Shatdal : બાળરોગ ઉપયોગી ઔષધિઓ

- આરોગ્ય સંપદા
- બાળકોને થતા આ વિચિત્ર રોગનો દેખાવ જોઈ માતા-પિતા ગભરાઈ જતા હોય છે
બાળરોગ ઉપયોગી ઔષધિઓ શિર્ષક હેઠળના આ પૂર્વેના ત્રણ લેખોમાં અતિવિષા, અક્કલકરો, ઈલાયચી, કેસર, કડુ, તજ, હળદર, માલકાંકણી, ડોડી અને તાલિસપત્ર જેવી ખુબ ઉપયોગી ઔષધિ વિષે જાણ્યું. આવી ઔષધિ થકી તાવ-તળિયું, શરદી, ઉધરસ જેવી સામાન્ય સમસ્યાઓ આવરી લેવાનો પ્રયાસ કર્યો. આજે આ શિર્ષક હેઠળના ચોથા અને અંતિમ લેખમાં બાળકોને થતો એક વિશિષ્ટ અને વિચિત્ર રોગ ગુદભ્રંશ - પ્રોલેપ્સ ઑફ એનસના ઉપચાર વિષે. આ રોગમાં મળમાર્ગનો છેડો - ગુદા તેના મૂળ સ્થાન પરથી ખસીને પાંચ-સાત ઈંચ જેટલો બહાર આવી જાય છે. પાંચ વર્ષની આયુથી લઈ બાર વર્ષ સુધીના બાળકોમાં આ રોગ જોવામાં આવે છે. મોટી ઉંમરના પુખ્તોમાં પણ આ રોગ ગુદામાર્ગના સ્નાયુઓ (ANAL MUSCLES) ની શિથિલતાને નબળાઈ કારણે જોવા મળે છે. પેટના કૃમિ, જૂનો મરડો, ચેપ, જન્મથી જ મળેલી સ્નાયુઓની દુર્બળતા, કબજિયાત, જીર્ણ તાવ અને અપૂરતું પોષણ આ સમસ્યાના મુખ્ય કારણો છે. ક્યારેક ગુદામાર્ગનો ચેપ, મસા કે વાઢિયાનો પૂર્વ ઈતિહાસ રોગને વધુ કષ્ટદાયક કરી મુકતા હોય છે. બાળકોને થતા આ વિચિત્ર રોગનો દેખાવ જોઈ માતા-પિતા ગભરાઈ જતા હોય છે અને તબીબો તુરંત આંત્રના આ બહાર આવી ગયેલા ભાગના ઓપરેશનની સલાહ આપતા હોય છે. એટલા ભાગને કાપી આંત્રની લંબાઈ ટૂંકી કરી ગુદાને એના મૂળ સ્થાન સુધી લાવવાનો પ્રયાસ સાદ્યંત સફળ થતો નથી. આમ કર્યા પછી પણ ફરી ફરી તે બહાર આવી જતો હોય છે અને ફરી ફરી ઓપરેશન થતા હોય છે. પરિણામે પાચનતંત્ર સંબંધી સમસ્યાઓ, ઝાડા તો કવચિત ભારે કબજિયાતનો બાળકો ભોગ બનતા હોય છે.
ઓપરેશન વગર, આંત્રને કાપ્યા વગર ગુદભ્રંશ મટે ખરો ? હા, આ રોગ મટાડવા માટેના કેટલાક સુચનો અને ઉપચાર સંદર્ભે ઔષધિઓની સૂચી અહીં ટાંકું છું સીધું જ ઓપરેશન કરાવતા પહેલા જરા થોભો. ખંતપૂર્વક એક મહિના સુધી ઉક્ત સુચનોને વળગી રહેજો. અચુક સફળ પરિણામ મળશે.
(૧) સૌ પ્રથમ બાળકના આહાર અને પોષણ સંદર્ભે મહત્વની બાબત. ગુદામાર્ગના સ્નાયુઓની આકુંચન ક્ષમતા વધારવા માટે બાળકના શરીરને રોજીંદા ક્રમે પર્યાપ્ત માત્રામાં પ્રોટીન મળવું આવશ્યક છે. એટલું જ નહિ, બાળક પોતે આ પ્રોટીનને પચાવવા સક્ષમ બને એ પણ એટલું જ આવશ્યક છે. ખોરાકમાં દૂધ અને સારી રીતે બાફેલા કઠોળનો ઉપયોગ કરવો. પ્રોટીન સારી રીતે પચે એ માટે કઠોળને બરાબર રાંધી રોટલી-ભાખરી અથવા ભાત સાથે આપવાનો આગ્રહ રાખવો. એકલા ખાધેલા કઠોળ પચી શકતા નથી એ બાબત ધ્યાનમાં રાખવી. રેષા (FIBRE)નું પ્રમાણ જાળવવા સ્ટીમ બોઈલ કરેલા ફળો કાપીને ખવડાવવાનો આગ્રહ રાખવો. સફરજન અને દાડમનો રસ આવી સમસ્યા માટે શ્રેષ્ઠ ઔષધિ પુરવાર થઈ શકે.
