Travel Tips / ટ્રાવેલિંગ દરમિયાન હોમસ્ટે શોધી રહ્યા હોવ, તો ધ્યાનમાં રાખો આ મહત્ત્વપૂર્ણ બાબતો

ટ્રિપનો પ્લાન બનાવતા જ એક અનોખો ઉત્સાહ અનુભવાય છે, નવા રૂટ્સ, નવી જગ્યાઓ, અનોખા સ્વાદ અને આરામની ક્ષણો. પરંતુ આ અનુભવને યાદગાર બનાવવામાં એક વસ્તુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે છે રહેવાની જગ્યા. કેટલાક સમયથી લોકો વધુને વધુ હોમસ્ટે પસંદ કરી રહ્યા છે, જે ઘર જેવો આરામ, સ્થાનિક સ્પર્શ અને ઓછા ખર્ચે ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરે છે.
આ બધા વચ્ચે, પ્રશ્ન ઊભો થાય છે: શું દરેક હોમસ્ટે તમારી ટ્રિપને આરામદાયક બનાવી શકે છે? ખોટી પસંદગી ફક્ત તમારા બજેટને જ નહીં પરંતુ સમગ્ર ટ્રિપને પણ બગાડી શકે છે. તેથી, જો તમે ટ્રિપ પ્લાન કરી રહ્યા છો અને હોમસ્ટે શોધી રહ્યા છો, તો આ 8 મહત્ત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખો.
યોગ્ય સ્થાન પસંદ કરો
શહેરથી દૂર સ્થિત અથવા પર્યટન સ્થળોથી દૂર સ્થિત હોમસ્ટે પસંદ કરવાથી સમય અને પૈસા બંનેનો બગાડ થશે. હંમેશા એવું હોમસ્ટે પસંદ કરો જે મુસાફરીને સરળ બનાવવા માટે મુખ્ય સ્થાન સાથે સારી રીતે જોડાયેલ હોય.
રિવ્યુ અને રેટિંગ ચેક કરવાનું ન ભૂલશો
ઓનલાઈન બુકિંગ કરતા પહેલા, હંમેશા અગાઉના પ્રવાસીઓના રિવ્યુ અને સ્ટાર રેટિંગ ચેક કરો. આનાથી હોમસ્ટેની સ્વચ્છતા, સુવિધાઓ અને હોસ્ટના વર્તનનું મૂલ્યાંકન કરવાનું સરળ બને છે.
સુરક્ષા સર્વોપરી છે
હોમસ્ટે ગમે તેટલું સુંદર હોય, જો તેમાં સુરક્ષાનો અભાવ હોય, તો ત્યાં રોકાવું યોગ્ય નથી. દરવાજાની લોકીંગ સિસ્ટમ અને આસપાસનો વિસ્તાર સુરક્ષિત છે કે નહીં તે ચેક કરો.
ખોરાકની માહિતી મેળવો
કેટલાક હોમસ્ટે ભોજન પણ પ્રદાન કરે છે, જ્યારે અન્ય ભોજન બનાવવા માટે રસોડું આપે છે. તમને જ પ્રકારની સુવિધા જોઈએ છે, તે મુજબ હોમસ્ટે પસંદ કરો. જેથી તમને ભૂખ લાગી હોય તો ત્યારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
હોસ્ટનું વર્તન અને ઉપલબ્ધતા
એક સારો હોસ્ટ ફક્ત તમારી જરૂરિયાતો જ પૂરી કરતો નથી પણ સ્થાનિક માહિતી પણ શેર કરે છે. બુકિંગ કરતા પહેલા, પૂછો કે એટેન્ડન્ટ કેટલા સમય માટે ઉપલબ્ધ રહેશે.
સ્વચ્છતાના ધોરણો
COVID-19 રોગચાળા પછી સ્વચ્છતાને અવગણી ન શકાય. હોમસ્ટેના ફોટા જુઓ અને જુઓ કે બેડ, વોશરૂમ અને અન્ય સુવિધાઓમાં સ્વચ્છતા જાળવવામાં આવે છે કે નહીં.
Wi-Fi અને મૂળભૂત સુવિધાઓ
આજના ડિજિટલ યુગમાં, Wi-Fi અને મોબાઈલ નેટવર્ક આવશ્યક બની ગયા છે. ઉપરાંત, ગરમ પાણી, પંખા અને હીટર જેવી મૂળભૂત સુવિધાઓ પણ ચેક કરો.
કેન્સલેશન અને રિફંડ પોલિસી
જો કોઈ કારણોસર ટ્રિપ કેન્સલ કરવામાં આવે છે, તો શું તમને રિફંડ મળશે? હોમસ્ટેની કેન્સલેશન અને રિફંડ પોલિસી કાળજીપૂર્વક વાંચવાની ખાતરી કરો.

