Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Decorate the dining room in this way according to Vastu Shastra

Sahiyar: વાસ્તુશાસ્ત્ર મુજબ આ રીતે કરો ડાઇનિંગ રૂમની સજાવટ, ઘરમાં રહેશે આનંદમય વાતાવરણ

Timeછેલ્લું અપડેટ : 21 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar: વાસ્તુશાસ્ત્ર મુજબ આ રીતે કરો ડાઇનિંગ રૂમની સજાવટ, ઘરમાં રહેશે આનંદમય વાતાવરણ
સોર્સ : GSTV

- મહેશ ભટ્ટ

App Store

પરિવારના સૌ સભ્યો એક સાથે સૌથી વધુ સમય માટે મળતા હોય,પારિવારિક વાતાવરણનો આનંદ માણતા હોય એવી જૂજ જગાઓ ઘરમાં હોય છે. ભોજન માટે સૌ બેસતા હોય એ રસોડું,ડાઇનિંગ ટેબલ કે ડાઇનિંગ રૂમ આવી જ એક જગા છે. શરીર તંદુરસ્ત રહે તે માટે ખોરાક પૌષ્ટિક હોવો જોઈએ.પરંતુ જ્યારે જમવા બેસો તે જગા અને વાતાવરણ પણ મનને પ્રસન્ન કરે તેવાં અને આનંદપ્રદ હોય એ માનસશાસ્ત્રીય  અને વાસ્તુશાસ્ત્રીય  એમ બન્ને દ્રષ્ટિએ જરુરી છે. આવા વાતાવરણમાં ભોજન કરાય તો તે ગુણકારી બની રહે.

ભોજન સમયે વાતાવરણ આનંદમય રાખવું એ સૌ પરિવારજનોના સ્વભાવ, સમજ અને સૂઝની બાબત છે. પણ ભોજન માટેની અન્ય જગા સહિત ડાઇનિંગ રૂમના ડિઝાઇનિંગમાં વાસ્તુના માર્ગદર્શનને ધ્યાનમાં રખાય તો ભોજન  સ્થળ મનને પ્રસન્ન કરનારું બની રહે. ડાઈનિંગ રૂમ કેવો હોવો જોઈએ એ  વિશેનું વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન જાણવું રસપ્રદ બની રહેશે. યાદ રહે કે આ એક અશ્રદ્ધા કે અંધશ્રદ્ધા નહીં પણ શ્રદ્ધાનું શાસ્ત્ર છે. આપણી બધી જ અપેક્ષાઓ પૂરી કરવાનું કામ  શાસ્ત્રોનું નથી. પરમ  તત્વ પણ થોડુંક તો તેના હાથમાં રાખેને!

ડાઇનિંગ રૂમની દિશા : સકારાત્મક ઉર્જા(પોઝિટિવ ઊર્જા)નો પ્રવાહ સતત વહેતો રહે એ માટે ડાઇનિંગ રૂમ પશ્ચિમ દિશામાં હોવો જોઈએ.પરંતું આ દિશામાં શક્ય ન હોય તો ઉત્તમ ડાઇનિંગ રૂમ માટે  પશ્ચિમ  પછીની સર્વોત્તમ દિશા ઉત્તર યા તો પૂર્વ છે.

પ્રોપર સિટિંગ પોઝિશન :  હા,ડાઇનિંગ  ટેબલ માટેની બેઠક વ્યવસ્થા માટે પણ ચોક્કસ પદ્ધતિઓનું પાલન કરવાનું હોય છે. પરિવારના વડાનો ચહેરો હંમેશાં પૂર્વમાં રહે એ મુજબ તેમનું સ્થાન હોવું જોઈએ.પરિવારનાં સંતાનોનું સ્થાન દક્ષિણ બાજુએ ન હોવું જોઇએ. ખરેખર તો આ દિશામાં કોઈ ન બેસે એ વધારે સારું છે.

ડાઇનિંગ રૂમનો દરવાજો : જાણીને આર્શ્ચર્ય થશે કે વાસ્તુની દ્રષ્ટિએ ભોજન ખંડનાં બારણાંના સ્થાનનું પણ વિશેષ મહત્વ છે.શહેરી સંસ્કૃતિમાં મોટે ભાગે ડાઇનિંગ રૂમ દરવાજા વગરના ખુલ્લા  કે ઈન્ટિરિયર ડિઝાઈનના આધુનિક આઈડિયા મુજબ કિચન સાથે  જોડાયેલા હોય છે.આમ છતાં મકાન  બંધાતું  હોય અને ભોજન ખંડ માટે બારણું રાખવાનું  હોય  તો તે પૂર્વ,ઉત્તર કે પશ્ચિમમાં  મૂકવું જોઈએ.દક્ષિણમાં ક્યારેય બારણું ન રખાય.વળી,ધરના  મુખ્ય બારણાની કે પ્રવેશ દ્વારની સામે ડાઇનિંગ રૂમનો દરવાજો ન હોવો જોઈએ.