(૨) બાળકના ખોરાકમાં મીઠાઈ, ગળપણ, મેંદો અને તેમાંથી બનતી વાનગીઓ, બહારના ખાદ્યપદાર્થો, ઠંડા પીણા (COLD DRINKS) ને સ્થાન આપવું નહિ. તેલ, ઘી, માખણ, મલાઈનું પ્રમાણ ખોરાકમાંથી ઓછું કરવું. શક્ય હોય ત્યાં સુધી બાળકને બાફેલો-બૉઈલ્ડ અને ઓછા મસાલાવાળો ખોરાક આપવો. એક ટંક પેટ ભરીને ખાધેલા ભોજન કરતા દિવસ દરમ્યાન ટુકડે ટુકડે બે-ત્રણ વખત ખાધેલું (ભૂખ કરતાં ઓછું) ભોજન યોગ્ય છે. ભોજનની સાથે ખુબ પાણી પીવાની ટેવવાળા બાળકોએ એમ ન કરતાં ભોજન સાથે એકાદ ઘૂંટડો પાણી પીવું - એ ઉચિત ગણાશે.
(૩) એક ચમચી તાજા મોળા દહીંને આશરે એક ગ્લાસ પાણીમાં ખુબ વલોવી તૈયાર કરેલી પાતળી છાશ એક એક ગ્રામ કપીલો, વાવડીંગ, અજમો, ગંઠોડા તથા નમકનું ચૂર્ણ મેળવી બપોરના ભોજન સાથે આપવી. (સાંજના ભોજનમાં આ છાશનો ઉપયોગ કરવો નહિ.)
(૪) એક ગ્લાસ પાણીમાં એક ચપટી સૂંઠ આવે એ માપથી ત્રણ ગ્લાસ પાણી ઉકાળીને તૈયાર રાખવું. સવાર-બપોર-સાંજ બાળકને આ પાણી આપવું. (ગરમીની ઋતુમાં સૂંઠની માત્રા હજી ઓછી કરી શકાય.)
(૫) ગુદાભ્રંશ જેવા રોગોપયોગી સૌથી મહત્વની ઔષધિનું નામ છે માયુફળ. આપણે ગુજરાતીઓ તેને કંટાળુ માયુના નામથી ઓળખીએ છીએ. માયુફળના વૃક્ષો મૂળ ઈરાનના વતની છે. રંગે કાળા હોય એવા માયુફળ સારી ગુણવત્તાના ગણાય છે. માયુફળમાં ટેનિક એસિડનું પ્રમાણ સારી એવી માત્રામાં રહેલું છે. માયુફળ ખુબ જ કઠણ હોઈ, એને ખાંડી ચૂર્ણ બનાવવું મુશ્કેલભર્યુ છે. જેથી સારી ગુણવત્તાનું ચૂર્ણ બજારમાંથી મેળવી લેવું. દસ ગ્રામ માયુફળના ચૂર્ણ સાથે પાંચ ગ્રામ ફટકડી અને પાંચ ગ્રામ હળદરનું ચૂર્ણ ગરમ પાણીમાં મેળવી લેપ તૈયાર કરી લેવો. આ લેપ લગાવતા પહેલાં બાળકને ચત્તુ સૂવડાવી, બહાર નીકળી આવેલ ગુદાના ભાગ પર દેશી દિવેેલ લગાવી એને અંદર તરફ મૂળ સ્થાને દબાવી દેવું. સાધારણ વેદના થઈ બાળક રડે તો ચિંતા ન કરવી. દિવેલ લગાવતા પહેલા હાથની આંગળીના નખ બરાબર કાપેલા રાખી, જંતુઘ્ન ટૉયલેટ સોપ વડે હાથ સારી રીતે સાફ કરવા. દિવેલ લગાવ્યા પછી ઉપર જણાવેલ લેપ ગુદા પર લગાવી, એની ઉપર રૂ મુકી ચુસ્ત લંગોટ પહેરાવવી આ પ્રયોગ રાત્રે કરવો અને આખી રાત આ લેપ રહેવા દેવો. સવારે હાજત ગયા પછી દિવસ દરમ્યાન દિવેલમાં બોળેલું રૂનું પૂમડું ગુદામાર્ગમાં અંદરની તરફ (મુળ સ્થાને) દબાવી રાખી લંગોટ પહેરાવી રાખવી. રાત્રે ફરી લેપનો પ્રયોગ કરવો. આમ ધીરજપુર્વક એક મહિના સુધી આ પ્રયોગ ચાલુ રાખવો.
- વિસ્મય ઠાકર

