Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Expected to accelerate the development of AI technology in the country

Business Plus: દેશમાં AI ટેકનોલોજીના વિકાસમાં ઝડપ આવવાની અપેક્ષા, આ ક્ષેત્રોમાં સર્જાઈ શકે છે ક્રાંતિ

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Business Plus: દેશમાં AI ટેકનોલોજીના વિકાસમાં ઝડપ આવવાની અપેક્ષા, આ ક્ષેત્રોમાં સર્જાઈ શકે છે ક્રાંતિ
સોર્સ : GSTV

-  AI કોર્નર

App Store

દેશના નીતિ આયોગ દ્વારા તૈયાર કરાયેલા નવા રિપોર્ટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના સ્વીકાર મારફત આર્થિક વિકાસને ઝડપી બનાવવા માટેની માર્ગદર્શિકા પૂરી પાડવાનો પ્રયાસ કરાયો છે.  એઆઈના ઉપયોગ મારફત ઉત્પાદન ક્ષમતામાં વધારો કરીને દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)માં  આગામી દસ વર્ષમાં વધારાના ૫૦૦થી ૬૦૦ અબજ ડોલરનો ઉમેરો થવાની ધારણાં મૂકવામાં આવી છે. 

આ ઉપરાંત સંશોધન અને વિકાસ (આરએન્ડડી)માં નવી ટેકનોલોજી દ્વારા બીજા ૨૮૦થી ૪૭૫ અબજ ડોલરના ઉમેરાનો પણ અંદાજ મૂકવામાં આવ્યો છે. ટેકનોલોજીના જાણકાર વ્યવસાયિકોની મોટી સંખ્યા ઉપરાંત ડિજિટલ માળખાના થઈ રહેલા વિસ્તરણ સાથોસાથ આર એન્ડ ડીમાં થઈ રહેલા વધારાને કારણે ભારત એઆઈના વૈશ્વિક મૂલ્યના ૧૦-૧૫ ટકા હસ્તગત કરવાની ક્ષમતા ધરાવે છે. જો કે દેખાઈ રહેલી આ તકને ફળીભૂત કરવા સરકાર, ઉદ્યોગ તથા શિક્ષણ ક્ષેત્રે સમન્વય રહે તે જરૂરી છે જેથી દેશમાં મજબૂત અને સર્વસમાવિષ્ટ એઆઈ ક્ષેત્રની રચના કરી શકાય. 

એઆઈના વિકાસ માટે રૂપિયા ૧૦,૦૦૦ કરોડના બજેટ સાથેનું ઈન્ડિયા એઆઈ મિશન લોન્ચ કરીને સરકારે દેશમાં એઆઈના વિકાસ માટે પોતે ગંભીર હોવાના સંકેત આપી દીધા છે. ડેટા લેબ્સ તથા ગ્રાફિકસ પ્રોસેસિંગ યુનિટ, લાર્જ લેન્ગવેજ મોડેલની રચના ઉપરાંત ભારત એઆઈનો નેશનલ સ્કીલિંગ એજન્ડામાં સમાવેશ કરી રહ્યું છે. ઈન્ડિયા એઆઈ મિશન એ દેશના ડેટા માળખા અને જવાબદાર મોટા સ્તરની એઆઈ સ્વીકૃતિ માટેનો  પાયો છે. નીતિ આયોગ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં વૈશ્વિક ડેટા પાટનગર બનવાની ભારતની ક્ષમતાનો ખાસ ઉલ્લેખ કરાયો છે. ડેટાની મદદથી હવે પછીની પેઢીના એઆઈ મોડેલ્સને તાકાત મળી રહેશે એટલું જ નહીં ઉત્પાદન, ફાર્મા, ઓટો તથા નાણાંકીય સેવા ક્ષેત્રમાં રહેલી વિકાસની તકોને ખુલ્લી કરશે. 

ફાર્મા ક્ષેત્રની વાત કરીએ તો એઆઈ દવાના સંશોધન પાછળના ખર્ચમાં ઘટાડો તથા વિકાસમાં સમયની બચત કરાવી શકે એમ છે. આને કારણે ભારત જેનેરિકસ ઉત્પાદકમાંથી વૈશ્વિક ઈનોવેટર બની શકવાની ક્ષમતા ધરાવે છે. 

આજ રીતે ઓટો ક્ષેત્રમાં પણ એઆઈ ક્રાંતિ સર્જી શકે એમ છે. સોફટવેરની મદદ સાથેના વ્હીકલ્સ જેમાં એઆઈ ડીઝાઈન, ટેસ્ટિંગ તથા કમ્પોનેન્ટને જોડવાની કામગીરી પાર પાડી શકે છે. 

એઆઈની હાજરી સાથેના ઔદ્યોગિક પાર્કસ, ઊંચી ક્ષમતાની કોમ્પ્યુટિંગ લેબ્સ અને સ્કીલ સેન્ટરો ઊભા કરીને  ભારત નવીનતામાં ઝડપ લાવી શકવાની અને પોતાની જાતને વૈશ્વિક આગેવાન બનવાની સ્થિતિમાં લાવી શકે છે. 

