18 વર્ષના લગ્નજીવનનું રહસ્ય જણાવતાં આયુષ્માન ખુરાનાએ કહ્યું- 'અમારી સેન્સ ઓફ હ્યુમર એકસરખી છે'

'મારી અને તાહિરાની સેન્સ ઓફ હ્યુમર એકસરખી છે. તાહિરા જ મારું સૌથી મોટું પ્રેરકબળ છે. હું માનું છું કે પતિ-પત્ની વચ્ચે માત્ર પ્રેમ હોવો પૂરતો નથી, એમની વચ્ચે સાચી મૈત્રી હોવી અનિવાર્ય છે.'
આયુષ્માન ખુરાનાનો સમય પણ અત્યારે કંઈક અંશે નબળો ચાલતો હોય એવું લાગે છે. છેલ્લાં બે વર્ષથી ખુરાનાની કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ નથી કરી શકી. તેની લેટેસ્ટ ફિલ્મ 'પતિ, પત્ની ઔર વો દો' માં વામિકા ગબ્બી, સારા અલી ખાને અને રકુલ પ્રીત સિંહ જેવી ત્રણ-ત્રણ અભિનેત્રીઓ હોવા છતાં તેને સિનેમાઘરોમાં ઘણો મોળો પ્રતિસાદ મળ્યો છે. આ સંજોગોમાં હવે આ 42 વર્ષનો અભિનેતા સૂરજ બડજાત્યાના નિર્દેશનમાં બની રહેલી કૌટુંબિક મૂવી 'યહ પ્રેમ મોલ લિયા' ની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. સૂરજ બડજાત્યાનો કાયમી હીરો ગણાતા સલમાન ખાને આ પ્રોજેક્ટ નકાર્યા બાદ આ ફિલ્મ આયુષ્માનના ફાળે આવી છે.
અલબત્ત, પોતાની ફિલ્મોના બોક્સ ઓફિસ પરફોર્મન્સથી આ કલાકારને વ્યક્તિગત રીતે બહુ ફરક નથી પડતો. વ્યાવસાયિક અને અંગત જિંદગી વચ્ચે સંતુલન જાળવતા આયુષ્માનને સારી રીતે આવડે છે. તાજેતરમાં જ આયુષ્માનને એક પોડકાસ્ટ દરમિયાન પૂછવામાં આવ્યું કે તમે આ પ્રકારનું બેલેન્સ કેવી રીતે રાખી શકો છો? તેના જવાબમાં એણે કહ્યું, 'એ બધું કુદરતી રીતે પોતાની મેળે જ થઈ રહ્યું છે. જાણે કોઈ અદ્રશ્ય શક્તિ આ કરાવી રહી હોય તેવો ભાસ થાય છે. હું કંઈ પહેલેથી આટલો પરિપક્વ નહોતો. અગાઉ હું માત્ર મારા શૂટિંગના કામમાં જ વ્યસ્ત રહેતો. આમેય પુરુષોમાં માનસિક પક્વતા થોડી મોડી આવતી હોય છે. ખેર, હવે હું લાઈફમાં બેલેન્સ રાખતા શીખી ગયો છું. મારી અને મારી પત્ની વચ્ચેની સૌથી સારી બાબત એ છે કે અમારી સેન્સ ઓફ હ્યુમર (રમૂજવૃત્તિ) એકસરખી છે. પત્ની જ મારું સૌથી મોટું પ્રેરકબળ છે. પતિ-પત્ની વચ્ચે માત્ર પ્રેમ હોવો પૂરતો નથી, એમની વચ્ચે સાચી મૈત્રી હોવી અનિવાર્ય છે.'
આયુષ્માન અને તાહિરાના લગ્નજીવનને હવે 18 વર્ષ જેટલો લાંબો સમય થઈ ચૂક્યો છે. બોલિવુડના આ સુખી દંપતીને એક પુત્ર અને એક પુત્રી છે. આટલા વરસો પછી પણ તેમનું દાંપત્યજીવન હંમેશાં સાચા કારણોસર ચર્ચામાં રહે છે. આ અંગે વાત કરતા ખુરાના ઉમેરે છે, 'સીધી વાત છે, તાહિરા મને ખૂબ પ્રેમ કરે છે અને હું પણ તેને એટલો જ ચાહું છું. થોડા સમય પહેલાં હું સાઉથમાં એક ફિલ્મના શૂટિંગમાં સતત વ્યસ્ત હતો, જેના કારણે તાહિરાને ઘણા દિવસો સુધી મળી શક્યો નહોતો. પરંતુ જ્યારે અમે ફરી મળ્યા, ત્યારે અમને અહેસાસ થયો કે અમારું બોન્ડિંગ સમય સાથે વધુ મજબૂત બન્યું છે.'
તાહિરા કંઈ સામાન્ય ગૃહિણી નથી, એ ખુદ એક પ્રતિભાશાળી લેખિકા અને ફિલ્મ નિર્દેશક પણ છે. આયુષ્માન અને તાહિરા બંને અત્યંત પ્રગતિશીલ વિચારસરણી ધરાવે છે. સંકુચિત જ્ઞાતિ-જાતિની માનસિકતાથી હંમેશાં દૂર રહે છે. બંને પરંપરાગત હિન્દુ પરિવારોમાં જન્મ્યા હોવા છતાં વ્યક્તિગત જીવનમાં બૌદ્ધ ધર્મના વિચારોને અનુસરે છે. થોડાં વરસો પહેલાં જ્યારે તાહિરાને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું હતું. સમગ્ર ખુરાના પરિવાર માટે એ મુશ્કેલ સમય હતો, પરંતુ આખા પરિવારે જરાય નાસીપાસ થયા વિના ભારે હિંમતથી આ ગંભીર બીમારીનો સામનો કર્યો. કમનસીબે, સંપૂર્ણ સાજી થઈ ગયા બાદ કેન્સરે ફરી ઉથલો માર્યો હતો, છતાં તાહિરાએ પહેલાં જેવી જ દ્રઢતા રાખીને સારવાર લીધી અને ફરી કેન્સર પર વિજય મેળવ્યો.

