Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Dharmlok : 'Elder sister has tidied up the room'

Dharmlok : 'મોટી બહેને ઓરડો ઓઢયો છે' 

Timeછેલ્લું અપડેટ : 30 May 2025
લાઇવ ટીવીGoogle News
Dharmlok : 'મોટી બહેને ઓરડો ઓઢયો છે' 

- પ્રભાતના પુષ્પો

App Store

પ્રધાને સડકના કિનારે એક સૂતેલી વ્યક્તિને જોઈ. કોઈ સારા ઘરની વ્યક્તિ હોય તેવું લાગતું હતું. આજુબાજુ ઊભેલ કેટલાક ગામલોકોને પૂછયું કે, 'આ કોણ સૂતું છે?' લોકોએ કહ્યું કે, 'અહીં કોઈ સૂતું નથી, પરંતુ આ મૃતદેહ છે.' તો પ્રધાન કહે, 'તેને અહીંથી તેના ઘરે પહોંચાડવું જોઈએ.' લોકો કહે, 'આ વ્યક્તિ બરાબર ન હતી.' કોઈ કહે, એનું ચારિત્ર્ય બરાબર ન હતું, તો કોઈ કહે, એ નશાખોર હતો. પ્રધાન કહે, 'એ ગમે તેવો હોય, એક ઇન્સાનના મૃતદેહને અંતિમસંસ્કાર મળે તે આપણું કર્તવ્ય છે.' પણ કોઈ તેને ઉપાડવા આગળ ન આવ્યું. પ્રધાન અને સાથે આવેલ શ્રેષ્ઠીઓ એ મૃતદેહને તેના ઘરે લઈ ગયા. મૃતદેહ ઘરે આવતાં તેની પત્ની, પુત્ર અને પુત્રી રડવા લાગ્યાં. પ્રધાને તેમને સાંત્વના આપી અને કહ્યું કે, 'સડક કિનારે તેનો મૃતદેહ પડયા હતો પરંતુ તેને ઊંચકવા કોઈ તૈયાર ન હતું. બધા કહે, આ માણસ બરાબર ન હતો.' પત્ની કહે, 'થોડા સમયથી તેને છાતીમાં દુઃખાવો રહેતો હતો. ડોક્ટરને બતાવવા બધા રિપોર્ટ કાઢયા પછી ડોક્ટરે કહ્યું, તમારું હૃદય ઘણું નબળું છે, હવે શ્રમ બિલકુલ ઓછો કરો ને આરામ વધારે, પણ તે ન માન્યા. વહેલી સવારથી જ કામે લાગી જતા. મારા પતિ બધી રીતે સારા હતા. કોઈ વ્યસન ન હતું, ચારિત્ર્ય પણ નિર્મળ, જીવદયા તેના હાડેહાડમાં. પારકી છઠ્ઠીના જાગતલ હતા, પણ લોકો તો જેવું જુએ તેવું વિચારે. પ્રધાન કહે, બહેન, 'લોકો શું જુએ અને વિચારે આ વિધાન સમજાતું નથી. તેની પત્ની કહે, એ દર અઠવાડિયે એક વાર દારૂના પીઠામાં જાય. દારૂના બે ગ્લાસ ખરીદે અને ત્યાં જ ઢોળી નાખે. મને ઘરે આવીને કહે કે, આજે એક-બે વ્યક્તિને દારૂ નહીં મળે, તે નશાથી વંચિત રહેશે તેનો મને આનંદ.'

થોડા દિવસ થયા ત્યાં ગણિકાગૃહમાં જાય. પૂરી રાતના તેને પૈસા ચૂકવીને તુરંત ઘરે આવી જાય ને પેલીને કહે કે, આજે તારે વેશ્યાવૃત્તિથી મુક્તિ લેવાની ને ભજન કરવાનું ને આરામ કરવાનો ને મને ઘરે આવીને કહે કે, 'આજે બે-ત્રણ યુવાનો વ્યભિચારથી બચશે.

એક દિવસ બાજુના ગામડામાં ઉઘરાણી કરવા એક ઘરે ગયા. મને કહે, હું જે ઘરે ગયા ત્યા બહાર એક દીકરી બેઠી હતી. મેં તેને કહ્યું કે, મોટીબહેન ક્યાં છે? તે મને કહે કે, મોટીબહેને ઓરડો ઓઢયો છે. તમારે થોડી વાર વાટ જોવી પડશે. હું અંદર જાઉં પછી થોડી વાર પછી મોટીબહેન બહાર આવશે. મેં પૂછયું, ઓરડો ઓઢયો એટલે શું કોઈ પૂજાની વિધિ કરી રહ્યાં છે? તો તે કહે, ના કાકા. અમારા બે વચ્ચે ઉપરનો કમખો ને ઓઢણી એક જ છે, મારે બહાર જવાનું હોય ત્યારે હું એ પહેરીને બહાર નીકળું ત્યારે એ ઓરડો બંધ કરીને અંદર કામ કરે ને પછી હું પાછી આવું ત્યારે તેને એ કપડાં આપી દઉં. એ અંદર ગઈ અને તુર્ત હું ઉઘરાણી કર્યા વગર બહાર નીકળી ગયો કે આ સ્થિતિમાં હું તેની પાસે શું પૈસા માગું?

પછી તો અઠવાડિયે - પંદર દિવસે અલગ અલગ ગામડામાં જવાનું થાય તો ત્રણ-ચાર જોડી કપડાની, ત્રણ-ચાર પોટલીઓ બનાવે એ જરૂરિયાતવાળા ઘરે સાઈકલ પર જઈને પોટલીઓ પહોંચાડે. એ કહેતા કે, મેં વાંચેલું કે ગાંધીબાપુએ જાણ્યું કે 'કેટલીક બહેનો અર્ધનગ્ન અવસ્થામાં રહે છે, ત્યારથી તેમણે શરીર ઉપરનાં પહેરણનો ત્યાગ કર્યો ને માત્ર પોતડી પહેરતા' તો આપણે તો આપણાથી થાય એટલું કરીએ. મને કેટલાક ગામના બૈરા કહેતા કે, તારો ધણી ગામડાના બૈરાને કપડાં આપે છે, ધ્યાન રાખજે. પણ મને તો બધી ખબર જ હતી.

શ્રદ્ધાંજલિ આપતા પ્રધાને કહ્યું કે, 'આ વ્યક્તિ માનવતાના મંદિરનો પૂજારી હતો. તેણે તેના જીવનમા જીવદયાની જ્યોત જગાવી હતી. ઉચ્ચગતિમાં ગયેલ આ આત્મા આપણા સૌ માટે પ્રેરક બની ગયો.'

- ગુણવંત બરવાળિયા

ટોપિક્સ:Dharmlokmagazinegstv news