Chitralok : ક્રિકેટથી લઈને ઓસ્કાર સુધી: લગાન ફિલ્મ પાછળનો એવો ઇતિહાસ જે તમે નહીં જાણતા હોવ!

૨૫ માર્ચ ૨૦૦૨નો દિવસ હતો. ભારતીયો ટીવી પર કદાચ પહેલી વાર આટલી મોટી સંખ્યામાં ઓસ્કાર એવોર્ડ્સ જોઈ રહ્યા હતા. તમામની નજર આમિર ખાન એન્ડ કંપનીને શોધી રહી હતી. જેવા બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરીના એવોર્ડની વાત મંડાઈ, ભારતભરમાં પ્રાર્થનાઓ થવા લાગી. ૧૯૯૦ના દાયકામાં જેમ સચિન પાસે ભારતીય ટીમની જીતની આશા રાખવામાં આવતી. તેમ, આ વખતે આમિરના માથે જવાબદારી હતી. પરંતુ, અહીં નિરાશા મળી. 'ટીમ લગાન' નર્વસ નાઈન્ટિઝનો શિકાર બની. તે ૭૪મા એકેડમી એવોર્ડ્સમાં બોસ્નિયાની ફિલ્મ 'નો મેન્સ લેન્ડ' સામે હારી. ભલે, તે ઓસ્કાર ન જીતી શકી પરંતુ, ભારતીયોના દિલ તો ચોક્કસ જીતી. 'મધર ઈન્ડિયા' (૧૯૫૭), 'સલામ બોમ્બે' (૧૯૮૮) બાદ 'લગાન' ઓસ્કારમાં બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ માટે નામાંકિત થનારી માત્ર ત્રીજી ભારતીય ફિલ્મ બની. આજે ૨૫ વર્ષ બાદ પણ 'લગાન' દર્શકોના દિલો પર રાજ કરે છે.
ભુજમાં આખું ગામ તૈયાર કરાયું
ફિલ્મમાં ચંપાનેર નામનું એક ગામ બતાવવાનું હતું. આ ગામ એવું કે જ્યાં દુકાળ પડયો હોય. આ માટે ગુજરાતના કચ્છ જિલ્લામાં ભુજ નજીકના વિસ્તારને પસંદ કરવામાં આવ્યો. આ વિસ્તારમાં શૂન્યમાંથી સર્જન કરવામાં આવ્યું. ફિલ્મના સેટ પર ઝૂંપડા અને તેમાં એર કંડિશનર અને ટોયલેટની સુવિધા. ફિલ્મમાં એવું સુંદર મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું કે જે ભાગ્યે જ કોઈ હિંદી ફિલ્મમાં જોવા મળે. કચ્છમાં ધોમધખતા તડકામાં આઠ મહિના સુધી શૂટિંગ ચાલ્યું. આ સારું મેનેજમેન્ટ જ હતું, જેના કારણે કોઈને કપરી પરિસ્થિતિનો ખ્યાલ પણ ન આવ્યો. આ ફિલ્મ સાથે જોડાયેલો એક ભયંકર સંયોગ એ કે, 'લગાન'નું શૂટિંગ પૂર્ણ થયું એના છ મહિના બાદ ભૂજમાં વિનાશક ભૂકંપ આવ્યો. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ભુજ શહેર ધ્વસ્ત થઈ ગયું. જે ધરતીએ આ ફિલ્મને આશરો આપ્યો હતો તે ઘણા અર્થમાં બદલાઈ ગઈ. આ વિસ્તારની યાદો ફિલ્મની રીલમાં જ રહી.
ક્રિકેટ અને સિનેમાનું અનોખું મિલન
આમિરને ખબર હતી કે, ફિલ્મ જોવા જે જનરેશન પહોંચવાની છે તે એવી છે જે સચિન આઉટ થઈ જાય તો ટીવી બંધ કરી દે. હવે, આ જનરેશનને એવું મનોરંજન કંઈ રીતે આપવું કે જેમાં, છેલ્લા બોલ સુધી તેઓ થિયેટરની સીટમાં ચિપક્યા રહે? અને આ જંગ પણ જેવી તેવી ટીમ સામે નહીં પરંતુ, એવી ટીમ સામે કે જેની હારવાની શક્યતા નહીંવત છે. એક તરફ, ઈન્ટરનેશનલ લેવલની ટીમ અને બીજી તરફ, ગિલ્લી-દંડો રમતી ગામડાની જનતા કે જે પહેલી વખત ક્રિકેટ રમે છે. આ મેચમાં ભાવનાત્મક ફેક્ટર પણ છે. જીત સાથે કરવેરા માફ અને હાર સાથે ચાર ગણો કરવેરાનો બોજો. ટીમ જીતની નજીક આવે તો તેમાં પણ ટીમમાં દગાખોરની હાજરી. કહેવાય છે ને કે, 'માઝી જો નાવ ડુબોએ ઉસે કોન બચાયે..'પરંતુ, આ કહાણીમાં ઈશ્વરની કૃપાથી જીત મળે છે. અને તે પણ ઈશ્વરની કૃપા હોય ત્યારે મળે તેવી, ભવ્ય.
