીની મહેંદી ભારતીય નારીનું સૌભાગ્ય ચિહ્ન ગણાય છે.

મહેંદી ઇરાનમાં 'હિના' અને ઇજીપ્તમાં 'બિન્ના'ના નામે ઓળખાય છે. ફારસી અને અંગ્રેજીમાં પણ મહેંદી એજ નામે જાણીતી છે. સંસ્કૃત સાહિત્યમાં 'મદન્તિકા' નામે એનો ઉલ્લેખ થયો છે. 'શબ્દ કલ્પતરું'માં એને મહેંદી અને મેન્ધિકા નામે ઓળખાવેલી છે. મિસરનાં લોકો મહેંદીને 'સ્વર્ગીય સુગંધ'ના સંદર્ભમાં ઓળખે છે. બાઇબલમાં તેને કેમ્ફાયર તરીકે ઓળખાવી છે. ઇંગ્લેન્ડમાં મહેંદીને 'ઇજિપ્શિયન કલર' અને લૅટિનમાં લૉ-સોનિયા-ઍલ્બા નામે ઓળખાય છે.

ભારતીય ગુપ્તકાળમાં મહેંદીનો ખૂબ જ ઉપયોગ થતો હતો. અજંતાનાં ભીંત ચિત્રોમાં પણ સ્ત્રીઓના હાથમાં મહેંદી મુકાયેલી જોવા મળે છે. વિદેશીયાત્રી મેર્ગસ્થાનસે સદીઓ પૂર્વે લખ્યું હતું, 'મહેંદી ભારતની સર્વશ્રેષ્ઠ કલાઓમાંથી એક છે, અને તે પ્રાચીન સંસ્કૃતિનું પ્રતિબિંબ છે' સંસ્કૃત સાહિત્યમાં પણ મહેંદીના ઉલ્લેખો ઠેર ઠેર સાંપડે છે. અંજતાના ચિત્રોમાં પણ નારીના આગવા શણગાર તરીકે મહેંદી નજરે પડે છે.

ભારતમાં મોગલો અને રજપૂતોના રંગદર્શીકાળમાં મહેંદીનો ઉપયોગ સોળે કળાએ ખીલી ઉઠયો હતો. રાજસ્થાની શિલ્પોમાં તેમજ કાંગડા શૈલીનાં ચિત્રોમાં મહેંદી વડે હાથપગ શણગારેલી સ્ત્રીઓ બતાવવામાં આવી છે. મહેંદી માટે કહી શકાય કે ભારતમાં પ્રાચીન સમયથી લોકજીવનમાં મહેંદીનો ઉપયોગ થતો રહ્યો છે.

ગુજરાતનાં લોકજીવનમાં ઉત્સવો અને માંગલિક પ્રસંગોએ મહેંદીનું સ્થાન વિશિષ્ટ પ્રકારનું રહ્યું છે. કુંવારી કન્યાઓથી માંડીને પરણેલી સુહાગણ નારીઓ હાથે-પગે રૂપાળી મહેંદી મૂકે છે. 'કુંવારી કન્યા મહેંદીની ભાતમાં અને એના રંગમાં ભાવિ પ્રણયના મધુરા સ્વપ્નાં જોતી હોય છે. નવવધૂ મહેંદીની ભાતમાં પોતાના પ્રિયતમના પ્યાર, સ્નેહ અને સ્મૃતિનું રેખાંકન જોતી હોય છે. જ્યારે મોટી ઉંમરની પ્રૌઢ નારીને મન મહેંદી વીતેલા યૌવનની અનેક સુખદ સ્મૃતિઓ તાજી કરતી હોય છે.' આમ મહેંદીનો રતુંબલ રંગ ઉત્સાહ, પ્રેમ, આનંદ અને સૌભાગ્ય સૂચક બની રહે છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાનના લોકજીવનમાં મહેંદીએ જબરું આકર્ષણ જમાવ્યું છે. હિંદુ અને મુસ્લિમ બંને કોમોની સ્ત્રીઓમાં મહેંદીનો રિવાજ પ્રચલિત છે.

