Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Keep the heat away with a pair of sandals! Find out what's hot in the current fashion for summer.

Sahiyar: ગરમીને રાખો બાર ગાઉ દૂર! જાણો હાલની ફેશનમાં શું છે સમર સેન્સેશનલ

Timeછેલ્લું અપડેટ : 14 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar: ગરમીને રાખો બાર ગાઉ દૂર! જાણો હાલની ફેશનમાં શું છે સમર સેન્સેશનલ
સોર્સ : GSTV

કહેવાય છે ને એક નૂર આદમી હજાર નૂર કપડાં, એક સમયે કપડાંની જરૂરિયાત માત્ર શરીર ઢાંકવા પૂરતી જ મર્યાદિત હતી, ત્યારે ન તો કાપડની ગુણવત્તા પર ધ્યાન આપવામાં આવતું હતું કે ન તો બહુ બધા રંગો અને ડિઝાઇનો પ્રચલિત હતા, પરંતુ જેમ જેમ યુગ બદલાતો ગયો સમયની માગ મુજબ ક્રમશ: કાપડની ગુણવત્તાનો વિકાસ થવા લાગ્યો. તનને આરામ આપવાની સાથોસાથ મનને આકર્ષિત કરનાર રંગો અને ડિઝાઇનોનો જાદુ ચોમેર છવાઇ ગયો. બસ, અહીંથી જ ફેશનનો દોર શરૂ થયો. નવા-નવા મટીરિયલ, રંગો અને ડિઝાઇનોને લીધે હવે જીવનમાં કપડાંનું મહત્ત્વ વધી ગયું છે. આ બધાને લીધે ફેશનેબલ છોકરીઓની ઘેલછા સંતોષવા માટે ફેશન ડિઝાઇનરોની લાઇન લાગી ગઇ છે. જેઓ કાયમ ફેશનના નવા આયામ લઇને પ્રસ્તુત થાય છે.

App Store

આ જ કડીને આગળ જોડી રહ્યા છે ભારતના નાના મોટા ફેશન ડિઝાઇનરો. તેમણે હોઝિયરી મટીરિયલમાંથી નવીન અને સુંદર વસ્ત્રો બનાવીને ફેશન જગતમાં ધૂમ મચાવી દીધી છે. વિવિધ સ્ટાઇલના સલવાર-કમીઝ, મીની સ્કર્ટ, લોંગ સ્કર્ટ, પાર્ટી ડ્રેસિસ, મેક્સી, ઇવનિંગ ડ્રેસિસ વગેરે મરુન, પીળા, લીલા, બ્રાઉન, વાદળી અને બ્લેક એન્ડ વ્હાઇટના કોમ્બિનેશનમાં મન મોહી લે છે. એક ડિઝાઇનર કહે છે, ''આજે લોકોમાં ડ્રેસ ડિઝાઇનિંગ બાબતે ખૂબ જાગૃતિ આવી છે. ટી.વી. ફિલ્મ અને ફેશન મેગેઝિનોની ઘેરી અસર વર્તાય છે. હવે પહેલાં જેવું નથી રહ્યું કે જે બનાવ્યું તે વેચાઇ ગયું. હવે તો ગ્રાહકો રંગ, ડિઝાઇન અને મેચિંગની ચર્ચા કરે છે. એટલે જ ડિઝાઇનરોએ પણ લોકોની પસંદ પ્રત્યે જાગ્રત રહેવું પડે છે.

જોકે ફેશન શોમાં જે ફેશન ડિસ્પ્લે થાય છે અથવા ફિલ્મોમાં જે વસ્ત્રો પહેરાય છે તે રોજિંદા જીવનમાં પહેરી શકાય એવાં નથી હોતાં, પણ એમાંથી કાપડ, રંગ, ડિઝાઇન અને વર્ક વિશે જોઇને ઘણું નવું કરી શકાય છે.''

આજે પણ આપણા દેશમાં ભારતીય પોશાકની અસર વધારે જોવા મળે છે. લોકો પશ્ચિમી પરિધાનની વાત જરૂર કરે છે. પરંતુ તેને જલદી અપનાવતા નથી. ગુજરાતમાં આવા વસ્ત્રોની માગ નથી. જોકે વસ્ત્રોની ખરીદીમાં વિસ્તાર મુજબ ઘણો ફેર દેખાય છે. હોઝિયરી મટીરિયલનાં વસ્ત્રો અન્ય કરતાં મોંઘા જરૂર હોય છે. પરંતુ લોકોમાં તેનો ક્રેઝ વધારે હોવાને લીધે અવનવી ફેશન માર્કેટમાં લાવવા ખાસ સંઘર્ષ કરવો પડતો નથી.