આમિર દ્વારા ટેકનોલોજીના ઉપયોગ પર ભાર
ટેકનિકલ દ્રષ્ટિએ ફિલ્મનું પ્રોડક્શન એટલું આધુનિક હતું કે તેની અવગણના ન કરી શકાય. 'લગાન' છેલ્લા ૩૦ વર્ષમાં સિંક્રોનાઇઝ્ડ સાઉન્ડ એટલે કે, લાઇવ સાઉન્ડ રેકોર્ડિંગ નો ઉપયોગ કરનારી પહેલી બોલિવૂડ ફિલ્મ હતી. તે સમયે મોટાભાગની ભારતીય ફિલ્મોનું ડબિંગ સ્ટુડિયોમાં એડીઆર દ્વારા થતું હતું, ત્યારે સિંક-સાઉન્ડ રેકોર્ડિંગ માટે જર્મનીથી ખાસ કેમેરો મંગાવવામાં આવ્યો હતો. કચ્છના શાંત રણમાં બે કિલોમીટર દૂર ચાલતો હેન્ડપંપ પણ સાઉન્ડ રેકોર્ડિંગ બગાડી શકતો હતો. ક્રૂ મેમ્બર્સે અવાજ કરતા આવા દરેક સ્ત્રોતને શોધીને બંધ કરાવવા પડતા હતા. વર્ષ ૨૦૦૦ના બોલિવૂડમાં આ સામાન્ય રીતે થતી ફિલ્મમેકિંગ નહોતી, આ તો કલાના નામે આમિરની એક પ્રકારની જીદ હતી.
નંદિતા દાસ, સોનાલી બેન્દ્રે, અમીષા પટેલ બાદ ગ્રેસી સિંઘની પસંદગી
આ ફિલ્મમાં સૌથી પડકાર જનક કામ તેની સ્ટારકાસ્ટને પસંદ કરવાનું હતું. ૧૮૯૩નો બ્રિટિશ શાસનકાળ. તેમાં પણ તેને મેળ ખાતી બોલી, કપડાં અને લૂક્સ. ગામડાની છોકરીના રોલ માટે સોનાલી બેન્દ્રે, નંદિતા દાસ, રાની મુખર્જી અને અમીષા પટેલ જેવા નામો પર વિચારણા કરવામાં આવી. ત્યારબાદ, ટીવી અભિનેત્રી તરીકે જાણીતી ગ્રેસી સિંઘની પસંદગી કરાઈ. ગ્રેસી સિંહ સિવાય બ્રિટિશ કલાકારોની પસંદગી પર ભાર મૂકવામાં આવ્યો. તેમાં મજાકિયા લાગતા કેરેક્ટરની જગ્યાએ સિરિયસ રોલ કરી શકે તેવા કલાકારોની પસંદગી કરવામાં આવી. રશેલ શેલી, પોલ બ્લેકથોર્ન અને બ્રિટિશ ઈન્ડિયન એક્ટર ટોબી સ્ટીફન્સ જેવા કલાકારોએ આ ફિલ્મમાં ચાર ચાંદ ઉમેર્યા.
10,000 એકસ્ટ્રા કલાકારો વચ્ચે આમિરનું આતી ક્યાં ખંડાલા
૨૦૦૦ની સાલ હતી. તેમાં પણ રણમાં કાળઝાળ ઉનાળો. 'લગાન'ના ક્લાઈમેક્સની ક્રિકેટ મેચનું શૂટિંગ કરવા માટે ભુજમાં ૧૦,૦૦૦ કલાકારો ભેગા થયા હતા. ગરમી આમ પણ થકવી નાખનારી હોય તેમાં પણ, આટલા બધા કલાકારોને કલાકો સુધી ઉત્સાહિત રાખવાનું કામ લગભગ અશક્ય હતું. આ દરમિયાન ગોવારીકરે આમિરને ઈશારો કર્યો અને કહ્યું કે, આ ભીડ જો બેકાબૂ થઈ તો ભારે પડશે. આમિરે પરિસ્થિતિ સંભાળતા માઈક હાથમાં લીધું. અને દસ હજાર કલાકારોની ભીડને મફતમાં 'આમિર ખાન લાઈવ ઈન કોન્સર્ટ' જોવા મળ્યો. આમિરે સૌથી પહેલા જ તેનું સુપરહિટ ગીત 'આતી ક્યાં ખંડાલા' ગાતા જ ભીડ ઝૂમવા લાગી. એક સારા ડિરેક્ટરની નિશાની કે તે કોઈ અભૂતપૂર્વ ક્ષણને કેમેરામાં કેદ કરી લે. તેમ, ગોવારીકરે આ દ્રશ્યનો વીડિયો લીધો. આ ફૂટેજનો ઉપયોગ ફાઈનલ કટમાં બ્રિટિશરો સામે જીતની ઉજવણી કરતા ગ્રામજનોના રિએક્શન શોટ્સ તરીકે કરવામાં આવ્યો. આમ, સામાન્ય માણસ વિચારી ન શકે તેવી કલ્પનાનો ઉપયોગ અદભુત સીનને તૈયાર કરવા માટે કરાયો.
