Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Vasant Desai's memorable work 'Rani Aur Lal Pari', a musical journey that won the hearts of children

વસંત દેસાઈની યાદગાર કૃતિ 'રાની ઔર લાલ પરી', બાળકોના દિલ જીતી લેનાર સંગીતની સફર

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
વસંત દેસાઈની યાદગાર કૃતિ 'રાની ઔર લાલ પરી', બાળકોના દિલ જીતી લેનાર સંગીતની સફર
સોર્સ : gstv

સિને મેજિક- અજિત પોપટ

App Store

પતિના અવસાનના સમાચાર મળતાં બીમાર પત્ની જીવવાની આશ મૂકી દઇને ચિરવિદાય લે છે પછી બાળકી જે ભાવના રજૂ કરે છે એ આશા ભોંસલેના કંઠમાં રજૂ કરાઇ છે- 'માં કે આંસુ, મા કી મમતા, માં જાને રે મા, ક્યા જાનેંગે દેવદેવતા ઔર ઉન કી દુનિયા…'

દુનિયાભરના સાહિત્યમાં બાળકો માટે કેટલીક સરસ રચનાઓ થઈ છે. આપણે ત્યાં પંચતંત્ર કે હિતોપદેશ છે એમ વિદેશી સાહિત્યમાં અરેબિયન નાઇટ્સ, યુરોપિયન સાહિત્યમાં સિન્ડ્રેલા અને ગુલિવર્સ ટ્રાવેલ્સ વગેરેનો સમાવેશ થાય છે. 1975ના ડિસેંબરની 22મીએ અણધાર્યા અકસ્માતમાં સંગીતકાર વસંત દેસાઇ અવસાન પામ્યા. એ પહેલાં 1975ના ઓગસ્ટમાં વસંત દેસાઇના સંગીતથી સજેલી એક હિટ ફિલ્મ રજૂ થઈ. ટાઇટલ હતું, 'રાની ઔર લાલ પરી'. એ બાળકો માટેની ફેન્ટસી હતી. જોકે આ ફેન્ટસી ફિલ્મમાં પણ આગેવાન કલાકારો ઘણા હતા. જ્યુબિલી કુમાર તરીકે જાણીતા રાજેન્દ્ર કુમાર, આશા પારેખ, જિતેન્દ્ર, રીના રોય, ફિરોઝ ખાન, નીતુ સિંઘ, પ્રેમનાથ, ડેની ડેન્ઝોંગ્પા, અરુણા ઇરાની, સત્યેન કપ્પુ, બેબી રાની, માસ્ટર અબ્બાસ વગેરે આ ફિલ્મમાં ચમક્યાં હતાં. બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોવા છતાં ફિલ્મ હિટ નીવડી હતી. રવિ નાગાઇચ નિર્દેશિત આ ફિલ્મને સંગીતકાર વસંત દેસાઈની છેલ્લી ફિલ્મ ગણીને આદરભેર વિદાય આપીએ.

'આશીર્વાદ' ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ ગંભીર કે રાગદારી સંગીત ઓછું અને બાળકોને ખુશ કરી દે એવા પ્રયોગ વધુ હતા. મૂળ બાળકથાની સાથે ગુલિવર્સ ટ્રાવેલ્સ અને સિન્ડ્રેલાની કથાનો પણ સમાવેશ આ ફિલ્મની કથામાં કરી લેવાયો હતો. માતાપિતા વિનાની એક બાળકી સ્વાર્થી સગાંસંબંધી દ્વારા અત્યાચારનો ભોગ બને છે. એનો એક બાળદોસ્ત પપ્પુ એને લાલપરીની વાત કરે છે. લાલપરીની સહાયથી રાની યમલોકમાં જાય છે. યમરાજને હંફાવે છે. (અહીં કઠો ઉપનિષદના નાયક નચિકેતાને યાદ કરી શકાય. એ બ્રહ્મજ્ઞાાન પ્રાપ્ત કરવા યમલોકમાં ગયેલો એવી પૌરાણિક કથા છે.) રાની પોતાનાં માતાપિતાને પાછાં મેળવે છે અને મોજ કરે છે. રાજેન્દ્ર કુમારે રાનીના પિતા અને આશા પારેખે રાનીની માતાનો રોલ કરેલો. યમરાજ તરીકે પ્રેમનાથ ચમક્યા હતા તો લાલપરી તરીકે રીના રોયે અભિનય કર્યો હતો.

