VIDEO : જીવનમાં ઉતારો નવદુર્ગાના આ 9 ગુણો, તમને મળશે અવશ્ય સફળતા
હિંદુ ધર્મમાં નવરાત્રિને શક્તિની ઉપાસનાનું સૌથી પવિત્ર પર્વ માનવામાં આવે છે. આ દરમિયાન ભક્તો નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે. વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિ 19માર્ચથી 27 માર્ચ સુધી ઉજવવામાં આવશે, જેમાં દરરોજ માતાજીના એક અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ નવ સ્વરૂપો આપણને જીવનના ઘણા મહત્વપૂર્ણ ગુણો શીખવે છે, જે સફળતા અને આત્મિક શાંતિનો માર્ગ બતાવે છે.
જો આપણે મા દુર્ગાના નવ સ્વરૂપોમાંથી મળતા આ નવ જીવન મૂલ્યોને અપનાવીએ, તો જીવનમાં સફળતા, સંતુલન અને માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકાય છે. નવરાત્રિ માત્ર પૂજાનું પર્વ નથી, પરંતુ તે આત્મશુદ્ધિ અને આત્મવિકાસની તક પણ છે. આ દરમિયાન ઉપવાસ, ધ્યાન અને પૂજા દ્વારા લોકો પોતાની નકારાત્મકતા દૂર કરવા અને સકારાત્મક ઉર્જા મેળવવાનો પ્રયાસ કરે છે. અહીં જાણો નવદુર્ગાના ગુણો જે આપણને જીવન જીવવાની શીખ આપે છે અને સફળતા મેળવવાનો માર્ગ બતાવે છે.
મા દુર્ગાના ૯ સ્વરૂપ અને તેમાંથી મળતી જીવનની શીખ
1. મા શૈલપુત્રી
શીખ: આત્મવિશ્વાસ
નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા થાય છે. આ સ્વરૂપ આપણને શીખવે છે કે જીવનમાં આત્મવિશ્વાસ અને સ્થિરતા અત્યંત જરૂરી છે.
2. મા બ્રહ્મચારિણી
શીખ: તપ અને ધૈર્ય
બીજા દિવસે બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. તેમના દ્વારા આપણને સંયમ, તપ અને ધીરજની પ્રેરણા મળે છે.
3. મા ચંદ્રઘંટા
શીખ: સાહસ
દેવી ચંદ્રઘંટા શક્તિ અને વીરતાનું પ્રતીક છે. આ સ્વરૂપ આપણને સાહસ અને નિડરતાનો સંદેશ આપે છે.
4. મા કૂષ્માંડા
શીખ: સકારાત્મક ઉર્જા
દેવી કૂષ્માંડાને સૃષ્ટિના રચયિતા માનવામાં આવે છે. તેમના દ્વારા આપણને સકારાત્મક વિચારસરણી અને ઉર્જા જાળવી રાખવાની શીખ મળે છે.
5. મા સ્કંદમાતા
શીખ: પ્રેમ અને કરુણા
સ્કંદમાતા માતૃત્વ અને કરુણાનું પ્રતીક છે. તેમના દ્વારા આપણને દયા, પ્રેમ અને સહાનુભૂતિનો સંદેશ મળે છે.
6. મા કાત્યાયની
શીખ: સાહસ અને ન્યાય
દેવી કાત્યાયની અન્યાય વિરુદ્ધ ઉભા રહેવાની શક્તિ આપે છે. આ સ્વરૂપ આપણને સત્ય અને ન્યાય માટે સંઘર્ષ કરવાનું શીખવે છે.
7. મા કાલરાત્રિ
શીખ: ભય પર વિજય
કાલરાત્રિ દેવીનું સ્વરૂપ બુરાઈના વિનાશનું પ્રતીક છે. તેમનાથી આપણને ભય દૂર કરવાની અને મુશ્કેલીઓનો સામનો કરવાની પ્રેરણા મળે છે.
8. મા મહાગૌરી
શીખ: શુદ્ધતા અને શાંતિ
મહાગૌરીનું સ્વરૂપ શાંતિ અને પવિત્રતાનું પ્રતીક છે. આ સ્વરૂપ આપણને મનની શુદ્ધતા અને સાદગી અપનાવવાની પ્રેરણા આપે છે.
9. મા સિદ્ધિદાત્રી
શીખ: સફળતા અને સિદ્ધિ
નવરાત્રિના અંતિમ દિવસે સિદ્ધિદાત્રીની પૂજા થાય છે. આ દેવી સફળતા, જ્ઞાન અને સિદ્ધિ પ્રદાન કરનાર માનવામાં આવે છે.