ડાઇનિંગ ટેબલનો આકાર : ડાઈનિંગ ટેબલ વાસ્તુ મુજબ ટેબલ હંમેશાં ચોરસ કે લંબચોરસ હોવું  જોઈએ. આ શાસ્ત્રમાં ગોળાકાર  ટેબલનો નિષેધ કરાયો છે. અને આપણી જૂની પરંપરામાં ચાર ખૂણિયા ટેબલનો ઉપયોગ થતો એનાં મુખ્ય કારણોમાંનું એક કારણ આ પણ છે. જોકે ચોખંડી ટેબલની પરંપરા ગોળાકાર ટેબલ પસંદ કરનારી આધુનિક દ્રષ્ટિની વિરુદ્ધની છે. પરંતુ સકારાત્મક અને ઐશ્વર્ય પામવા કેટલાક નિયમોનું તો પાલન કરવું પડે. ડાઇનિંગ ટેબલ મૂકવા અગ્નિ ખૂણો ઉત્તમ છે.

ડાઇનિંગ રૂમના કલરની પસંદગી : મોટા ભાગના લોકો ધરના અન્ય રૂમને હોય એવો જ રંગ ડાઇનિંગ રૂમ માટે પણ પસંદ કરે છે તો કેટલાક રંગને બદલે વોલપેપરનો ઉપયોગ કરે છે. પરંતુ જેમને રંગ અને દેખાવ કરતાં સકારાત્મક વાઈબ્સમાં રસ છે તેમને માટે ડાઇનિંગ  રૂમ ઑફ-  વ્હાઇટ, ક્રીમ, પીળો, ગુલાબી કે ઓરેન્જ  રંગ વધુ યોગ્ય છે.

ખાસ ધ્યાનમાં રહે કે : 

(૧) ડાઇનિંગ રૂમમાં અરીસો મૂકવો હોય તો ઉત્તર અને પૂર્વ દિશમાંની દિવાલો એકદમ યોગ્ય છે.

(૨) એક કરતાં વધુ માળવાળા ઘરમાં કિચન હોય એ જ માળ પર ડાઇનિંગ રૂમ હોય એ વધુ સારું.

(૩) સ્ટોરેજની જગામાં કે કોમ્પેક્ટ હાઉસિંગ પ્લાનમાં ડાઇનિંગ ટેબલ અને ખાસ તો ફોલ્ડિંગ ટેબલનો સમાવેશ કરવાની ટાળો.

(૪) ડાઇનિંગ રૂમમાં પૂરતા પ્રમાણમાં ખુલ્લી જગા અને હવાની અવરજવર  હોવાં જોઈએ.

(૫) વોશ બેસિન માટે ઉત્તર કે પૂર્વના ખૂણો યોગ્ય સ્થાન છે. 

ડાઇનિંગ રૂમ માટે વાસ્તુ નિયમોનું ધ્યાન રખાય એ એટલા માટે ઈચ્છનીય  છે  કે  આ  રૂમનો સંબંધ તમારા સ્વાસ્થ્ય સાથે છે. એવું  માનવામાં આવે છે કે વાસ્તુ સિદ્ધાંતો મુજબનો ભોજન ખંડ હોય  તો  સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. આથી સ્વાસ્થ્ય સારું રહે છે અને પરિવારમાં સુમળ ભર્યા સંબંધો રહે એવું વાતાવરણ  રચાય છે. ડાઈનિંગ રૂમ વિશેના વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો વિશેની આ સર્વસામાન્ય સમજ સાથે તેના જાણકારોની સલાહ માટે પણ અવકાશ તો  છે જ. આ શાસ્ત્ર   મુજબ ડાઇનિંગ રૂમની રચના, સજાવટ પછી મહત્વનું  આપણું મન છે જે ડાઇનિંગ રૂમની સકારાત્મક અસર અને જમવાની ક્રિયાને આનંદમય બનાવતા તેના વાતાવરણને ઝીલે અને તૃપ્તિનો ભાવ અનુભવે. ભોજનથી પેટ ભરવાની ક્રિયા સાથે પરિવારજનો હળવા મિજાજ સાથે પેટ છૂટી વાત કરી શકે એવું વાતાવરણ એ ડાઇનિંગ રૂમનો  ''આત્મા'' છે અને આ ''આત્માધ વાસ્તુશાસ્ત્રના માર્ગદર્શનમાં સર્જી શકાય .