Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Kapil Sharma's explanation: He made serious mistakes in depression, said- 'That time was the most difficult for me'

કપિલ શર્માનો ખુલાસો: ડિપ્રેશનમાં કરી હતી ગંભીર ભૂલો, કહ્યું- 'એ સમય મારા માટે સૌથી કપરો હતો'

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
કપિલ શર્માનો ખુલાસો: ડિપ્રેશનમાં કરી હતી ગંભીર ભૂલો, કહ્યું- 'એ સમય મારા માટે સૌથી કપરો હતો'
સોર્સ : GSTV

'એક તબકકે હું ડિપ્રેશનનો ભોગ બની ગયો હતો. એ સમય મારા માટે બહુ જ કપરો હતો. મેં તે સમયે ઘણી ગંભીર કહી શકાય તેવી ભૂલો કરી નાખી હતી.'

App Store

આજે ભારતમાં એક કલાકાર એવો છે જે હિન્દી ફિલ્મ જગતનાં કલાકારો અને ક્રિકેટરો કરતાં પણ વધુ લોકપ્રિય છે. આ કલાકારનું નામ છે કપિલ શર્મા. શું એમના જીવન પર બાયોપિક બનાવાની છે? અમૃતસરમાં પંજાબી પરિવારમાં જન્મેલો કપિલ શર્મા કહે છે, 'હેં? મારા જીવન પર બાયોપિક? મારું જીવન કાંઇ સમાપ્ત નથી થઇ ગયું. હજી તો મારી ઉંંમર બહુ નાની છે. હું ગુજરી જાઉં અથવા કમસે કમ ગુજરી જાઉં પછી બાયોપિક વિશે વિચારજો.' કપિલ શર્મા જેટલો આલા દરજ્જાનો કોમેડિયન એક તબકકે ડિપ્રેશનનો ભોગ બની ગયો બન્યો હતો. 

'એ સમય મારા માટે બહુ જ કપરો હતો. મેં એ વખતે ઘણી ગંભીર કહી શકાય તેવી ભૂલો પણ કરી હતી. જોકે હું સમયસરની અને યોગ્ય સારવારથી તેમાંથી હેમખેમ બહાર આવી ગયો. સાથોસાથ જીવનમાં સફળતાની સાથોસાથ શિસ્ત અને સભ્યતા કેટલાં મહત્વનાં છે તેનો પાઠ પણ બરાબર શીખ્યો છું.' જાણકાર સૂત્રોના કહેવા મુજબ કપિલ શર્માને પોતાના કોમેડી શો દ્વારા ભરપૂર કમાણી પણ થઈ રહી છે. હવે તેણે કેનેડામાં પોતાનું કેપ્સ કેફે પણ શરૂ કર્યું છે. જોકે થોડા સમય પહેલાં આ જ કેપ્સ કેફે પર ગોળીબાર થયો હોવાના અખબારી અહેવાલ પણ પ્રસિદ્ધ થયા છે. કેનેડાની આ જ ઘટના બાદ કપિલ શર્માએ મુંબઇ પોલીસનાં ખોબલે ખોબલે વખાણ કર્યાં હતાં. 'હું અને મારો પરિવાર મુંબઈમાં સંપૂર્ણપણે સલામતી અને ખુશી અનુભવી રહ્યાં છીએ. મને મુંબઈ પોલીસ જેવી સુરક્ષા બીજે ક્યાંય પણ નથી મળી. મને એમ લાગે છે કે કેનેડાની પોલીસ પાસે કે ત્યાંના સરકારી કાયદા પાસે કદાચ એવી સત્તા નહીં હોય કે તેઓ પેલાં તોફાની તત્વો પર કાબૂ મેળવી શકે.'

કિસ કિસ કો પ્યાર કરું (2015) ફિલ્મથી હિન્દી ફિલ્મ જગતમાં પણ પ્રવેશ કરનારો કપિલ શર્મા બહુ મહત્ત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, 'મારું આરોગ્ય ફિરંગી ફિલ્મના શૂટિંગ દરમિયાન બહુ જ સારું રહ્યું હતું. મને મારું શરીર હળવુંફૂલ લાગતું હતું. મેં એ જ તબક્કે મારી તંદુરસ્તી સતત લીલીછમ રાખવાનો નિર્ણય કર્યો હતો. કોઈપણ વ્યક્તિ, ખાસ કરીને કલાકારે તો તેની કારકિર્દી ઉજ્જવળ બનાવવા માટે તેની તંદુરસ્તી સારી રાખવી જરૂરી છે.'

છેલ્લાં લગભગ 10 વર્ષથી ટેલિવિઝન પર પોતાનો કોમેડી શો ચલાવતા કપિલ શર્માએ હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. કપિલ કહે છે, 'મને ટીવી અને ફિલ્મ એમ બંને માધ્યમ વચ્ચે ઘણો તફાવત મહેસુસ થયો છે. ઉદાહરણરૂપે ટીવી પર કામ કરતાં આળસુ થઈ જવાય છે, કારણ એ છે કે શો દરમિયાન મારો મોટાભાગનો સમય સોફા સેટ પર બેસીને અમારાં મહેમાનો સાથે વાત કરવામાં પસાર થાય છે. બીજી બાજુ ફિલ્મના શૂટિંગ દરમિયાન કલાકારોએ શારીરિક અને માનસિક એમ બંને પ્રકારની મહેનત કરવી પડે છે. શૂટિંગ ખુલ્લા મેદાનમાં, પહાડો પર, ધગધગતા રણમાં પણ થતું હોવાથી ઘણો પરિશ્રમ રહે થયો છે.'

આજે કપિલ અમીરી-વૈભવનો આનંદ માણી રહ્યો છે. આ જ કપિલ શર્મા કોલેજમાં નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતો હતો ત્યારે તેના મિત્રોને કહેતો, જુઓ, પેલી ગીન્ની (ગીન્નીનું સાચું નામ ભવનીત છત્રાથ છે. ગીન્ની જલંધરના બિઝનેસ ફેમિલીની દીકરી છે) નામની રૂપકડી છોકરી છે તેની સાથે લગ્ન કરીશ. કપિલ અને ગીન્ની તેમના કોલેજના સમયથી ખાસ મિત્રો રહ્યાં છે. બંને નાટકોમાં સાથે કામ કરતાં હતાં તે દરમિયાન બંને વચ્ચે લીલુંછમ ઇલુ ઇલુ થયું હતું. સમય જતાં કપિલ અને ગીન્નીએ લગ્ન કર્યાં. આજે કપિલ અને ગીન્ની પુત્રી અનાયરા અને પુત્ર ત્રિશાન, એમ બે સંતાનનાં માતાપિતા છે.