બોની કપૂરનો ડ્રીમ પ્રોજેક્ટ મુશ્કેલીમાં, એક પછી એક સ્ટાર્સે છોડી ફિલ્મ

સિનેમા જેવી અનિશ્ચિતતા ભાગ્યે જ કોઈ બીજા ક્ષેત્રમાં હશે. કઈ ફિલ્મ ચાલશે અને કઈ ટાંય ટાંય ફિશ થઈ જશે એની આગાહી કોઈ કરી ન શકે. આમિર ખાન જેવો હિન્દી ફિલ્મોનો અભ્યાસુ મોટા બજેટમાં 'લાલસિંહ ચઢ્ઢા' બનાવીને માર ખાઈ ગયો હતો. ઓટીટીના પ્રાદુર્ભાવ બાદ બોલિવુડની ફિલ્મોનું ભાવિ વધુ ડામાડોળ થયું છે. પ્રોડયુસર્સ હવે સો ગળણે ગાળીને પાણી પીતા થયા છે. પરંતુ નિર્માતા બોની કપૂર બદલાયા નથી.સદ્ગત શ્રીદેવીના પતિ અને જ્હાન્વી કપૂરના ડેડી કોઈ મૂવી બનાવવાનું નક્કી કરે પછી એને માટે લખલૂંટ ખર્ચ કરે છે. એમની ફિલ્મો નિર્ધારિત બજેટમાં બની હોય એવું બહુ ઓછુ બન્યું છે. કદાચ એટલે જ બોનીને 'ઉડાઉ ફિલ્મમેકર' નું લેબલ લાગી ગયું છે.
આ સ્વભાવગત નબળાઈ કપૂરને ભારે પડે એવો એક સિનારિયો સર્જાયો છે. દોઢ વરસ પહેલા બોનીએ 2005ની પોતાની સુપરહિટ કોમેડી ફિલ્મ 'નો એન્ટ્રી' ની સિકવલ બનાવવાની મોટા ઉપાડે જાહેરાત કરી હતી. એ અરસામાં હિન્દી સિનેમામાં ફ્રેન્ચાઈસ અને સિકવલ ફિલ્મો ચાલી રહી હતી. એટલે બધાને લાગ્યું કે બોનીજીએ લાગ જોઈને તીર ચલાવ્યું છે. કપૂર પર ઇન્ડસ્ટ્રી અને મીડિયામાંથી અભિનંદનની વર્ષા થઈ.
પછી તો પોરસાયેલા બોનીએ ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર અનીસ બઝમીને જ સિકવલ માટે સાઈન કર્યા. બઝમીની ફિલ્મ 'ભૂલ ભૂલૈયા-2' એ અરસામાં સુપરડુપર હિટ થઈ હોવાથી એમણે 'નો એન્ટ્રી મેં એન્ટ્રી' નામની સિકવલ ડિરેક્ટ કરવા બોની પાસે મોટી રકમ પડાવી. એનાથી જરાય વિચલિત થયા વિના કપૂરે સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાનની ઓરિજિનલ સ્ટાર કાસ્ટ બદલી વરુણ ધવન, દિલજિત દોસાંજ અને અર્જુન કપૂર જેવા જુવાનિયાઓ પર પસંદગી ઉતારી. એમાં કાંઈ ખોટું પણ નહોતું કારણ કે એ સમયે આ ત્રણેય એક્ટર લોકપ્રિય હતા. ટૂંકમાં, 'નો એન્ટ્રી મેં એન્ટ્રી'ના પ્રિ-પ્રોડક્શન પાછળ જ ઉદાર દિલ પ્રોડયુસરે 30 કરોડ રૂપિયાનું આંધણ મુકી દીધું. એ વાતને લાંબો અરસો થઈ ગયો અને હજુ ફિલ્મ ફ્લોર પર જવાના કોઈ ઠેકાણા નથી. બધુ અદ્ધરતાલ છે. ગયા વરસે ઓક્ટોબરમાં પંજાબી સિંગર-એક્ટર દિલજિત દોસાંજે બોનીની ફિલ્મ છોડવાની જાહેરાત કરી ત્યારે એમને એક મોટો ધક્કો લાગ્યો. ખાસ તો એટલા માટે કે બોની એન્ડ કંપનીએ ભારતમાં અને વિદેશોમાં ફિલ્મ માટે લોકેશન્સ શોધવા મોટી રકમ ખર્ચી નાખી હતી. બોલિવુડમાં મોટાભાગના લોકો જાણે છે કે બોનીજી હમેશાં મોટા કાફલા સાથે જ લોકેસન્સ શોધવા નીકળે છે. એમની નજીકની એક વ્યક્તિ અનામ રહેવાની શરતે કહે છે, 'બોનીસાબ બધુ પોતાની સ્ટાઈલમાં કરવામાં માને છે. તેઓ જ્યાં જાય ત્યાં છવાઈ જવા માંગે છે. એટલે જ તેઓ આઉટડોર લોકેશન્સ શોધવા નીકળે ત્યારે એમની સાથે પર્સનલ આસિસ્ટન્ટ અને ક્રુની ફૌજ હોય છે. તેઓ બિજનેસ ક્લાસ સિવાય ફ્લાઈટમાં પ્રવાસ નથી કરતા.'
કમનસીબે, 'નો એન્ટ્રી મેં એન્ટ્રી'ના બીજા હીરો વરુણ ધવનના બોક્સ ઓફિસ સ્ટેટસ પર પ્રશ્ન ચિહ્ન મુકાયું. આ વરસે જાન્યુઆરીમાં રિલિઝ થયેલી વરુણની 'બોર્ડર-૨' સુપર હિટ થઈ પરંતુ એનો મોટાભાગનો યશ સની દેઓલ લઈ ગયો. બીજી તરફ, વરુણની ઉપરાઉપરી બે કોમેડી ફિલ્મો 'સની સંસ્કારી કી તુલસી કુમારી' અને 'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ' બોક્સ ઓફિસ પર કક્કડભૂસ થઈ. એટલે ડેવિડ ધવનના પુત્રએ જાતે જ બોનીની ફિલ્મ છોડી દીધી. એમાં મોટા દિકરા અર્જુન કપૂરની ગાડી ફરી પાટે ચડાવવાની બોનીની ઇચ્છા મનમાં જ રહી ગઈ છે.
નોંધવા જેવી વાત એ છે કે રાઇટર-ડિરેક્ટર અનીસ બઝમી હજુ પણ ફિલ્મ બનાવવા પહેલા જેટલા જ ઉત્સાહિત છે. બોની કપૂર થોડી ધીરજ અને કુનેહ બતાવી ફિલ્મ માટે નવી સ્ટારકાસ્ટ ફાઈનલ કરે તો હજુ પણ તેઓ 'નો એન્ટ્રીમાં એન્ટ્રી' કરી શકે છે.

