કરિયરના ઉતાર-ચઢાવ વચ્ચે કુણાલ ખેમુએ શેર કરી દિલની વાત, હેડલાઇન્સમાં છવાયું અભિનેતાનું નિવેદન

કુણાલની પત્ની સોહા અલી ખાન એનાથી ઉંમરમાં પાંચ વરસ મોટી છે. એની સાથેના ૧૧ વરસના દાંપત્યજીવનના પ્રભાવને લીધે કુણાલમાં એક પ્રકારની પરિપકવતા આવી ગઈ છે.
સૈફ અલી ખાન જેવા ટોપના સ્ટારનો બનેવી હોવા છતાં કુણાલ ખેમુએ કદી એનો સપોર્ટ માગ્યો નથી કે લીધો નથી. જ્યારે સલમાન ખાનના બંને બનેવી- અતુલ અગ્નિહોત્રી અને આયુષ શર્મા કાયમ એના પડછાયામાં જ રહે છે. એમના કરિયરમાં સલમાનનો સિંહ ફાળો છે. સૌ જાણે છે કે કુણાલે એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાની એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. બાળ કલાકાર તરીકે 'હમ હૈ રાહી પ્યાર કે' અને 'સર' જેવી ફિલ્મો કર્યા બાદ યુવાન વયે એણે કોમેડી અને સોશ્યલ ડ્રામાથી થીમવાળી ફિલ્મોમાં રોલ કર્યો. સારો ડિપેન્ડેબલ એક્ટર હોવા છતાં સોહા અલી ખાનનો પતિ સોલો હીરો તરીકે પોતાનું સ્થાન ન બનાવી શક્યો. પરંતુ નાસીપાસ થયા વિના એણે 'મડગાંવ એક્સપ્રેસ' (૨૦૨૪) નામની ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું. 'મડગાંવ એક્સપ્રેસ'માં એના ડિરેક્શનના ઇન્ડસ્ટ્રીએ વખાણ કર્યા. ફિલ્મ મેકિંગમાં કુણાલને કેટલી સુજ પડે છે એ આ ફિલ્મે દર્શાવ્યું.
મિડલ ક્લાસ ફેમિલીમાં ઉછરેલો કેમુ બહુમુકી પ્રતિભાનો સ્વામી છે. સંગીતમાં ઊંડો રસ હોવાથી એણે ગયા વરસે પોતાનું પહેલું સિંગલ આલ્બમ 'લોચા' રિલિઝ કર્યું. તાજેતરમાં એનું બીજુ ટ્રેક 'નિન્દીયા' રિલિઝ થયું છે. આજે જ્યારે યુવાન મમ્મીઓ પોતાના સંતાનોને રાતના સુતી વખતે હાલરડાં ગાવાનું ભૂલી ગઈ છે ત્યારે કુણાલનું સોંગ નિન્દીયા પોતાની પુત્રી ઈનાયા માટે એણે ગાયેલા હાલરડાંમાંથી જ થયો છે. એ વિશે વાત કરતા એક્ટર-ડિરેક્ટર-સિંગર કહે છે, 'હું ઈનાયાને રાત્રે સુવાના સમયે વાર્તાઓ સંભળાવતો અને એને માટે હાલરડાં પણ ગાતો. નાનકડી ઈનાયા ત્યારે એમના વિશે મને ઘણાં પ્રશ્નો પૂછતી. એટલે એકવાર મેં એને પ્રોમિસ કર્યું કે બેટા, તારા માટે હું એક ગીત લખીશ અને ગાઈશ પણ ખરો. એમાંથી નિન્દીયાએ આકાર લીધો. મને ખબર હતી કે મારા જેવા ઘણાં પિતાને આ સોંગ અપીલ કરશે અને તેઓ પોતાના બાળકોને એ સંભળાવશે. મારા જીવનની મોટાભાગની વાતોમાં અને એમાંય ખાસ કરીને મ્યુજિક અને ફિલ્મો સંદર્ભમાં હું અંતઃ પ્રેરણાથી દોરવાતો માણસ છું.'
હમણાં એક ઈવેન્ટમાં કેમુને મીડિયામાંથી પૂછાયું કે તમે હવે ડિરેક્ટર બની ગયા હોવાથી તમારો તમારા પરફોર્મન્સ પ્રત્યેનો અભિગમ ચોક્કસપણે બદલાઈ ગયો હશે. હવે તમે તમારા રોલને જુદી દ્રષ્ટિથી જોતા હશો, નહિ? એનો કુણાલે જે ઉત્તર આપ્યો એમાં એના નખશીખ પ્રોફેશનલિઝમની ઝલક વર્તાય છે, 'એનાથી ઉલ્ટું, હું હવે એક એક્ટર તરીકે સેટ પર બહુ રિલેક્સ રહી શકુ છું. હું હવે એવી કલ્પના જ નથી કરતો કે હું એક ફિલ્મમેકર તરીકે આ સીનને કઈ રીતે કચકડે કંડારત. મારી પોતાની ફિલ્મમાં મને એ બધુ વિચારવાની તક મળે છે પણ અહીં તો મારે ડિરેક્ટરને જોઈએ છે એ જ આપવાનું છે. મારા માટે મારી અંદરના ડિરેક્ટરને ચુપચાપ બેસાડવાનું બહુ ઈઝી છે.'
કુણાલની પત્ની સોહા અલી ખાન એનાથી ઉંમરમાં પાંચ વરસ મોટી છે. એની સાથેના ૧૧ વરસના દાંપત્યજીવનનો પ્રભાવ હોય કે પછી બીજા કોઈ કારણોસર કુણાલમાં એક પ્રકારની મેચ્યોરિટી આવી ગઈ છે. એને લીધે જ કદાચ એક્ટર-ડિરેક્ટર-સિંગરમાં એક પ્રકારનો અલિપ્ત ભાવ આવી ગયો છે. નવા નવા ક્ષેત્રોમાં હાથ અજમાવતી વખતે તેને એવો વિચાર નથી આવતો કે લોકો એ વિશે શું વિચારશે? દાખલા તરીકે, લોકો એને હળવા કોમેડી રોલમાં જ જોવા ટેવાઈ ગયા હતા અને એમાં એની બહોળી ક્રિએટીવ રેન્જ કોઈના ધ્યાનમાં ન આવી. એ વાતનું એને ખોટું નથી લાગતું? કુણાલના જવાબમાં એનો નિર્લેપ ભાવ વર્તાય છે, 'સાચું કહું તો મેચ્યોર થયા બાદ મને એક એવો મોટો લાભ થયો છે કે હવે હું કોઈ પણ વાતની ફરિયાદ કરતો બંધ થઈ ગયો છું. સાથેસાથ હું હવે એવું પણ નથી વિચારતો કે બીજાઓ મારા વિશે શું વિચારશે? હું જે કરું છું એ મને ગમે છે અને હું એ પ્રમાણે જ સર્જન કરતો રહીશ.'