હરિયાણા, બિહાર, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં પણ મહેંદીનો રિવાજ અસ્તિત્વમાં છે. રાજસ્થાનમાં તો ગૃહિણીઓમાં લોકકળાનાં એક ખાસ અંગ તરીકે એનો ઘણો વિકાસ થયો છે. વ્રત અને વાર- તહેવારોમાં ગુજરાતની બાલિકાઓ નાનકડા હાથોમાં મહેંદી મૂકે છે. સૌભાગ્યવંતી સ્ત્રીઓ ગૌરીવ્રત બીજ, ત્રીજ, હોળી, નવરાત્રી, દિવાળી, જન્માષ્ટમી જેવા વાર તહેવારે અને ઉત્સવો પ્રસંગે રૃંડા-રૂપાળા હાથોમાં મહેંદી મૂકે છે મહેંદીના ઉપયોગની બાબતમાં તો રાજસ્થાનની રમણીઓ ગુજરાત કરતાં ઘણી આગળ છે. લગ્ન ઉપરાંત સીમંત, બાળકના જન્મ પ્રસંગે તથા પિયર અને સાસરે જતી વખતે કન્યાને હાથે-પગે મહેંદી મૂકવામાં આવે છે. તેથી જ તો કહેવાય છે કે મહેંદી તો મારવાડની જ. એમાંય ચિતોડ તલાવદાની તોલે તો કોઇ જ ન આવી શકે.

મહેંદી બનાવવાની રીત

મહેંદી મૂકેલા હાથ ભલે ચિત્તાકર્ષક અને મનોહર લાગતા હોય, પણ મહેંદી મૂકવાની રીત અત્યંત અટપટી હોવાથી કુનેહ, ધીરજ અને પરિશ્રમ માગી લે છે. સૌ પ્રથમ હથેળી પર કેરોસીન અથવા લીંબુ લગાડવામાં આવે છે. એ સુકાયાબાદ હથેળીમાં અવનવી ભાતો (ડિઝાઇનો) પાડવામાં આવે છે. ખોજા જાતિની સ્ત્રીઓ સળી-સાંઠીકડાથી કળામય મહેંદી મૂકવા માટે ખૂબ જાણીતી છે મારવાડ અને દક્ષિણ ભારતની સ્ત્રીઓ કોઇપણ સાધનની સહાય વિના આંગળી વડે ઝીણી અને અટપટી મહેંદી મૂકે છે. મહેંદીના તાજા પાન તોડીને તેમાં છાશ નાંખીને તેને કાંસાની થાળીમાં ફીણવામાં આવે છે. આજે તો બજારમાં દળેલી મહેંદીના તૈયાર પૂડા (કોન) પણ વેચાય છે. મહેંદીનો રંગ ભભકદાર લાવવા માટે તેમાં ઘણીવાર આમલીનું પાણી, ફટાકડી, નાગરવેલનું પાણી, ચણોઠી, ચૂનો, લીંબુ, કાથો, ઘાસતેલ, ચાનું પાણી, કબૂતરની ચરક, ત્રાંબાનો પૈસો, ગુંદરનું પાણી, ચપટીખાંડ અથવા રતનજોગ નાખવામાં આવે છે. કોઇકવાર ઝીણા તાર કાઢવા માટે મહેંદીમાં ભીંડાના કકડા નાંખીને તેને કાંસાની થાળીમાં લસોટવામાં આવે છે.

