Recipe: સ્વાદિષ્ટ અને હેલ્ધી: આ હોળી પર મહેમાનો માટે ખાસ 'કેસર-બદામ શરબત

હોળીનો તહેવાર એટલે રંગો, મીઠાશ અને ખુશીઓનો સંગમ. આ દિવસે ઘરોમાં ઘૂઘરા, દહીં-વડા, છોલે-ભટુરે અને અવનવી મીઠાઈઓ પીરસવામાં આવે છે. પરંતુ જો આ બધી વાનગીઓ સાથે ઠંડું અને સુગંધિત કેસર-બદામનું શરબત કે ઠંડાઈ મળી જાય, તો તહેવારની મજા બમણી થઈ જાય છે. આ વર્ષે હોળી (ધૂળેટી) 4 માર્ચે ઉજવવામાં આવશે, જ્યારે 3 માર્ચે હોલિકા દહન થશે.
જો તમે પણ આ વખતે મહેમાનો માટે કંઈક ખાસ અને શુદ્ધ ઘરે જ બનાવવા માંગતા હોવ, તો કેસર-બદામ શરબત શ્રેષ્ઠ વિકલ્પ છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે શરીરને ઠંડક પણ આપે છે. તો ચાલો જાણીએ આ શરબત બનાવવાની સરળ રીત.
કેસર-બદામ શરબત બનાવવા માટેની સામગ્રી:
- 10 થી 12 નંગ બદામ
- 1/4 કપ તરબૂચ કે ટેટીના બી (મગજતરી)
- 10 થી 12 કેસરના તાંતણા
- 2 થી 3 નંગ એલચી
- થોડી વરિયાળી
- 1 ચમચી ખસખસ
- 4 કપ ખાંડ
- 2 કપ પાણી
- અડધું લીંબુ
- દૂધ અથવા ઠંડું પાણી (સર્વ કરવા માટે)
- સજાવટ માટે કાજુ-પિસ્તાની કાતરી
કેવી રીતે તૈયાર કરશો શરબત?
1. પૂર્વ તૈયારી: સૌથી પહેલા બદામને 2 થી 4 કલાક માટે ગરમ પાણીમાં પલાળી દો, જેથી તેની છાલ સરળતાથી નીકળી જાય. તેવી જ રીતે મગજતરીના બીને પણ ધોઈને પલાળી દો.
2. ચાશણી બનાવવી: એક વાસણમાં પાણી અને ખાંડ નાખીને ઉકાળો. જ્યારે ખાંડ ઓગળી જાય અને એક તાર જેવી ચાશણી બનવા લાગે, ત્યારે તેમાં લીંબુના રસના થોડા ટીપાં નાખો. લીંબુ નાખવાથી ખાંડનો કચરો (ફીણ) ઉપર આવી જશે જેને કાઢી લેવો. ત્યારબાદ તેમાં કેસર ઉમેરો અને ચાશણીને ઠંડી થવા દો.
3. પેસ્ટ તૈયાર કરવી: પલાળેલી બદામની છાલ ઉતારી લો. હવે બદામ અને પલાળેલા બીને મિક્સરમાં ઓછું પાણી નાખીને એકદમ બારીક પીસી લો. એલચીનો પણ પાવડર કરી લો.
4. મિશ્રણ તૈયાર કરવું: તૈયાર થયેલી બદામની પેસ્ટને ઠંડી પડેલી ચાશણીમાં બરાબર મિક્સ કરો. હવે તેમાં એલચી પાવડર ઉમેરો. બધું બરાબર હલાવી લો એટલે તમારું કેસર-બદામ શરબત (Concentrate) તૈયાર છે. તેને એક કાચની બોટલમાં ભરીને ફ્રિજમાં રાખી દો.
શરબત સર્વ કરવાની રીત:
એક ગ્લાસમાં 1 ભાગ તૈયાર કરેલું શરબતનું મિશ્રણ લો અને તેમાં 4 ભાગ ઠંડું દૂધ અથવા પાણી ઉમેરો. તેને બરાબર હલાવીને ઉપરથી ઝીણા સમારેલા કાજુ-પિસ્તા અને કેસરના તાંતણાથી ગાર્નિશ કરો. જો આ શરબતને એરટાઈટ બોટલમાં ફ્રિજમાં રાખવામાં આવે તો તે લાંબા સમય સુધી સારું રહે છે. (નોંધ: ઉપયોગ કરતા પહેલા બોટલને બરાબર હલાવી લેવી જેથી નીચે બેસી ગયેલી પેસ્ટ મિક્સ થઈ જાય.)

