Recipe: હોળી પર મહેમાનોને ખવડાવો આ ક્રિસ્પી ભજીયા, 10 મિનિટમાં થઈ જશે તૈયાર

હોળી પર ઘણા ઘરોમાં ભજીયા બનાવવામાં આવે છે, પરંતુ દર વખતે બટાકા, ડુંગળી અને કોબીજના ભજીયા ખાઈને બાળકો પણ કંટાળી જાય છે. તો આ વખતે તમે 5 અલગ પ્રકારના ભજીયા ટ્રાય કરો, જેને ખાઈને બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો ખુશ થઈ જશે. તમારી હોળી પણ યાદગાર બની જશે, સારી વાત એ છે કે આ બનાવવામાં બહુ મહેનત પણ નથી લાગતી અને તે ક્રિસ્પી પણ બને છે.
હોળીનો તહેવાર હોય અને ઘરમાં ગરમા-ગરમ ભજીયા ન બને, એવું કેવી રીતે બની શકે! સામાન્ય રીતે આ દિવસે ઘરોમાં ફ્લાવર, બટાકા કે ડુંગળીના ભજીયા જ બનાવવામાં આવે છે, પરંતુ જો તમે આ વખતે કંઈક નવું અને અલગ ટ્રાય કરવા માંગો છો, તો આ ખાસ ભજીયા તમારી હોળી પાર્ટીનો સ્વાદ બમણો કરી દેશે. આ રેસીપી સ્વાદમાં લાજવાબ છે અને બનાવવામાં પણ સરળ છે. હોળી પર આ અલગ પકોડા ખાઈને તમારા ઘરે આવતા મહેમાનો પણ તમારી પ્રશંસા કર્યા વગર રહી શકશે નહીં.
પાલકના ભજીયા
પાલકના ભજીયા ક્રિસ્પી હોય છે. તેને બનાવવા માટે તાજી પાલકના પત્તા ધોઈને સૂકવી લો. એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું, લાલ મરચું પાવડર, અજમો અને થોડો ચોખાનો લોટ મિક્સ કરો. હવે તેમાં પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરો. હવે પાલકના પત્તાઓને આ ખીરામાં ડુબાડીને ગરમ તેલમાં ફ્રાય કરી લો. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આ ભજીયા દરેકને ગમશે, જેને તમે ચટણી સાથે પીરસો.
સરગવાના ભજીયા
સરગવો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના પાન પોષણથી ભરપૂર હોય છે અને તેના ભજીયા પણ ટેસ્ટી હોય છે. સરગવાના ભજીયા બનાવવા માટે સૌથી પહેલા તેને ડાળખીથી અલગ કરી સારી રીતે ધોઈ લો. ચણાના લોટમાં હળદર, ધાણાજીરું પાવડર, લીલા મરચાં અને થોડી લસણની પેસ્ટ મિક્સ કરો. તેમાં સરગવાના પાન ઉમેરીને બરાબર મિક્સ કરી લો. નાના-નાના ભજીયા બનાવી તેલમાં સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરો. આ પકોડા ટેસ્ટની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.
કોબીજના ભજીયા
જો તમે કંઈક ક્રિસ્પી ભજીયા ખાવા માંગતા હોવ, તો તમારા માટે કોબીજના ભજીયા બેસ્ટ છે. ઝીણી સમારેલી કોબીજમાં ચણાનો લોટ, મીઠું, મરચું, ગરમ મસાલો અને થોડી સમારેલી લીલી કોથમીર મિક્સ કરો. ઈચ્છો તો થોડી સોજી (રવો) પણ ઉમેરી શકો છો, જેનાથી ભજીયા વધુ ક્રિસ્પી બનશે. આ પેસ્ટ તૈયાર કર્યા પછી નાના-નાના બોલ બનાવી ગરમ તેલમાં ફ્રાય કરો. તેને ટોમેટો સોસ અથવા લીલી ચટણી સાથે ગરમા ગરમ પીરસો.
જાસૂદના પકોડા
ઉત્તરાખંડમાં જાસૂદના ફૂલના ભજીયા ખૂબ જ ખવાય છે. ભલે તે સાંભળવામાં થોડું અલગ લાગે, પણ ટેસ્ટમાં તે ખૂબ જ ખાસ હોય છે. તાજા અને સાફ જાસૂદના ફૂલના ભજીયા લાજવાબ હોય છે. તાજા જાસૂદના ફૂલ લો, એક બાઉલમાં બેસનમાં મીઠું, હળદર, લાલ મરચું અને થોડો ચાટ મસાલો ઉમેરીને ખીરું બનાવો. ફૂલોને ખીરામાં ડુબાડીને હળવા ક્રિસ્પી થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરી લો.