બાલ કવિ બૈરાગીએ બાળકોને મજા પડે એવાં ગીતો રચ્યાં હતાં. અહીં માત્ર બેએક ગીત ક્લાસિકલ રાગ આધારિત છે. બાકીના ગીતો રમતિયાળ તર્જ લયમાં સજાવાયા હતા. આશા ભોંસલે, દિલરાજ કૌર અને મન્ના ડે વચ્ચે ગીતો વહેંચાઇ ગયા હતા. આ એ સમયગાળો હતો જ્યારે લતા મંગેશકર અને વસંત દેસાઈ વચ્ચે બહુ ઓછો મનમેળ હતો એટલે અહીં લતા ગેરહાજર છે.

વિેદેશ કમાવા ગયેલા પિતા પાછા ફરતી વખતે અકસ્માતમાં મરણ પામ્યા છે એવા સમાચાર મળ્યા પછી રાનીના દિલની વાત દિલરાજ કૌરના કંઠે રજૂ કરતું ગીત આ રહ્યું- 'પાપા કો પપ્પી લાખોં બાર, મમ્મી દુઃખી હૈ, મૈં હું લાચાર, મેરી ફીસ ભરેગા કૌન, ઇતની દયા કરેગા કૌન, મામા બહુત સતાતા હૈ, મા કો રોજ રુલાતા હૈ…' બાળહૃદયની આવી વાતો રાગરાગિણીમાં તો રજૂ ન જ થાયને! એટલે અહીં પણ કેટલેક અંશે રેપ સોંગ જેવી રચના છે.

સરસ રીતે વહેતા કથા પ્રવાહમાં વચ્ચે મન્ના ડેના કંઠમાં ગુલિવરની વાતો યાદ આવે છે- 'હૈ અજબ કહાની ગુલિવર કી, અરે જો ભી સુને વો સુનતા જાયે, કાલ કા પહીયાં ઐસા ઘુમા, લગા નહીં કુછ ભી અંદાજ, તૂટ ગયા તૂફાન મેં, બડે બડે ટુકડે હુઆ જહાજ…' આ ગીતમાં ગુલિવરના પ્રવાસનો સાર વ્યક્ત થયો છે. અહીં પણ સૂરાવલિ ઓછી અને શબ્દોને અનુરૂપ પાર્શ્વસંગીત તેમજ તર્જ ગૂંથાયેલાં છે.

પતિના અવસાનના સમાચાર મળતાં બીમાર પત્ની જીવવાની આશ મૂકી દઇને ચિરવિદાય લે છે પછી બાળકી જે ભાવના રજૂ કરે છે એ આશા ભોંસલેના કંઠમાં રજૂ કરાઇ છે- 'માં કે આંસુ, મા કી મમતા, માં જાને રે મા, ક્યા જાનેંગે દેવદેવતા ઔર ઉન કી દુનિયા…' અહીં જોકે ફિલ્મ સર્જક અને બાલકવિ બૈરાગી, મારા નમ્ર મતે, થાપ ખાઇ ગયા છે.

અહીં બાળકના કંઠે જે શબ્દો મૂ્ક્યા છે એ જરા વધુ પડતા છે- 'યહ સબ ચલતે ફિરતે પથ્થર, કહતે હૈં જો ખુદ કો ઇશ્વર, કેવલ પૂજા કે પ્યાસે હૈં, ઇન મેં પ્યાર કહાં…' કોઈ બાળક ભગવાન માટે આવું શી રીતે વિચારી શકે?

થોડા કરૂણ સ્વરો ધરાવતા રાગ શિવરંજની અને કાફીના સમન્વયથી સજેલા એક ગીતને સંગીતકારે આઠ માત્રાના તાલ કહરવા અને ચૌદ માત્રાના તાલ દીપચંદીમાં એમ બે તાલમાં સજાવ્યું છે. બાળક ઠપકાના સૂરમાં કહે છે- 'રાની કી ના માની તૂને, બાતેં જો સયાની, તો તેરી મેરી કટ્ટી હો જાયેગી, જો મેરી અમ્મી હો તો સો જાયેગી…' રાની પોતાની બીમાર માતાને સુવડાવવા ગાતી હોય એવો ભાવ છે- 'સપને મેં ચંદા કે ગાંવ ચલેંગે, મોતી સે પરીયોં કે સંગ મિલેંગે…' પરદા પર આ ગીત ઋજુ હૃદયના ઓડિયન્સની આંખો ભીંજવતું. આજે કદાચ એવી અસર ન પણ થાય.