આ રીતે - મહેંદી તૈયાર કર્યા પછી હાથ સ્વચ્છ કરીને હથેળી પર  મનોહર ડિઝાઇન ઉપસાવે છે. આલેખન અને માંડણાની રીત પ્રમાણે મહેંદીની ડિઝાઇનનાં અવનવા નામો જાણીતાં થયાં છે. હથેળીમાં બાંધણીનાં છાયા જેવી ટપકાંવાળી ડિઝાઇનની મહેંદી થપ્પો, કુંડાળા કે લય ઉત્પન્ન કરતી રેખાઓની ડિઝાઇન 'લ્હેરિયા ભાત' તરીકે ઓળખાય છે. રાજસ્થાનમાં ચોપાડ, ચુંદરી, ચડુ, ચાંદતારા, મુથિયા અને લ્હેરિયા ભાતો અત્યંત લોકાદર પામી છે. દિવાળીની પૂજા પ્રસંગે હથેળીમાં પાડવામાં આવતી ચક્રની ડિઝાઇન ભગવાન શ્રીકૃષ્ણનાં ચક્રનું પ્રતીક ગણાય છે. હથેળીમાં દડા આકારની ડિઝાઇન મુથિયા ભાત તરીકે જાણીતી છે. મહેંદીનો લેપ કાઢી નાંખ્યા પછી હથેળીમાં રાઈનું તેલ અથવા નિલગીરીનું તેલ લગાડવામાં આવે છે. જેનાથી મહેંદીનો રંગ મલકી ઉઠે છે.

લોકજીવનમાં એવી માન્યતા પ્રચલિત છે કે સ્ત્રીઓ જ હાથે પગે મહેંદી ૂમૂકી શકે છે. પુરુષોના હાથે-પગે મહેંદી મૂકવાનું વર્જ્ય ગણાયું છે. મહેંદીની ભાતો તો કામણગારી નારીના હાથમાં શોભે. પુરુષનાં હાથમાં તો તલવાર જ રૂડી લાગે. મહેંદી મૂકે તે પુરુષ નામર્દ ગણાય. પોતાનો સ્વામી હાથે મહેંદી મૂકે એવું સ્ત્રીઓ કદાપિ નથી ઇચ્છતી. તેથી જ કદાચ એવી માન્યતા વહેતી મૂકી દીધી હશે કે છોકરો મહેંદી મૂકે તો રાતના આવીને એને વીંછી કરડી જાય! મહેંદીએ પ્રેમનું પ્રતીક પણ ગણાય છે. એમ કહેવામાં આવે છે કે લગ્નપ્રસંગે મૂકવામાં આવતી મહેંદીનો રંગ કન્યાનાં હાથમાં જેટલો સારો આવે તેટલો તેમનો દામ્પત્યપ્રેમ ગાઢ બની રહે. 

સૈકાઓથી સ્ત્રીઓના સૌંદર્યપ્રસાધનોમાં મહત્વનું સ્થાન ધરાવતા મહેંદીના પાંદડાના વપરાશની પાછળ આયુર્વેદની દ્રષ્ટિ સમાયેલી છે. આરોગ્યને માટે મહેંદી અત્યંત ગુણકારી છે. હાથે-પગે મહેંદી મૂકવાથી તે શરીરની ગરમીને ચૂસી લે છે. ઊનાળામાં હાથ-પગની બળતરાને શાંત કરીને ઠંડક આપે છે. ખરતાં વાળને અટકાવે છે. ગડગુમડ પર તો મહેંદી જાદુઇ અસર કરે છે. કોઢની દવામાં પણ એનો જ ઉપયોગ કરવામાં આવે છે. બગડેલા પિત્તાશય અને આંખને સુધારવાનો વિશિષ્ટ ગુણ પણ મહેંદીમાં સમાયેલો છે.

લોકનારીનાં શૃંગારપ્રેમને અભિવ્યક્ત કરતી મહેંદીને સ્ત્રીઓએ લોકગીતોમાં ખૂબ લાડ લડાવ્યાં છે. 'મહેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે..મહેંદી રંગ લાગ્યો રે..

માંગલિક પ્રસંગનો મહિમા વધારતી, પ્રણયના પ્રતીક સમી, સોહાગણનો શણગાર બનેલી, દામ્પત્ય સુખને ખીલવનારી મહેંદી ભારતનું પ્રાચીન સૌંદર્યપ્રસાધન બની રહ્યું છે. લોકહૈયા પર એનું એકચક્રી રાજ આજેય એવું ને એવું અજોડ જોવા મળે છે.

- નમિતા