કલાકારો દ્વારા ગાયત્રી મંત્રનું રટણ
હિંદુ શાસ્ત્રોમાં અનેક મંત્રો છે. તેમાં દરેક મંત્રની એક ખાસિયત. ગાયત્રી મંત્ર વિશે કહેવાય કે, તે મનને શાંતિ આપે. આમિર ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'અમે, જ્યારે બસમાં મુસાફરી કરતા ત્યારે અખિલેન્દ્ર મિશ્રા ગાયત્રી મંત્ર વગાડતા હતા. ઘણા ફિલ્મના કલાકારો એવા હતા કે, જેઓ ઈંગ્લિશ ગીતો સાંભળવાનું પસંદ કરતા. પરંતુ, હું ગાયત્રી મંત્ર સાંભળવા પર ભાર મૂકતો. આ મંત્રથી મનને એકાગ્ર કરવાની શક્તિ મળે છે.' હવે, શક્ય છે કે આ વાત તમને માનવામાં ન આવી હોય. ગૂગલ પર જવું. લગાન પ્લસ ગાયત્રી મંત્ર પ્લસ આમિર ખાન સર્ચ કરી લેવું. એટલે, સમસ્યાનું સમાધાન.
રહેમાન અને જાવેદ અખ્તરનો જાદુ
એ.આર. રહેમાને અનેક ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું. પરંતુ, 'લગાન' કંઈક ખાસ છે. જાવેદ અખ્તરે લખેલા ગીતો સાથેના આલ્બમમાં છ ગીતો અને બે ઈન્સ્ટ્રુમેન્ટલ પીસ છે. રહેમાને આમાં સંગીતની અનેક પરંપરાઓ વણી લીધી છે. 'રાધા કૈસે ના જલે..' ગીત આંશિક રીતે રાગ ભીમપલાસી પર આધારિત છે. જ્યારે 'ચલે ચલો' રાગ જોગ પર આધારિત છે. આ ફિલ્મમાં લોક સંગીત, ભારતીય શાસ્ત્રીય સંગીત અને બોલિવૂડના તડકાનું અનોખું મિશ્રણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના હિટ ગીત 'ચલે ચલો'ના નામ પ્રમાણે ગુણ છે. જેમ જેમ, ગીત પર કામ ચાલતું ગયું તેમ તેમ તે બદલાતું ગયું. તેનું છેલ્લું રૂપ પહેલા કરતા બિલ્કુલ અલગ જ હતું.
25 વર્ષ અને ખાસ શીખ
આ ફિલ્મની ગણના ભારતની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાં થાય છે. આજે તેને ૨૫ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે, આ ફિલ્મ આપણને ઘણું બધું શીખવાડી જાય છે. પહેલી વાત તો એ કે, સપનાં જુઓ. અને તે પણ ખુલ્લી આંખે. આશુતોષ ગોવારીકરે 'સીઆઈડી'ના શૂટિંગ વખતે સપનું જોયું. જેટલો સમય મળ્યો તેટલું તેના પર કામ કર્યું. બીજું, એ કે આ સપના પાછળ જીવ રેડી દો. ગોવારીકર માટે આ સપનું છોડી દેવું આસાન હતું. પરંતુ, તેમણે એવું કર્યું નહીં. બાકી, આજે પણ તેઓ 'સીઆઈડી' જેવી અન્ય કોઈ સિરિયલમાં એવા રોલ કરતા હોત જેની કોઈએ નોંધ સુધ્ધા લીધી ન હોત. આ છેલ્લી લાઈનમાં ત્રીજી શીખ પણ છે. એવી જગ્યાએ કામ ન કરવું જ્યાં તમારા કામની કોઈ કદર ન હોય. અને છેલ્લું એ કે, હીરાની પરખ માટે એક ઝવેરીની નજર જોઈએ. આ તો આમિરની નજર હતી કે, જેણે ૧૮૯૩માં અંગ્રેજોનો સમય, દુકાળ, લગાન અને લગાન માફ કરાવવા માટે ક્રિકેટ મેચના કોન્સેપ્ટને સ્વીકાર્યો. બાકી, તો આવા કેટલાય કોન્સેપ્ટ ધૂળ ખાતા હોય છે. એટલે જ તો, અલ્લામા ઈકબાલે કહ્યું છે કે, 'હઝારો સાલ નરગિસ અપની બે-નૂરી પે રોતી હૈ, બડી મુશ્કિલ સે હોતા હૈ ચમન મેં દીદાવર પૈદા..'

