Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Fashion that suits the culture

Sahiyar : સંસ્કૃતિને શોભે તેવી ફેશન: આપણી ઓળખ, આપણી શાન

Timeછેલ્લું અપડેટ : 21 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : સંસ્કૃતિને શોભે તેવી ફેશન: આપણી ઓળખ, આપણી શાન
સોર્સ : gstv

- અવન્તિકા

App Store

સ્ત્રીઓ  વિષે  એવી ફરિયાદ થાય છે કે, ક્યાંક બહાર  જવાનું હોય ત્યારે તૈયાર થવામાં ે બહુ વાર  લગાડે છે. આમ તો કપડાં  ખરીદવાથી માંડીને પેહરવાની  બાબતમાં ભવના ભવ વીતાવી દેતા, ઘરમાંથી બહાર નીકળતી વખતે દસ વાર અરીસામાં  જોતા અનેક પુરુષોને હું ઓળખું છું. પણ  સંખ્યાની  દ્રષ્ટિએ જોઈએ તો એવા પુરુષોની તુલનાએ, એ પ્રકારની  સ્ત્રીઓ વધુ હોય  છે એ સ્વીકારવું પડે. પરંતુ સ્ત્રીને  તૈયાર થવામાં  વધુ સમય લાગે, એમાં એમનો કોઈ વાંક નથી.  કારણ કે એની પાછળ કારણો  ઘણાં  છે. પહેલી  વાત તો એ કે, પુરુષની સરખામણીએ એણે વધુ કપડાં  પહેરવાના   હોય છે. ગણી જુઓ. પછી વાત આવે ઘરેણાં  અને  મેકઅપની.   દરેક પ્રેમી અને પતિ ઈચ્છે કે એની પાર્ટનર સુંદર લાગે, પોતે ભલે હનુમાનની સેનાનો  સભ્ય લાગતો હોય. સ્ત્રીઓ પોતે હોય એનાથી વધુ સુંદર લાગવા માટે મથવુ પડે,  એમાં સમય જાય કે નહીં?

ઘણીવાર પતિની ઈચ્છા સામાજિક પ્રથા અને અપેક્ષાઓ  આમાં  ભાગ ભજવી જાય છે. પરંપરાગત પરિણીત હિન્દુ સ્ત્રીઓ કપાળે ચાંદલો કર્યા વિના બહાર નીકળે તો જોનારના ભવાં  તણાય. ઘણી જગ્યાએ પોતાનો પતિ જીવીત હોવાની ખાતરી આપવી પડતી હોય, એમ સ્ત્રીઓ સતત માથામાં સિંદૂર પૂરી રાખે છે.  એમના માટે  હાથમાં બંગડી પહેરવાનું  લગભગ ફરજીયાત છે અને ક્યારેક તો ગૃહિણીએ  શું પહેર્યું  છે,  નથી પહેર્યું એના  પર એના પતિની જ નહિ, આખા પરિવારની  પ્રતિષ્ઠા જાણે ટકી કે ગબડી  જાય છે. લગ્નપ્રસંગે સાદી સાડી કે ઓછાં આભૂષણ પહેરનારી ગૃહિણી વિષે જાતજાતની  શંકા- કુશંકાઓ સેવાય. પૈસાદાર ઘર એ કહેવાય, જેની સ્ત્રી સભ્યો  શુભ-અશુભ પ્રસંગે દાગીનાની  દુકાન બનીને  બહાર નીકળે. દાઝી ગયેલા હાથ પર  સિસકારા ભરીને બંગડીઓ ચઢાવતી, ગળામાં  કોઈ ઈજા કે એલર્ર્ર્ર્જી થઈ હોય તોયે પરાણે  માળા કે મંગળસૂત્ર પહેરતી, લચી પડેલા કાનમાં વજનદાર બુટ્ટી કે ઝુમ્મર લટકાવતી   સ્ત્રીઓને આપણે બધાએ જોઈ છે. આટલી મજૂરી કરવી પડતી હોય, ત્યારે સ્ત્રીને તૈયાર થવામાં વાર લાગે  કે નહીં?

સ્ત્રીએ શું પહેરવું- ન પહેરવું,  એ વિષયમાં પિતા કે પતિની ઈચ્છા, પરિવારની પ્રતિષ્ઠા સમાજના નિયમો જાણે ઓછા પડતા  હોય,  એમ  વારતહેવારે દુનિયાભરના  ધર્મગુરુઓ, રાજકારણીઓ, અરે, ક્યારેક તો આખીને આખી સરકાર પણ એમાં ઝુકાવતી રહે છે. ઘણી વાર તો એક દેશમાં જે નિયમ હોય, એ  બીજા દેશમાં અપરાધ બની જાય  છે. મુસ્લિમ દેશોમાં  સ્ત્રીઓ માટે પગથી માથા સુધીનું  શરીર, ઘણી જગ્યાએ તો ચહેરો પણ  ઢંકાઈ રહે એવા કપડાં પહેરવાનું ફરજીયાત છે, એ સહુ જાણે છે. પરંતુ પશ્ચિમના  ઘણા દેશોએ આવાં કપડાં બુરખા પહેરવા પર કાનુની  પ્રતિબંધ મૂક્યો છે.

