Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : One similarity in the diverse cultures of India! The 'chhudo' adorns the bride's hand during a wedding

Sahiyar: ભારતની વિવિધ સંસ્કૃતિમાં એક સમાનતા! લગ્ન સમયે વધૂના હાથમાં શોભતો 'ચૂડો'

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar: ભારતની વિવિધ સંસ્કૃતિમાં એક સમાનતા! લગ્ન સમયે વધૂના હાથમાં શોભતો 'ચૂડો'
સોર્સ : GSTV

નાજુકતા, સૌંદર્ય, પવિત્રતા, સૌભાગ્ય અને લજ્જાનું પ્રતિક ગણાતી બંગડી સ્ત્રીત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આ જ કારણે અડવા હાથ (બંગડી વગરના) ધરાવતી સ્ત્રીને જોતાં જ તેના જીવનનો ખાલીપો અંતરને દુ:ખી કરે છે. પારંપરિક અને સાંસ્કૃતિક જગતમાં જ નહિ પણ ફેશનવિશ્વમાં સુધ્ધાં બંગડીનું અસ્તિત્વ યથાવત્ છે. અને આ જ કારણે આધુનિક નવોઢા ઇમિટેશન જ્વેલરીનો રૃા. ૧૦-૧૫ હજારની કિંમતનો ચૂડો લગ્ન સમયે પહેરે છે. 

App Store

આજે નવવધૂના ફેશનેબલ ચૂડાની કિંમત ભલે હજારો રૂપિયા હોય પણ આ રીતે ચૂડો પહેરવાની રીત કંઈ નવી નથી. ભારતના લગભગ બધા જ પ્રાંતમાં લગ્ન સમયે વધૂના હાથમાં ચૂડો પહેરાવવામાં આવે છે. મેંદીથી રંગેલા હાથમાં જ્યારે ચૂડો પહેરાવામાં આવે છે ત્યારે સૌંદર્ય ખીલી ઊઠે છે. મહારાષ્ટ્રીઅનોમાં લગ્ન વખતે લીલા રંગની બંગડીઓનો ચૂડો ભરવામાં આવે છે. બંગાળી વધૂઓ શંખ અને લાખની બંગડીઓ પહેરે છે. પણ તે તેમના લગ્નનો ચૂડો નથી. લગ્ન સમયે તેમના હાથમાં લોખંડનું કડું પહેરાવામાં આવે છે જેને 'બાહુતી' કહેવામાં આવે છે.

પ્રાચીન કાળથી શંખની બંગડીઓની પરંપરા ચાલી આવે છે. પહેલાં શંખની બંગડી મોટે ભાગે સફેદ અને સપાટ જ બનતી હતી. હવે રંગબેરંગી અને જુદા જુદા પ્રકારની શંખની બંગડી મળે છે. જેમ કે સોનમુખી, માયા, ગિનીબાલા વગેરે. સોનમુખી બંગડીનો પૃષ્ઠભાગ સોનેરી હોવાથી તે પીળા, લીલા અને લાલ રંગે રંગવામાં આવે છે. માયા પ્રકારની બંગડીમાં આગળના ભાગ પર જળતરંગ, ટપકીઓ, મોતીદાણા જેવી વિવિધ પ્રકારની નકશી કરવામાં આવે છે. જ્યારે ગિનીબાલા પ્રકારની બંગડી ખાસ બાળાઓ માટે બનાવામાં આવે છે.

ગુજરાતી અને રાજસ્થાની નવોઢાને લગ્ન સમયે માતાને ઘરેથી હાથી દાંતની બંગડીઓ પહેરાવામાં આવે છે. હાથી દાંતની આ બંગડીઓ વગર વધૂ ચોરીમાં ઊભી રહી શકતી નથી. પંજાબી નવવધૂ લાલ અને સફેદ રંગની હાથીદાંતની બંગડી પહેરે છે. જોકે હવે હાથદાંતની બંગડીની જગ્યા લાખ અને પ્લાસ્ટિકની બંગડીઓએ લીધી છે. આ બંગડી ચારની જોડમાં જ પહેરવી પડે છે. જ્યાં સુધી યુવતીને નવવધૂ તરીકે બેસાડી રાખવામાં આવે છે ત્યાં સુધી તેના હાથમાં ચૂડો રહે છે. પછી કુટુંબની પરંપરા પ્રમાણે પંદર દિવસ કે એક મહિના પછી આ બંગડીઓ ઉતરાવીને ગામના મંદિરમાં મૂકી દેવાય છે અને નવવધૂને રસોડામાં પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવે છે.

સૌભાગ્યનું પ્રતિક ગણાતો ચૂડો પરીણિતાને ગર્ભ રહે તે કાળમાં પણ એટલો જ મહત્ત્વનો ગણાય છે. ગુજરાતી પરીણિતા જ્યારે ગર્ભવતી બને છે ત્યારે સાતમા મહિને થતી સીમંત વિધિ દરમિયાન તેની નણંદ તેને ચાંદીની રાખડી પહેરાવે છે. દક્ષિણ ભારતમાં પણ આ જ પ્રકારની વિધિ કરવામાં આવે છે જેને 'વાલાઈકપૂ' કહેવામાં આવે છે. આ વિધિ અંતર્ગત ગર્ભવતીના એક હાથમાં ૨૧ અને બીજા હાથમાં ૨૨ રંગબેરંગી બંગડી પહેરાવીને તેને પિયર મોકલવામાં આવે છે. 