આજકાલ સમર સેન્સેશનલ રંગોમાં રોયલ બ્લ્યુ, ગ્રે, મસ્ટર્ડ, મરુન, ગ્રીન અને લાઇટ લેમન હોટ ફેવરીટ છે. નવયુવતીઓના વોર્ડરોબમાં સ્ટ્રાઇપ કોમ્બિનેશનમાં સલવાર- કમીઝ અને ટીનેજર્સ પાસે શોર્ટ ટોપ, સ્કર્ટ, ટી શર્ટ જરૂર હોવા જોઇએ.

'ફેશનની દુનિયામાં ગમે તેટલી ક્રાન્તિ કેમ ન આવે, પરંતુ આ ચક્ર તો નિરંતર ચાલતું જ રહે છે. 'એવું એક બુટિકના સંચાલક બહેન કહે છે. છેલ્લાં ૨૭ વર્ષથી ફેશન ડિઝાઇનિંગના વ્યવસાયમાં ડૂબેલાં આ બહેને જણાવ્યું, ''૨૫ વર્ષ પહેલાં શોર્ટ કુરતા અને ટાઇટ્સની ફેશન હતી. પછી વચ્ચે થોડાં વર્ષો સુધી ફ્લેયર અને ૧૮-૨૦ કળીવાળા કુરતાની ફેશન આવી, હમણાં ફરી પાછી ટાઇટ ફિટિંગની ફેશન પ્રચલિત થઇ છે. આમ છતાં ટીનેજર્સ અને નવયુવતીઓ પોતાની અલગ ઓળખ ઊભી કરવા ઇચ્છે છે. મારી એક ગ્રાહકે એકવાર મને કહ્યું, ''હવે તો મમ્મી પણ સલવાર-કમીઝ પહેરે છે અને દાદીમા પણ પહેરે છે, તો પછી હું શું કામ ન પહેરું? મારે તેમનાથી અલગ દેખાવું છે.' એના પરથી સાબિત થાય છે કે તેઓ પોતાનું વ્યક્તિત્વ આકર્ષક બનાવવા માગે છે અને એમાં ખોટું પણ શું છે મને લાગે છે આજે દેખાતા નવા-નવા રંગોની આટલી વિશાળ શ્રેણીનું કારણ પણ કદાચ આ જ હશે.''

''આમ છતાં આજે પણ લોકોને ટ્રેડિશનલ ડ્રેસિસ અને ફેબ્રિક્સ જ વધારે પસંદ છે. આજે પણ ડિઝાઇનર સાડી અને સલવાર કમીઝની માગ વધારે જોવા મળે છે. કોલેજ જતી છોકરીઓ ભલે ને જીન્સ ટોપ કે સ્કર્ટ પહેરતી હોય, પરંતુ ઉત્સવો પર કે લગ્ન જેવા પ્રસંગોએ તેમને પણ ટ્રેડિશનલ ચણિયા- ચોળી, ભારે ભરતકામવાળા સલવાર- કમીઝ અને ટ્રેડિશનલ સાડી વધારે ગમે છે. આજે ટીવી, ઇન્ટરનેટના જમાનામાં છોકરીઓ ફેશન બાબતે ખૂબ જાગ્રત થઇ ગઇ છે. હવે પહેલાં જેવી વાત નથી જોવા મળતી કે મમ્મીએ જે પહેરાવ્યું તે પહેરી લીધું. હવે મમ્મી કરતાં તેમની પસંદગી જુદી હોય તેવું પણ બને છે. વળી, હવે તો ૫૦-૬૦ વર્ષની સ્ત્રીઓ પણ ડિઝાઇનર વેયર પહેરવા ઇચ્છે છે.''

