Shatdal: ડિવોર્સ ? 'યાર, તમારાં તો લવ-મેરેજ હતા ને ?'

- રજનીગંધા
ડિવોર્સ ?' સુધીરને જરા નવાઈ લાગી. 'યાર, તમારું તો લવ-મેરેજ હતું ને ?'
'હતું...' પાંત્રીસ વરસની ઉંમરે પણ ખુબ જ હેન્ડસમ અને ચાર્મિંગ દેખાતા વૈભવે જરા ફિક્કું સ્મિત કરતાં કહ્યું 'લવ-મેરેજ તો હતું પણ દસ વરસની મેરીડ લાઇફ પછી ઘણું બદલાઈ જતું હોય છે.'
'તો હવે ?' સુધીરે પૂછ્યું.
જવાબમાં વૈભવે સુધીરના ખભે ધબ્બો મારતાં કહ્યું 'દોસ્ત એટલે જ તો સીધો બેંગલોરથી ફ્લાઈટમાં ઉતરીને તારી પાસે આવ્યો છું. તું મેરેજ બ્યુરો ચલાવે છે ને !'
'હા... ઠીક ઠીક ચાલે છે. 'પણ તું -' સુધીર આગળ બોલતાં અટકી ગયો.'
વૈભવે જરા પણ અચકાયા વિના કીધું 'હા, ડિવોર્સ પછી બીજું મેરેજ કરવું છે. યાર, હજી તો હું જવાન છું. લાઇફની મજાઓ માણવા માટે મારી પાસે હજી કમ સે કમ બીજાં વીસેક વરસ પડયાં છે. તો... વ્હાય નોટ ?'
'ઓકે ?' સુધીરે કહ્યું : 'આ મારા બ્યુરોનું ફોર્મ છે. એમા તારી ડિટેલ્સ ભરી દે, તારા છ સાત સારા સારા ફોટોગ્રાફ્સ આપજે, અને તને તારી જીવનસાથી કેવી જોઇએ છે તેની વિગતો ભરી દે. બધું ઓનલાઈન મુકી દઈશ પછી -'
'પછી નવું પંછી મળતાં કેટલીવાર લાગશે ?' વૈભવ આંખ મિચકારીને હસી પડયો.
વૈભવે ફોર્મ ભર્યું, સુધીરે તેને કોમ્પ્યુટરમાં એન્ટર કર્યું, એ દરમ્યાન વૈભવ તેની ઓફિસ જોઈ રહ્યો હતો.
'આ નામ સારું શોધી કાઢ્યું છે. મેઇડ ફોર ઇચ અધર... પણ, તારી ઓફિસનું ઇન્ટિરીયર જરા મોડર્ન બનાવને ? કેટલું કમાય છે તું આમાંથી ?'
'કમાવાનું તો એવું છે...' સુધીરે ઘડિયાળમાં જોયું. પાંચ વાગી રહ્યા હતા. તેણે કહ્યું : કમાવા કરતાં બે આત્માઓના મિલન કરાવી આપવાનો જે આનંદ મળે છે એ અણમોલ છે !
વૈભવને મનમાં હસવું આવી ગયું 'આ સાલો જીંદગીભર બોચિયો જ રહેવાનો.'
'ચાલ દોસ્ત, ઓફિસ બંધ કરવાનો ટાઈમ થઇ ગયો છે. હું તને ક્યાંક ડ્રોપ કરી દઉં ? કેમ કે મારે મારા બાળકોને સ્કુલમાંથી પિક અપ કરવાનાં છે, પછી રસ્તામાંથી શાકભાજી પણ લેવાની છે અને હા, મિકસર રીપેરીંગમાં આપ્યું છે, એ પણ લેવાનું છે.'
વૈભવને મનમાં મજા પડી રહી હતી. આ સુધીર જિંદગીમાં ક્યારે ઉંચો આવશે ? બન્ને સ્કુલમાં સાથે ભણ્યા હતા. સુધીર ક્લાસમાં ટોપર હતો, વૈભવ જલસા કરતો હતો, તે વખતે પણ વૈભવને થતું હતું કે આ ભણેશ્રી જિંદગીમાં શું ઉકાળશે ?
દસ વરસ પછી વૈભવને થયું કે ચાલ આ માણસની પર્સનલ લાઇફ જોવાનો આજે ચાન્સ મળ્યો છે તો જોઇ જ લઉં. તેણે કહ્યું 'જો યાર, આમ તો હું સાવ ફ્રી જ છું. તને વાંધો ના હોય તો હું તારા ઘરે આવું ? ડીનર લઇને પછી મારી હોટલ પર જતો રહીશ.'