એક અત્યંત રમૂજી ગીત પણ બાળહૃદયની અપેક્ષા રજૂ કરે છે- 'અમ્મી કો ચુમ્મી, પાપા કો પ્યાર, છોટે સે સવાલ હૈં મેરે દો ચાર…' કયા છે એે સવાલ? 'આઇસક્રીમ કે ઝાડ કહાં, તોફી કે પહાડ કહાં, ચોકલેટ કી ફસલ કહાં, બિસ્કીટવાલા કમલ કહાં, લીમકા કા તાલાબ કહાં, ચોકલેટ કી નાવ કહાં… પછી બાળકની ફરિયાદ આવે છે- બચપન ક્યૂં ઇતના લાચાર, ક્યૂં હૈ મતલબ કા સંસાર… આ ગીત રાગ પહાડી પર આધારિત છે અને કહરવા તાલમાં સાંભળનારને ઝૂમતાં કરી દે છે.

જગવિખ્યાત સિન્ડ્રેલાની કથાનો કોપીરાઇટ ભંગ ન થાય એ રીતે અહીં એ કથાને વણી લીધી છે - 'એક બાર એક લડકી થી, નામ થા જિસ કા સિમરૌલા, પરીયોં જૈસી પ્યારી, ગુડિયા જૈસી રાજદુલારી…' સાવકી માતાના અત્યાચાર સહેતી આ બાળકીને એક પરીની સહાય મળે છે અને એ રાજ્યના પ્રિન્સની બર્થ ડે પાર્ટીમાં જાય છે. પ્રિન્સના દિલમાં વસી જાય છે. આખી કથાનો સાર અહીં મન્ના ડે, આશા ભોંસલે અને દિલરાજ કૌરના કંઠે કહેવાય છે. નાનામોટા સૌ કોને ગમી જાય એવી આ વાર્તા ફિલ્મના ગીતમાં વણી લેવાઇ છે અને બાળકો હોંશે હોંશે ગાઇ શકે એવી રમતિયાળ રીતે સ્વરાંકિત કરાઇ છે.

એક મજેદાર રોમાન્ટિક ગીત પણ આ ફિલ્મમાં ઉમેરાયું છે. આશાના કંઠે રજૂ થતું એે ગીત એટલે આ- 'મેરા ફૂલબદન કુમ્હલાયે રે, પિયા બાદલ બન કે બરસો, મેરી કનક છડી સી કમર, કમર મેં ભંવર, ભંવર ભી ગહરા, મેરા સોને જૈસા રંગ, રંગ મેં રસા બસા હર અંગ…' આ મુલાયમ ગીતને રાગ ભિન્નષડ્જ (ઉર્ફે કૌંસીધ્વનિ) અને પહાડીના સમન્વયથી સંગીતકારે અુત રીતે સજાવ્યું છે.

વધુ એક બાળગીત આશા અને દિલરાજ કૌરના કંઠમાં મોટિવેશનલ ટાઇપનું રજૂ થયું છે- 'કિરણોં સે ઝગમગાયે, ખૂશ્બુ સે ફૈલ જાયે, બચ્ચોં હમારી દુનિયા હમ હી નઈ સજાયેં, હૈં ફૂલ એક ચમન કે, હૈં એક ગગન કે તારે, ખોટે હૈં સબ મુખોટે, નકલી હૈં સબ દિવારેં…'

ફિલ્મ ધાર્યા કરતાં વધુ સફળ નીવડી હતી અને હિટ ગણાઇ હતી. બોક્સ આફિસ પર પણ ધૂમ આવક થઇ હતી. વસંત દેસાઈને યશ મળ્યો હતો. ત્યારના વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ કટોકટી લાદી હતી પરંતુ આ ફિલ્મને કોઇ સરકારી વિઘ્ન નડયું નહોતું. બાળકો માટેની ફિલ્મ હતી અને વખણાઇ હતી.

વસંત દેસાઈના યાદગાર સંગીતની ઊડતી ઝલક અહીં સમાપ્ત થાય છે.