આમ તો સમર સેન્સેશનમાં હળવા રંગોની સુતરાઉ સાડીઓ અને પ્રિન્ટેડ સલવાર કમીઝ જ છે. તેમ છતાં ટીનેજર્સ બધાંથી અલગ દેખાવા માટે શોર્ટ સ્કર્ટ અને ટોપ પહેરી શકે છે. અલબત્ત મર્યાદામાં રહીને જ, સમર પાર્ટીમાં ડીપ કટ્સ બ્રોડ શોલ્ડર્સ, મીની ડ્રેસિસ અને મેક્સી પહેરી શકાય છે. સામાન્ય રીતે ઉનાળામાં પેસ્ટલ શેડ્સ વધારે પ્રચલિત હોય છે. પરંતુ આ વખતે લેમન કલરની બોલબાલા છે. વળી, બ્લેક એન્ડ વ્હાઇટ કોમ્બિનેશન તો ઉનાળામાં દરેકના આકર્ષણનું કેન્દ્ર હોય છે જ.

હવે સમર સેન્સેશન ભલે ને પેસ્ટલ કલર્સ જ કેમ ન હોય, પરંતુ સેજલ પરીખને તો આ મોસમમાં પણ ફ્રેશ અને સ્પાઇસી રંગો જ વધારે આકર્ષિત કરે છે, 'ફેશન ડિઝાઇનિંગના ક્ષેત્રે આજે મીડિયાની ઘેરી અસર વર્તાય છે, ખાસ તો ટીનેજર્સ અને નવયુવતીઓ પર વધારે પ્રભાવ જોવા મળે છે. તેમને વેસ્ટર્ન દેખાવા કરતાં- ઇન્ડોવેસ્ટર્ન સ્ટાઇલ વધારે ગમે છે. જેમ કે જીન્સ પેન્ટ ઉપર શોર્ટ કુરતા વગેરે. માર્કેટમાં આજે તો બહુ બધા નવા-નવા રંગો જોવા મળે છે. કદાચ- એટલે જ ફેશન પ્રત્યે લોકોનું આકર્ષણ વધી ગયું છે.''

ફેશન ડિઝાઇનરો આ ઉનાળામાં તેમના ડ્રેસિસમાં નવા અને ખુલતા રંગોનો પ્રયોગ કરી રહ્યાં છે, જેમાં ટેન્જી ઓરેન્જ, ટેન્જીયલો, ટેન્જીગ્રીન મુખ્ય છે. આ બધા ચમકતા રંગો છે, પેસ્ટલ કલર્સ નથી, પરંતુ આકર્ષક છે જે તમને ઠંડક આપે છે અને મનને લોભાવે પણ છે. તેઓ પિંક અને પીચ તથા યલો અને ઓરેન્જના કોમ્બિનેશમાં સલવાર કુરતા ડિઝાઇન કરી રહ્યાં છે. તેમના મતે આ પણ સમર સેન્સેશન જ છે. સમરની પાર્ટીમાં ક્રેપ સિલ્ક અને શિફોનનું આકર્ષણ ખૂબ હોય છે. તેમાં ટ્રેડિશનલ ડિઝાઇનર વેયર ખૂબસૂરત લાગે છે.

સમર સેન્સેશનલ રંગોમાં લાઇટ બ્લ્યુ એન્ડ વ્હાઇટ વધારે આકર્ષિત કરે છે અને પાર્ટીમાં તો લાઇટ પિંક અને પીચ એન્ડ વ્હાઇટ કે ઓફ વ્હાઇટ કોમ્બિનેશન મનને મોહે છે. એવું પારુલબહેન કહે છે. છોકરીઓના વોર્ડરોબમાં સમર કલેકશન માટે લખનવી સલવાર કમીઝ અને કોટન ફેબ્રિકમાં ચેક્સ, સ્ટ્રાઇપ્સ, સ્ટ્રેટ કટના વસ્ત્ર પરિધાન પોતાના શારીરિક બાંધા મુજબ ચોક્કસ હોવા જોઇએ.

નવી સદીની ફેશન પણ નવી છે. નવા-નવા ઢગલાબંધ રંગો પણ છે. ડિઝાઇનોની મોહિની માયા ચોમેર ફેલાયેલી છે. લોકો આકર્ષિત થાય છે ખરી, પણ છેતરાતા નથી. આ જ કારણ છે કે આજે ફેશન ડિઝાઇનરો પણ નવી-નવી ડિઝાઇનો બનાવવામાં ગળાડૂબ રહે છે. હવે તો ગૃહિણી હોય કે નવયુવતી કે પછી કિશોરી બધાંના વોર્ડરોબમાં સમર સિલેક્શન, વિન્ટર કલેક્શન અને રેઇની વેયર માટેની ખાસ જગ્યા બની જ ગઇ છે. બદલાતી ફેશનથી કોઇ બચી શક્યું છે ખરું ?