Recipe : શિયાળામાં બનાવો બાજરાની ખીચડી, ગરમાગરમ ખાવાની આવશે મજા

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીની ઋતુમાં લોકોની ડાયટ બદલી જાય છે. આ સમયે આહારમાં એવી વસ્તુઓ એડ કરવામાં આવે છે જે શરીરને ગરમી આપે એટલે કે જે વસ્તુઓની તાસીર ગરમ હોય તેનું સેવન શિયાળામાં વધારે થતું હોય છે. આવી જ એક વસ્તુ છે બાજરો.
શિયાળો શરૂ થાય ત્યારથી જ ઘરમાં બાજરીના રોટલા, બાજરીની રાબ અને અન્ય વસ્તુઓ બનવા લાગે છે. બાજરાની તાસીર ગરમ હોય છે અને બાજરો શરીરને ફાયદો કરે છે. બાજરાનો લોટ કોઈપણ ઉંમરની વ્યક્તિ ખાઈ શકે છે. બાજરો શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે અને એનર્જી પણ આપે છે.
બાજરીના ફાડાને દાળ સાથે ઘીમાં પકાવીને બાજરીની ખીચડી તૈયાર કરવામાં આવે છે. આ ખીચડી શરીર માટે ફાયદાકારક છે. રાત્રે જો તમે આ ખીચડી બનાવીને ખાશો તો તેનાથી શરીરને ઘણા બધા ફાયદા થશે. બાજરીની ખીચડી રાજસ્થાનની પ્રખ્યાત ડીશ છે. બાજરીની ખીચડી શરીરને શક્તિ આપવાની સાથે ગરમાવો આપવાનું કામ પણ કરે છે. બાજરીની ખીચડીમાં મુખ્ય રીતે બાજરાના દલીયા એટલે કે બાજરાના ફાડા અને મગની ફોતરાવાળી દાળનો ઉપયોગ થાય.
આ ખીચડી બનાવવા માટે બાજરીના ફાડા અને મગની દાળના ફાડાને ઘીમાં મસાલા સાથે સાંતળી પાણી ઉમેરી બાફવાના હોય છે. જો તમે ઈચ્છો તો આ ખીચડીનો સ્વાદ વધારવા માટે તેમાં લસણ, ડુંગળી, આદુ, મરચા અને અલગ અલગ શાકભાજી પણ ઉમેરી શકો છો. જે રીતે ચોખાની ખીચડી બને છે તે રીતે જ બાજરાની ખીચડી તૈયાર કરવાની હોય છે. આ ખીચડી ગરમ હોય ત્યારે તેમાં ઉપરથી ઘી ઉમેરીને ખાવાથી તેનો સ્વાદ વધી જાય છે. શિયાળામાં રાત્રે ડિનરમાં આ ખીચડી ખાશો તો તમને વજન ઘટાડવામાં પણ મદદ મળશે.

