Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Modern design jewelry changes with fashion trends, but traditional remains evergreen!

Sahiyar: આધુનિક ડિઝાઈનની જ્વેલરીની ફેશન ટ્રેન્ડ સાથે બદલાય, પણ ટ્રેડિશનલ એવરગ્રીન રહે!

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar: આધુનિક ડિઝાઈનની જ્વેલરીની ફેશન ટ્રેન્ડ સાથે બદલાય, પણ ટ્રેડિશનલ એવરગ્રીન રહે!
સોર્સ : GSTV

કોઈપણ નવવધૂ માટે સૌથી મોટી ચિંતાનો વિષય હોય તો તે છે તેના વસ્ત્રાભૂષણો. વસ્ત્રોની ફેશન તો છાશવાર બદલાતી રહે અને નવા નવા પોશાક ખરીદવાનું પોસાય પણ ખરું. પરંતુ શું કોઈને નિતનવા દાગીના ખરીદવાનું પરવડે? આવી સ્થિતિમાં પરંપરાગત આભૂષણો શ્રેષ્ઠ વિકલ્પ ગણાય. જ્વેલરી ડિઝાઈનરો પણ કહે છે કે નવવધૂઓ માટે ટ્રેડિશનલ જ્વેલરી બેસ્ટ ઓપ્શન છે. આનું કારણ જણાવતાં તેઓ કહે છે કે સામાન્ય રીતે માતાપિતા પોતાની દીકરીઓ માટે પહેલેથી જ થોડાં થોડાં અલંકારો ખરીદીને મૂકી રાખે છે. આવામાં જો તેઓ આધુનિક ડિઝાઈનની જ્વેલરી ખરીદે અને કન્યા લગ્નના માંડવે બેસે ત્યારે એ ડિઝાઈનની ફેશન ન હોય તોય તેને ના છૂટકે એ દાગીના પહેરવા પડે. પરંતુ ટ્રેડિશનલ ડિઝાઈન કાયમ ફેશનમાં જ રહે. તેથી તે ક્યારેય આઉટડેટેડ ન લાગે. વળી વિવાહના ફોટા તમારા માટે કાયમી સ્મૃતિ ગણાય. તેથી પછીથી જ્યારે જે તે મહિલા પોતાના લગ્નના ફોટા જૂએ ત્યારે તેને એમ ન લાગવું જોઈએ કે તેણે આવી કેવી ડિઝાઈનના ઘરેણાં પહેર્યાં હતાં. પરંપરાગત અલંકારોમાં નવવધૂઓ, ખાસ કરીને દક્ષિણ ભારતીય યુવતીઓ ટેમ્પલ જ્વેલરી પર પસંદગી ઉતારે છે. અત્યંત બારીક કામ કરેલી આ જ્વેલરી જોતાવેંત મનમાં વસી જાય. ચાહે તે મંગળસૂત્ર હોય કે ઝૂમખાં, લાંબા-ટૂંકા હાર, ચોકર, બાજુબંધ કે ઝાંઝર. આ અલંકારો નવવધૂને શાહી લુક આપે છે. જોકે અગાઉની ટેમ્પલ જ્વેલરી ખાસ્સી વજનદાર રહેતી. પરંતુ હવે કોઈને આટલા ભારે દાગીના ખરીદવાનું કે પહેરવાનું ન પોસાય. તેથી તે વજનમાં હળવાં હોય છે.

App Store

ગુજરાત અને રાજસ્થાનની નવોઢાઓ જડાઉ તેમ જ કુંદનના ઘરેણાં વધુ પસંદ કરે છે. વાસ્તવમાં જડતરના અલંકારોનો ટ્રેન્ડ મોગલકાળમાં શરૂ થયો હતો. સોનામાં કિંમતી અથવા અર્ધકિંમતી રત્નો જડેલા દાગીના અત્યંત આકર્ષક અને રાજવી લુક આપે છે.  આવી જ્વેલરીમાં અનકટ ડાયમંડ, એટલે કે વિલાંદી પણ મોસ્ટ ફેવરિટ છે. જોકે અનકટ ડાયમંડના આખા સેટ રિસેપ્શનમાં વધુ સારા લાગે. પરંતુ જડાઉના હારના પેન્ડન્ટમાં વચ્ચે એક મોટો અનકટ ડાયમંડ આખા હારને અનોખું આકર્ષણ આપે છે. જ્યારે કુંદનના અલંકારો રાજસ્થાનના શાહી પરિવારોની દેન છે. આજે પણ રાજસ્થાનમાં કુંદનના આભૂષણો સૌથી વધુ પહેરાય છે. અને ખાસ કારીગરો તે બખૂબી ઘડે છે.

જ્વેલરી ડિઝાઈનરો કહે છે કે ક્લાસિક સ્ટાઈલ માટે પરંપરાગત અલંકારોથી વધુ સારો વિકલ્પ બીજો કોઈ ન હોઈ શકે. વળી આપણા દેશમાં વિવિધ પ્રાંતમાં વસતિ પ્રજાના અલંકારોની ડિઝાઈન પણ વેગવેગળી હોય છે. ચોક્કસ રાજ્યમાં રહેતા લોકો ચોક્કસ ડિઝાઈનના ઘરેણાં પરંપરાઓથી પહેરતા આવ્યાં છે. જેમ કે કર્ણાટકમાં બિદ્દિ વર્કના નેકલેસ જાણીતા છે. તેવી જ રીતે કુદરતી તત્ત્વોમાંથી પ્રેરિત ડિઝાઈનના નાજુક આભૂષણોમાં મીનાકારી વર્ક પણ અહીં લોકપ્રિય છે. આધુનિક ડિઝાઈનની જ્વેલરીમાં પણ પરંપરાગત જાળી વર્ક માનુનીઓમાં માનીતું બની રહ્યું છે. તેવી જ રીતે લાખના દાગીના સોંઘા અને સુંદર હોવાથી નવોઢાઓ ઉપરાંત કોલેજ કન્યાઓમાં પણ પ્રિય થઈ પડયાં છે. નવવધૂઓ લાખની બંગડીઓનો આખો ઝૂમખો પહેરવાનું પસંદ કરે છે.

નવોઢાના નાકમાં નથ અને માથે દામડી ન હોય તો તે નવવધૂ જેવી લાગે જ નહીં. દુલ્હનના શ્રૃંગારમાં નથડી અને માંગટીકો સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જ્વેલરી ડિઝાઈનરો કહે છે કે લંબગોળ ચહેરો ધરાવતી દુલ્હનને કોઈપણ ડિઝાઈનના માંગટીકા શોભે છે. જ્યારે ગોળ ચહેરો ધરાવતી નવોઢાને નાજુક ડિઝાઈનની અથવા ગોળ દામડી શોભશે. તેવી જ રીતે એક અથવા એકથી વધુ સેરની માથાપટ્ટી દુલ્હનને  અત્યંત આકર્ષક લુક આપે છે.

દાગીના ઘડતા કારીગરો હોય કે ફેશનેબલ માનુનીઓ, ઘરેણાંની ડિઝાઈનમાં વૈવિધ્ય લાવવા માટે તેઓ આજે પણ પરંપરાગત અલંકારોમાંથી પ્રેરણા લે છે. ભલે તેમાં થોડા ફેરફાર સાથે નવી ડિઝાઈનની રચના કરવામાં આવે. પરંતુ તેમાં ટ્રેડિશનલ ટચ તો હોય જ છે. આજની તારીખમાં પરંપરાગત અલંકારો સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની ગયા છે.