Gadar VS Lagaan: બોક્સ ઓફિસ પર સર્જાયેલા સૌથી મોટા મહામુકાબલાના 25 વર્ષ, જાણો કઈ ફિલ્મે કરી હતી વધારે કમાણી

હિન્દી સિનેમામાં માઇલસ્ટોન ગણાતી બે ઐતિહાસિક ફિલ્મો 'ગદર: એક પ્રેમ કથા' અને 'લગાન' એ હમણાં ૧૫મી જૂને રિલીઝના ૨૫ વરસ પૂરા કર્યા. એક જ દિવસે રિલીઝ થઈને સુપરડુપર હિટ થયેલી જૂજ મૂવીઝની યાદીમાં 'લગાન' અને 'ગદર' સામેલ છે. બંને ફિલ્મોના મેકર્સે સિલ્વર જ્યુબિલીની શાનદાર ઉજવણી કરી. એ પ્રસંગે 'ગદર' અને 'લગાન' વિશેની અમુક જાણીતી અને અમુક નવી વાતો મમળાવવા જેવી ખરી:
રિલીઝ પહેલાંનો સિનારિયો:
ફિલ્મમેકર અને ટ્રેડ એક્સપર્ટ ગિરિશ જોહરને બરાબર યાદ છે કે 'ગદર' ફિલ્મ રિલીઝ પૂર્વે ખાસ્સી ચર્ચામાં હતી. એના ગીતો લોકપ્રિય થઈ ગયા હતા અને લોકોને ફિલ્મથી મોટી આશા બંધાઈ ગઈ હતી. એની સરખામણીમાં 'લગાન' શરૂઆતમાં ઘણી પાછળ હતી. લોકોને 'લગાન'ના પ્રમોશનલ મટીરિયલ પરથી ખ્યાલ નહોતો આવ્યો કે ફિલ્મની સ્ટોરી શું છે. ફિલ્મના પોસ્ટરમાં ૧૧ જણને ગામઠી વસ્ત્રોમાં ઊભા રાખી દેવાયા હતા. વળી, 'ગદર'ના ડિરેક્ટર અનિલ શર્મા 'લગાન'ના સુકાની આશુતોષ ગોવારિકર કરતાં સફળ ડિરેક્ટર પુરવાર થઈ ચૂક્યા હતા. આ બધી વાતો 'ગદર'ની ફેવરમાં જતી હતી.
જોહરના જણાવ્યા મુજબ 'લગાન'નો અસાધારણ રનિંગ ટાઈમ પણ ચિંતાનો વિષય હતો. મૂવી ત્રણ કલાકથી વધુ લાંબી હોવાથી થિયેટરોમાં એના સીમિત શો જ રાખી શકાતા હતા. ફિલ્મમાં એક ઇન્ટરવલ રાખવું કે બે, એને લઈને પણ કન્ફ્યુઝન હતું. બંને ફિલ્મની ટક્કર બહુ એકસાઇટિંગ હતી અને એક્ઝિબિટર્સ (સિનેમામાલિકો) બંને મૂવીઝ પ્રદર્શિત કરવા આતુર હતા. જો કે એ જમાનામાં સિંગલ-સ્ક્રીન થિયેટરોમાં શો શેરિંગ કોમન નહોતું, એટલે કઈ ફિલ્મ બતાવવી એ નક્કી કરવાનું મુશ્કેલ બની ગયું હતું. પરંતુ એ બધી વાતો હવે મધુર સંસ્મરણો બની ગઈ છે.