'ઓહ શ્યોર ! કેમ નહીં ?' સુધીર ખુશ થઇ ગયો. વૈભવને પણ આ જ જોઇતું હતું.
બાળકોને સ્કુલેથી પિકઅપ કર્યા પછી જ્યારે સુધીર શાકભાજીના બે થેલા સાથે પાછો આવ્યો ત્યારે વૈભવે પૂછ્યું : 'કેમ અલ્યા, તારી વાઇફ શાકભાજી નથી ખરીદતી ?'
સુધીર હસ્યો 'ના, એવું છે કે શાકભાજીમાં એની શું ચોઇસ છે એની મને બરોબર ખબર હોય ! એટલું જ નહીં, ઘરમાં કામવાળી છે છતાં સવાર સાંજ બન્ને ટાઈમ, શાક અને દાળ આ બે ચીજો તો મારે જ બનાવવાની ! મારી વાઇફને એ સિવાય બીજો કોઇનો ટેસ્ટ ભાવે જ નહીં ને ?'
વૈભવને ખરેખર હસવું આવી રહ્યું હતું. ખરો બૈરીનો ગુલામ છે આ માણસ !
ઘરે આવતાંની સાથે જ સુધીર તો કિચનમાં પહોંચી ગયો ! તેણે ફટાફટ ગરમા ગરમ નાસ્તો બનાવીને ડાઇનિંગ ડેબલ પર મુકી દીધો ! બન્ને બાળકો નહાઈને ફ્રેશ થઇને આવ્યો કે તરત નાસ્તા પર તૂટી પડયા !
વૈભવ જોઇ જ રહ્યો હતો.. બેટમજીને બૈરીએ કેવો નોકર બનાવી દીધો છે ? બાળકોનો નાસ્તો પણ એ જ બનાવે છે !
'દોસ્ત વૈભવ, તારે આરામ કરવો છે ? ગેસ્ટ રૂમમાં ટીવી પણ છે. કેમ કે મારે મારી પત્નીને જીમમાંથી લઇ જવાની છે અને એનું પતે પછી પાછી પણ મારે જ લાવવાની છે.'
વૈભવને થયું, હદ થઇ ગઇ ને ? વાઇફ જિમમાં શરીર ઉતારવા માટે જાય ત્યાં પણ આ બિચારો જોડે જોડે ફિલ્ડીંગ કરવા જાય છે ?
'હશે, ભોગ એના...' એવું વિચારતો વૈભવ ગેસ્ટ રૂમમાં જઇને, બેડ ઉપર આડો પડીને ટીવી જોતો રહ્યો.
જ્યારે રાત્રે આઠેક વાગે તે પગથિયાં ઉતરીને હોલમાં આવ્યો ત્યારે તેને જે દ્રશ્ય દેખીયું તે જોઇને તે દંગ થઇ ગયો !
સુધીરની પત્ની વ્હીલચેરમાં હતી ! તેનું એક બાજુનું આખું શરીર લકવો મારી ગયું હતું ! તેનું ત્રાંસુ મોં લાળ પાડી રહ્યું હતું... અને સુધીર ખુબ જ પ્રેમથી, પત્નીના હોઠોને લૂછતાં લૂછતાં તેને ભોજનના કોળિયા ભરાવી રહ્યો હતો ! પણ આ શું ?
થોડી ક્ષણો પછી વૈભવ સોફામાં બેસીને ધ્રૂસકે ધ્રૂસકે રડી રહ્યો હતો !
સુધીરે પૂછ્યું 'વૈભવ આર યુ ઓલરાઇટ ?'
વૈભવ આંસુ લૂછતાં ધ્રૂજતાં સાદે બોલ્યો, 'સુધીર, હું કેટલો સ્વાર્થી છું ! કેટલો નાલાયક છું... મારી વાઇફને બે વરસ પહેલાં સ્તનનું કેન્સર થયું હતું. અલ્ટીમેટલી એનું એક સ્તન કપાવી નાંખવું પડયું છે. એવી વાઇફ સાથે જીવીને હું શું કરીશ, એવા વિચારે હું ડિવોર્સ લઇ રહ્યો હતો. પણ..'
સુધીરે વૈભવને રડવું હોય એટલું રડી લેવા દીધો. છેવટે જ્યારે તે શાંત પડયો ત્યારે સુધીરે કહ્યું 'વૈભવ, લગ્ન એ બે શરીરનું નહીં; બે આત્માોનું મિલન હોય છે. એટલે જ મેં મારા મેરેજ બ્યુરોનું નામ 'મેઇડ ફોર ઇચ અધર' પાડયું છે. ચાલ, તને પણ એનો અર્થ આજે સમજાયો, એ બહુ સારી વાત છે...'