વૈદિક કાળમાં કંગન, કંકણ, ચૂડો, પાટલી, બિલવર, ધાતુના કડા, ગોટ ઉપરાંત આવાપક, પરિહાર્ય અને વલય જેવી બંગડીના પ્રકાર હતા. વલય એટલે સોનાના કડા. વલયમાં ફલકવલય નામના પ્રકારની ચપટા આકારની રત્નજડિત બંગડી આવે છે. અમરાવતીના સ્તૂપમાં એક શિલ્પના કાંડામાં ફલકવલય જોવા મળે છે. કાલિદાસના કાવ્યમાં કનકવલયનો ઉલ્લેખ જોવા મળે છે. એટલે કે તે સોનાની બંગડીઓ હશે. મેઘદૂતમાં વિરહી યક્ષના કનકવલય ગળીને પડી જતાં કાંડા અડવા થઈ ગયાનો ઉલ્લેખ છે. તે જ પ્રમાણે દુષ્યંતના વિરહમાં શકુંતલાના કનકવલય કોણી સુધી ચડી જતાં હોવાનો પણ ઉલ્લેખ છે.

વલયની નીચે કંકણ પહેરવામાં આવે છે. સંસ્કૃત સાહિત્યમાં કંકણનો વારંવાર ઉલ્લેખ આવે છે. મેદિનીકોશમાં કંકણ શબ્દના કરભૂષણ, મંડન અને સૂત્ર એમ ત્રણ અર્થ આપવામાં આવ્યા છે. ચૂડો અને ચૂડલી કંકણના જ પ્રકાર છે. ચૂડો એટલે સોનાના તારના જાડા કંકણ અને ચૂડલી એટલે તેવા જ પાતળા કંકણ.

મોહેં-જો-દડો ખાતે થયેલા ઉત્ખનનમાં મળેલી એક સ્ત્રી મૂર્તિના હાથ કોણી સુધી કંકણ પહેરેલા જોવા મળતા હતા. શુંગકાળમાં ચૂળકોળા, સુદર્શના, ચંદા વગેરે યક્ષિણીની મૂર્તિઓના હાથમાં કંકણ જોવા મળતા હતા. તે જ પ્રમાણે માટીની રંગીન બંગડીઓ પણ ઉત્ખનનમાં મળી હતી. સાંચી ખાતેના સ્ત્રીચિત્રો, ગાંધાર મૂર્તિકલા તથા અજંટા ખાતેની સ્ત્રીમૂર્તિના હાથમાં કંકણ છે. ત્યાર પહેલાં અને ત્યાર પછીના કાળમાં પણ કંકણાભૂષણનો ઉલ્લેખ જોવા મળે છે. સિંધુ સંસ્કૃતિમાંથી સોના, ચાંદી તથા કાસાની પોકળ બંગડીઓ મળી છે તથા આર્ય કાળમાં સોનાની બંગડી વપરાતી હોવાના પુરાવા મળ્યા છે. યજુર્વેદમાં સોનાની બંગડી અને દાગીના વિવાહ પ્રસંગે વાપરવા એવું જણાવામાં આવ્યું છે. આના પરથી તે કાળમાં પણ ચૂડા હતા તેવા તારણ પર આવી શકાય છે. ઈ. સ. પૂર્વે ૧૦૦-ઈ. સ. ૧૦૦ના કાળમાં ઇંડોગ્રીક પદ્ધતિનું નકશીકામ કરેલી સોનાની પોકળ બંગડી પહેરવામાં આવતી હતી. કુશાણ કાળમાં સોનાની તથા કાસાની બંગડીઓ વાપરવામાં આવતી હતી. ગુપ્ત કાળમાં સુધ્ધાં ધાતુની બંગડીઓ અને મધ્યયુગમાં સોના-ચાંદીની નકશીદાર બંગડીઓ વપરાતી હતી. ઈ. સ. ૧૨૦૦ બાદ મુસ્લિમ કાળમાં મહિલાઓની બંગડીઓની ટોચ પર મગર તથા હાથીના મોઢા જોવા મળતા હતા. યુરોપીયન લોકોના સંપર્કમાં  આવ્યા બાદ ભારતમાં બંગડી પરના નકશીકામમાં પાશ્ચાત્ય ડિઝાઈન શરૂ થઈ હતી. તે જ પ્રમાણે સાદી તથા હળવી બંગડીઓ વાપરવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. 

ચૂડો, ચોટલો અને ચાંદલો પરિણીતાનાં પારંપારિક સૌભાગ્યપ્રતીકો છે જે સદીઓથી કડાં-કંકણ, બંગડી,-કનકવલય જેવા સ્વરૂપે નવોઢાએ પહેરે છે.