Recipe : ગુંદાનું અથાણું તો બહુ ખાધું, હવે ટ્રાય કરો આ ચટાકેદાર શાક: ઓછી મહેનતે અને ઝડપથી બની જશે

ઉનાળાની શરૂઆત થતા જ દરેક ગુજરાતી ઘરમાં કેરી અને ગુંદાના અથાણાંની તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. ગુંદા માત્ર અથાણાં માટે જ નહીં, પણ તેના અદભૂત સ્વાસ્થ્યવર્ધક ગુણોને કારણે પણ જાણીતા છે. પરંતુ શું તમે ક્યારેય ગુંદાનું મસાલેદાર શાક ટ્રાય કર્યું છે? ખાસ કરીને જ્યારે ગુંદાને ખાસ મસાલાથી ભરીને બનાવવામાં આવે, ત્યારે તેનો સ્વાદ બમણો થઈ જાય છે. ગુંદામાં રહેલી ચીકાશને દૂર કરીને તેને એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કેવી રીતે બનાવવા, તે એક કળા છે.
આ સીઝનમાં મળતા તાજા ગુંદા તબિયત માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે દરરોજના રૂટિન શાક ખાઈને કંટાળ્યા હોવ, તો આ ઓછી મહેનતે અને ઝડપથી બની જતું 'ભરેલા ગુંદાનું શાક' તમારા ભોજનનો સ્વાદ વધારી દેશે. ગરમાગરમ રોટલી કે પરાઠા સાથે આ શાક અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો જાણીએ, ગુંદાનું શાક બનાવવાની એવી સિક્રેટ રેસીપી જે તમારા ઘરના દરેક સભ્યને આંગળા ચાટતા કરી દેશે!
ગુંદાનું શાક માટે સામગ્રી
200-250 ગ્રામ ગુંદા
1 નંગ છીણેલી કાચી કેરી
2 મોટી ચમચી શેકેલો ચણાનો લોટ (બેસન)
2 મોટી ચમચી તેલ
1 ચમચી રાઈ
2 ચમચી સફેદ તલ
ચપટી હિંગ
સ્વાદ મુજબ મીઠું
1/2 ચમચી હળદર
3 ચમચી ધાણાજીરું
2 ચમચી લાલ મરચું
1 ચમચી ગરમ મસાલો
2 ચમચી ખાંડ અથવા ગોળ
ઝીણી સમારેલી કોથમીર
ગુંદાનું શાક બનાવવાની રીત
સૌ પ્રથમ ગુંદાને બરાબર ધોઈને કોરા કરી લો. ચાકુને મીઠાવાળું કરીને ગુંદામાંથી બી કાઢી લો (જેથી ગુંદાની ચીકાશ હાથે ન ચોંટે).
એક બાઉલમાં છીણેલી કેરી, શેકેલો ચણાનો લોટ, હળદર, ધાણાજીરું, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું, હિંગ અને ખાંડ અથવા ગોળ ઉમેરી બરાબર મિક્સ કરો.
આ તૈયાર કરેલો મસાલો ગુંદામાં બરાબર ભરી દો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે રાઈ, તલ અને હિંગનો વઘાર કરો.
રાઈ અને તલ તતડે એટલે ભરેલા ગુંદા પેનમાં મૂકો. હળવેથી ગુંદાને વઘારમાં મિક્સ કરો, હવે ઢાંકણ ઢાંકીને ધીમા તાપે 20 મિનિટ અથવા ગુંદા નરમ થાય ત્યાં સુધી ચઢવા દો. વચ્ચે 3 વાર હલાવતા રહેવું.
ગુંદા બરાબર ચઢી જાય અને તેનો રંગ બદલાય એટલે ગેસ બંધ કરી ઉપરથી કોથમીર છાંટો. જો તમારે રસાવાળું શાક જોઈતું હોય, તો ગેસ બંધ કર્યા પછી તેમાં થોડું ફીણેલું દહીં ઉમેરી શકો છો. આ ગુંદાનું શાક રોટલી, પરાઠા સાથે સર્વ કરો.