બંનેમાં દેશપ્રેમની સ્ટોરી:
સિનેમા ઓનર્સ એન્ડ એક્ઝિબિટર્સ અસોસિએશન ઓફ ઇન્ડિયાના માજી પ્રમુખ નીતિન દાતારના જણાવ્યા મુજબ, શરૂઆતના વીક્સમાં સિંગલ સ્ક્રીન થિયેટરો 'ગદર'ને વધુ શોઝ ફાળવવાનું પસંદ કરતા હતા. એનું કારણ આપતાં તેઓ કહે છે, "'ગદર' એક એક્શન ફિલ્મ હતી જેનો નાયક એકલા હાથે પાકિસ્તાનની પોલીસ અને તેના નેતાઓ સામે ઝઝૂમે છે. લોકો થિયેટરોમાં વારંવાર 'ભારત માતા કી જય'ના નારા લગાવતા. 'લગાન'માં પણ દેશદાઝ હતી પણ એનું સ્વરૂપ અલગ હતું. એમાં નાયક અને ગામવાસીઓની લડત બ્રિટિશ શાસન સામે હતી. એમાં ક્રિકેટ મેચથી બ્રિટિશ હુકુમતને પડકારાઈ હતી. 'ગદર'ની જેમ 'લગાન'માં ડાયરેક્ટ એક્શન નહોતી. પરંતુ અંતે બંને ફિલ્મોએ મોટો બિઝનેસ કર્યો."
બોક્સ ઓફિસના આંકડા:
- 'ગદરઃ એક પ્રેમ કથા': રૂા. ૧૩૫ કરોડનો વર્લ્ડવાઈડ બિઝનેસ કર્યો હતો.
- 'લગાન': દુનિયા આખીનો વકરો રૂા. ૭૫ કરોડ હતો.
'લગાન' એની ૨blockમી એનિવર્સરીની ઉજવણીરૂપે ૧૨, ૧૩ અને ૧૪ જૂને માત્ર ત્રણ દિવસ થિયેટરોમાં રી-રિલીઝ કરાઈ હતી. જ્યારે 'ગદર'એ ૨૦૨૩માં એની રી-રિલીઝમાં પણ એક રેકોર્ડ કર્યો હતો. ભારતમાં રી-રિલીઝ થયેલી હિન્દી ફિલ્મોમાં એણે સૌથી વધુ બિઝનેસ કર્યો હતો.
'લગાન'ની ખાસમખાસ વાતો:
એ આમિર ખાન પ્રોડક્શન્સની પહેલી ફિલ્મ હતી. આમિરે 'લગાન'માં પોતાની બધી મૂડી દાવ પર લગાવી દીધી હતી. એ એક જુગાર જ હતો, કારણ કે જાવેદ અખ્તર જેવા સિનેમાના અભ્યાસુએ સ્ક્રિપ્ટ સાંભળ્યા બાદ એને આ ફિલ્મ ન બનાવવાની સલાહ આપી હતી.
કદાચ બહુ ઓછા લોકો જાણે છે કે 'લગાન' સિંક સાઉન્ડનો ઉપયોગ કરી શૂટ કરાયેલી પહેલી હિન્દી ફિલ્મ હતી. સરળ શબ્દોમાં કહીએ તો શૂટિંગ દરમિયાન જ એના ડાયલોગ્સ અને સાઉન્ડ રેકોર્ડ કરાયા હતા (ડબિંગ નહોતું કરવું પડ્યું).
'લગાન' વિશ્વના વિવિધ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં દર્શાવાઈ હતી. વળી, એ ૨૦૦૧ના ઓસ્કારમાં વિદેશી ભાષાની બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. ઓસ્કાર્સમાં નોમિનેટ થયેલી એ પહેલી હિન્દી કમર્શિયલ ફિલ્મ હતી.
સામાન્યપણે એવોર્ડ શોઝમાં હાજરી ન આપતા આમિરે 'લગાન' માટે ઓસ્કાર એવોર્ડ મેળવવા યુએસમાં દિવસો સુધી ધામા નાખ્યા હતા. ફિલ્મના પ્રચાર માટે એજન્સીઓ રોકીને ખાને લખલૂટ ખર્ચ કર્યો હતો, છતાં એની આશા પૂરી ન થઈ.