પોતાને  બહુ મોડર્ન, સાંપ્રદાયિક  ગણાવતી ફ્રેન્ચ સરકારે તો  હમણાં  હદ  કરી નાખી. એમને અંગપ્રદર્શન નહિ, અંગ ઢાંકવા  સામે વિરોધ છે. દરિયાકિનારે આખું તો નહીં, પણ પોણા ભાગનું શરીર ઢંકાય એવો સ્વીમસૂટ (જેને  બુકીની  કહેવાય છે) પહેરતી સ્ત્રીઓને પકડીને એમણે દંડ ફટકારવાનું  શરૂ કરી દીધું. સત્તાધીશોને  મન  આ મુસ્લિમ  ટ્રેડિશન છે, જે ન ચલાવાય. મુસ્લિમો જ નહિ, દરેક  ધર્મના ઉદારમતવાદી લોકોએ આની સામે વિરોધ કર્યો.  

ફ્રેન્ચ સરકારને સ્ત્રીઓની બિકિની નથી ગમતી, તો ઈઝરાયેલ સરકારને હમણાં બિકીની સામે વાંધો પડી ગયાના સમાચાર આવ્યા છે. ત્યાંની  જાણીતી ટીવી સ્ટાર, એક જગ્યાએ શોર્ટ્સ પર બિકિની   ટોપ અને ખુલ્લું શર્ટ પહેરીને  પર્ફોર્મન્સ આપી રહી હતી. ત્યાં અધવચ્ચે આયોજકોએ એને 'સરખા' કપડાં પહેરવાની સૂચના આપી.  એમને આ ચેતવણી સરકારના  ખેલકૂદ અને સાંસ્કૃતિક વિભાગ તરફથી મળી હતી. એમણે હવે સ્પષ્ટ કર્યું   છે કે સરકાર દ્વારા સ્પોન્સર થતા કાર્યક્રમમાં કલાકારો અંગપ્રદર્શન થાય એવા વસ્ત્રો નહિ  પહેરી શકે. નેચરલી, કાયદો સ્ત્રીઓને  લાગુ પડશે.

આપણે  ત્યાં તો સ્ત્રીનાં કપડાંની બાબતે છાશવારે બેવકૂફ જેવાં વિધાનો  થાય છે, વિવાદો સર્જાય છે. ઘણાં  લોકો કહે છે કે સ્ત્રીઓ સાથે થતી છેડતી, બળાત્કાર જેવા અપરાધો  માટે સ્ત્રીઓ  સાથે કોઈ અત્યાચાર થાય જ નહિ.

વેસ્ટર્ન  સ્ટાઈલના  કપડાં પહેરતી છોકરીઓ સામે તો  એમને કોણ જાણે  શું વાંધો છે? કેન્દ્રના  એક પ્રધાને  હમણાં કહ્યું (અને પછી હંમેશની જેમ ફેરવી તોળ્યું)  કે, વિદેશી સ્ત્રીઓએ ભારતમાં  સ્કર્ટ જેવા કપડાં પહેરીને ફરવું ન જોઈએ,  કારણ  ભારતીય સંસ્કૃતિ એને અનુરૂપ નથી, અને એમાં એમની  જ સલામતી જોખમાય છે. ઉજ્જૈનના એક મોટા જૈન મંદિરમાં જીન્સ, કેપ્રી, સ્કર્ટ પહેરીને આવતી છોકરીઓના પ્રવેશ  પર પ્રતિબંધ મુકાયો છે. ટ્રસ્ટીના   કહેવા પ્રમાણે આવા કપડાંથી જૈનોની ધાર્મિક ભાવનાને ધક્કો પહોંચે છે. (આ એમના શબ્દો છે) એમણે  સ્ત્રીઓને (પુરુષોને નહિ) ભારતીય સંસ્કૃતિને છાજે. એવા કપડાં  પહેરવાની વિનંતી  કરી છે.

માનીનય ગુરુજી, મંત્રીજી, એક સ્ત્રી તરીકે મારો પ્રશ્ન  એ છે કે, ક્યાં કપડાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મને અનુરૂપ કહેવાય? ગુજરાતી સ્ત્રીઓ સાડી પહેરે છે, પંજાબીઓ સલવાર કમીઝ, ખ્રિસ્તીઓ ફ્રોક અને સ્કર્ટ પહેરે છે. ઈશાન ભારતમાં લોન્ગ સ્કર્ટ  છે, તો છત્તીસગઢના આદિવાસી વિસ્તારોમાં  હજીયે બ્લાઉઝ  વિના ફરતી મહિલાઓ છે. આમાં ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કોણ  કરે છે? વર્ષોથી જો કે આપણે સાડી પર 'ઈન્ડિયન ડ્રેસ,  ભારતીય સંસ્કૃતિ' નો સિક્કો મારી દીધો છે. પરંતુ   તમે કહો, સાડી ભલે  બહુ સુંદર પહેરવેશ હોય પણ ખરેખર એમાં અંગપ્રદર્શન નથી થતું? કમર ખુલ્લી નથી રહેતી? નીચે ઝુકીને મંદિરમાં  પ્રાર્થના કરતી  કે બજારમાં   શાક લેતી સ્ત્રીઓ કેટકેટલા લોકોને નયનસુખ આપતી હોય છે? એ ચાલે, પણ બંધ ગળાનું  ટી-શર્ટ નહિ, આ નિયમ પાછળ કયું લોજીક હશે? સંસ્કૃતિની કઈ સમજ કામ કરતી હશે?

અને હા, હમણાં  હું ગ્રીસ જવાની તૈયારી કરી રહી છું. ત્યારે  મારા ગાઈડે મોકલેલો  મેસેજ મળ્યો  છે કે, અમુક ઓર્થોડેક્સ  ચર્ચમાં  પ્રવેશવા માટે કદાચ મને   લોન્ગ સ્કર્ટ અને ખભે  શાલ જેવું વીંટવાની ફરજ પડી શકે.  ચાલો કાગડા બધે કાળા. એમનું કામ જ કાગડીઓને હેરાન  કરવાનું.