જો કે ઈન્ડિયા એઆઈ મિશન સામે વૈશ્વિક સ્તરે બિનપરિણામકારક બની રહેવાનું જોખમ રહ્યું હોવાનું અન્ય એક રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું. સરકારના બહુચર્ચિત આ ફન્ડ ફાઉન્ડેશનલ મોડેલ્સ ઊભા કરતા જૂજ સ્ટાર્ટઅપ્સને જે વૈશ્વિક સ્તરે ખાસ ઓળખ ધરાવતા નથી  તેમને ઓછી માત્રામાં વહેચાયેલું છે. ઊંડી હાજરી અને સારા  માળખા સાથેના અમેરિકાના એકમો અગાઉની ટેકનોલોજીઓની જેમ એઆઈમાં પણ પ્રભુત્વ ઊભુ કરી નાખશે તેવો પણ સદર રિપોર્ટમાં ભય વ્યકત  કરવામાં આવ્યો છે. 

એઆઈ ટેકનોલોજીને લોન્ચ કરવા અને ઊભરી રહેલી તકને ઝડપી લેવા મોટી ટેક કંપનીઓ વચ્ચે ભારત સહિત વિશ્વભરમાં સ્પર્ધા ચાલી રહી છે.  મોટી  ટેક કંપનીઓ જેમ કે મેટા, ગુગલ, એમએસ વગેરે ભારતમાં બજાર હિસ્સો કબજે કરવા એઆઈ સોલ્યુસન્સ અથવા ટુલ્સ લોન્ચ કરી રહી હોવાનું અવારનવાર આવતા અહેવાલો પરથી જણાય છે. 

ઓપનએઆઈ તથા જેમિનાઈ જેવી કંપનીઓને તેમના એઆઈ મોડેલની ડિસ્કાઉન્ટેડ શ્રેણીઓ સાથે ભારતમાં પ્રવેશની છૂટ આપવાથી ઘરઆંગણેના સ્ટાર્ટઅપ્સ સામે બિનતંદૂરસ્ત સ્પર્ધા ઊભી થવાનું જોખમ ઊભુ થશે એવો પણ ચિંતા વ્યકત કરવામાં આવી છે. ભારતનું ઈન્ડિયાએઆઈ મિશન માર્ચ ૨૦૨૪માં લોન્ચ કરવામાં આવ્યું હતું પરંતુ  અપેક્ષા પ્રમાણે તેની સફળતા હજુ નજરે પડતી નથી. સ્ટાર્ટઅપ્સને ટેકો પૂરો પાડી ઈન્ડિયાએઆઈ મિશનને સફળ બનાવવા વધુ ભંડોળ ફાળવવાની આવશ્યકતા હોવાનું ઉદ્યોગના સુત્રો જણાવી રહ્યા છે. દેશમાં ટેકનોલોજિકલ વિકાસની ગતિ વિશ્વમાં અન્ય દેશોને સમકક્ષ નથી, મોટાભાગનું વધારાનું ભંડોળ કર્મચારીઓના જંગી વેતનમાં ચાલી જવાની શકયતા રહેલી છે જે ઈન્ડિયાએઆઈ મિશન માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે એમ છે. એઆઈ ટેકનોલોજીના વિકાસ માટે આવશ્યક કર્મચારીબળની ભારતમાં અછત વર્તાઈ રહી છે ત્યારે, ટ્રમ્પ દ્વારા એચ૧બી વિઝા ફીમાં ધરખમ વધારો કરાતા ભારત તથા ભારતની ટેકનોલોજી કંપનીઓમાં બ્રેઈન ડ્રેઈન રિવર્સ થવાની આશા જાગી છે, જે દેશના એકંદર આઈટી ક્ષેત્ર તથા એઆઈ ટેકનોલોજીના ઝડપી વિકાસ માટે લાભકારક બનશે તેવી અપેક્ષા ઊભી થઈ છે. જો કે લાભકારક સ્થિતિ ત્યારેજ ફળીભૂત થશે જો સરકાર એઆઈ ટેકનોલોજીના વિકાસ માટે આવશ્યક ભંડોળમાં વધારો કરશે તેવો પણ મત પ્રવર્તી રહ્યો છે. 

એઆઈ ટેકનોલોજી માં  પ્રગતિ સાધવા ભારતને માળખાકીય વિકાસ સાથે ટેલેન્ટ અપસ્કિલિંગ અને ડેટા જાળવણી નીતિને આવરી લેતા વિસ્તૃત વ્યૂહની  પણ આવશ્યકતા રહેલી છે.   પડકારોની વચ્ચે ભારતે એઆઈ પ્રવાસ શરૂ કરી દીધો છે ત્યારે એચ૧-બી સંદર્ભમાં  અમેરિકાના નવા નિયમથી દેશમાં એઆઈ સંબંધિત માળખાકીય સુવિધા ઊભી કરવા આવશ્યક કર્મચારીબળ મોટી માત્રામાં ઉપલબ્ધ બનવાની શકયતા ઊભી થઈ છે ત્યારે આ તકને ભારત સરકાર એઆઈના વિકાસ માટે કેવી રીતે પરિણામકારક સાબિત કરે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.