Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Buttermilk, which cools the stomach, also helps in enhancing beauty!

Sahiyar: પેટને ટાઢક આપતી છાશ સૌંદર્યને નિખારવામાં પણ કરે છે મદદ!

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar: પેટને ટાઢક આપતી છાશ સૌંદર્યને નિખારવામાં પણ કરે છે મદદ!
સોર્સ : GSTV

- વૈશાલી ઠક્કર

App Store

ગુજરાતી ગૃહિણીઓના રસોડામાં છાશ ન હોય એવું ભાગ્યે જ બને. મોટાભાગના ગુજરાતી લોકો બપોરના ભોજન પછી છાશ પીવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ત્વચાને કાંતિવાન અને ડાઘ-ધાબારહિત બનાવવા માટે પણ છાશનો ઉપયોગ થઈ શકે. ત્વચા નિષ્ણાતો કહે છે કે છાશ સાથે અન્ય કેટલાંક પદાર્થો ભેળવીને તે ત્વચા પર લગાવવાથી ચામડી ચમકી ઉઠે છે. વળી તેને માટે તમને વધારાનો ખર્ચ કરવાની જરૂર પણ નથી પડતી. છાશ સાથે ભેળવીને બનાવવામાં આવતી વિવિધ પ્રકારની પેસ્ટની સામગ્રી પણ તમારા રસોડામાંથી સહેલાઈથી મળી રહે છે. આજે આપણે ત્વચાને નિખારતી આવી કેટલીક ઘરગથ્થુ પેસ્ટ વિશે જાણીશું.

સામગ્રી : સંતરાની છાલને સુકવ્યા પછી દળીને બનાવેલો પાવડર એક ચમચી અને ત્રણથી પાંચ ચમચી છાશ.

રીત : સંતરાની છાલના પાવડરમાં છાશ નાખીને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણ ત્વચા પરના ડાઘ-ધાબા પર લગાવીને હળવે હાથે મસાજ કરો. સહેજવાર મસાજ કર્યા પછી ડાઘ-ધાબા પર આ પેસ્ટને ચાંદલાની જેમ લગાવીને થોડો સમય રહેવા દો. ત્વચા પર મિશ્રણ સુકાઈ જાય ત્યાર પછી સાદા પાણી વડે તે ધોઈ લો.

સામગ્રી : એક ટેબલસ્પૂન છાશ અને એક ટેબલસ્પૂન શુધ્ધ મધ.

રીત : બંને સામગ્રીને એકઠી કરીને સારી રીતે હલાવી લો, ત્યાર પછી આ મિશ્રણ લોશનની જેમ ત્વચા પર લગાવો. ૨૦ થી ૩૦ મિનિટ પછી સાદા પાણી વડે ત્વચા ધોઈ લો. આ પ્રયોગ દરરોજ કરવાથી ઝડપી પરિણામ મળશે.

સામગ્રી : ત્રણ ટેબલસ્પૂન છાશ, એક ટીસ્પૂન બેસન, એક ચપટી હળદર.

રીત : એક બાઉલમાં ત્રણે વસ્તુ નાખીને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. હવે તડકાને કારણે કાળી પડી ગયેલી ત્વચા પર આ પેસ્ટ લગાવો. ૧૫ મિનિટ પછી સાદા પાણી વડે આ મિશ્રણ દૂર કરી દો.

સામગ્રી : નાનો અડધો કપ છાસ, એક ટેબલસ્પૂન ટામેટાનો રસ અથવા છૂંદેલું ટામેટું, એક ટીપું ઓલિવ અથવા બદામનું તેલ અને પાંચ ટીપાં ગુલાબજળ.

રીત : ઉપરોક્ત સામગ્રી એક બાઉલમાં મિક્સ કરો. આ મિશ્રણ પ્રવાહી હોવાથી તે લગાવવા માટે રૂના પૂમડાનો ઉપયોગ કરો. આ પ્રયોગથી ત્વચા પર રોજબરોરજ જામતી ધૂળ અને અન્ય ગંદકી દૂર કરવામાં મદદ મળશે. શરીરનો જે ભાગ પ્રદૂષણને કારણે વધુ અસર પામ્યો હોય ત્યાં આ મિશ્રણ લગાવતી વખતે તેમાં થોડાં વધુ ટીપાં તેલ ઉમેરવું. આ પ્રયોગ અઠવાડિયામાં ત્રણેક વખત કરી શકાય.

સામગ્રી : નાનો અડધો કપ છાશ, પાંચથી આઠ ટીપાં બદામનું તેલ અને એક ટેબલસ્પૂન ગુલાબજળ.

રીત : ત્રણે સામગ્રી મિક્સ કરીને પ્રદૂષણને કારણે ખરાબ થયેલી ત્વચા પર રૂના પૂમડા વડે સ્ક્રબ કરો. અડધા કલાક પછી ત્વચા ધોઈ લો.

છાશના પ્રયોગો જે રીતે ત્વચા માટે ખપ લાગે છે તેવી જ રીતે વાળ માટે પણ કામ આવે છે. આને માટે આપણે એક સાવ સરળ પ્રયોગ વિશે જાણીશું.

સામગ્રી : એક નાનો કપ છાશ અને બે લીંબુનો રસ.

રીત : છાશ અને લીંબુના રસને સારી રીતે ભેળવી લો. હવે આ મિશ્રણને આંગળીના ટેરવાં વડે સમગ્ર માથામાં લગાવીને મસાજ કરો. અડધા કલાક પછી માથું ધોઈ લો. આ મિશ્રણ દૂર કરવા હળવા શેમ્પૂનો ઉપયોગ કરો.

વાસ્તવમાં છાશમાં રહેલાં લેક્ટિક એસિડ અને એમીનો એસિડ ત્વચા તેમ વાળ પર સારું કામ આપે છે. આ તત્વો ચામડી પર રહેલી ગંદકી, ડાઘ-ધાબા તેમ જ તડકાને કારણે કાળી પડી ગયેલી ત્વચાને ફરીથી સામાન્ય જ નહીં, ચળકતી બનાવવામાં સહાય કરે છે.