Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : 'Gulkand' will cool the body from within in the summer heat,

Recipe : ઉનાળાની ગરમીમાં શરીરને અંદરથી ઠંડક આપશે 'ગુલકંદ', ગેસ અને અપચો થશે છૂમંતર; જાણો ઘરે બનાવવાની રીત

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Recipe : ઉનાળાની ગરમીમાં શરીરને અંદરથી ઠંડક આપશે 'ગુલકંદ', ગેસ અને અપચો થશે છૂમંતર; જાણો ઘરે બનાવવાની રીત
સોર્સ : gstv

ઉનાળાની ઋતુ આવતા જ સખત તડકો અને પરસેવો આપણને બેહાલ કરી દે છે. આવી સ્થિતિમાં આપણે અવારનવાર ફ્રીજનું ઠંડું પાણી કે બરફવાળા કોલ્ડ ડ્રિંક્સ પીને રાહત મેળવવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ આ વસ્તુઓ શરીરને અંદરથી નુકસાન પહોંચાડે છે. તો પછી ગરમીને મ્હાત આપવાનો અસલી અને દેશી ઉપાય શું છે? તેનો જવાબ છે- ગુલકંદ. ગુલાબની તાજી પાંખડીઓમાંથી બનેલું ગુલકંદ માત્ર સ્વાદમાં જ મીઠું નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે કોઈ જાદુથી ઓછું નથી. આયુર્વેદમાં પણ તેને શ્રેષ્ઠ 'કૂલિંગ ટોનિક' માનવામાં આવ્યું છે.

App Store

પેટની સમસ્યાઓ માટે અચૂક ઈલાજ

ઉનાળામાં ગુલકંદનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ગેસ, એસિડિટી, છાતીમાં બળતરા અને અપચા જેવી પેટની તમામ બીમારીઓને દૂર કરે છે. આ સિવાય જો ગરમીના કારણે મોઢામાં વારંવાર ચાંદા પડતા હોય, નાકમાંથી લોહી આવતું હોય અથવા ખૂબ થાક લાગતો હોય, તો ગુલકંદ તમારા માટે રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે.

બજારમાં મળતું ગુલકંદ તો તમે ખાધું જ હશે, પણ જે સ્વાદ અને શુદ્ધતા ઘરે બનાવેલા ગુલકંદમાં છે તે બીજે ક્યાંય નહીં મળે. ચાલો જાણીએ તેને બનાવવાની સૌથી સરળ રીત.

ગુલકંદ બનાવવા માટેની સામગ્રી

દેશી ગુલાબની તાજી પાંખડીઓ: 250 ગ્રામ
સાકર (ખડી સાકર): 250 ગ્રામ (પીસેલી)
વરિયાળીનો પાવડર: 1 નાની ચમચી
એલચી પાવડર: અડધી ચમચી
કાચની બરણી: એકદમ સાફ અને કોરી

બનાવવાની રીત

પાંખડીઓની સફાઈ: સૌથી પહેલા ગુલાબની તાજી પાંખડીઓને પાણીથી સારી રીતે ધોઈ લો. ત્યારબાદ તેને એક સાફ સુતરાઉ કાપડ પર ફેલાવીને પંખા નીચે સુકવી દો, જેથી તેનું બધું પાણી સુકાઈ જાય.

મિશ્રણ તૈયાર કરવું: હવે આ સૂકી પાંખડીઓને એક મોટા વાસણમાં લો. તેમાં પીસેલી સાકર, વરિયાળી અને એલચી પાવડર ઉમેરીને હાથેથી બરાબર મિક્સ કરો. તમે ઈચ્છો તો હથેળી વડે પાંખડીઓને હળવી મસળી પણ શકો છો.

ભરી દેવું: આ તૈયાર થયેલા મિશ્રણને કાચની બરણીમાં ભરી દો. યાદ રાખજો કે બરણી અંદરથી એકદમ કોરી હોવી જોઈએ, નહીંતર ગુલકંદ બગડી શકે છે.

તડકામાં રાખવું: બરણીનું ઢાંકણું મજબૂત રીતે બંધ કરીને તેને 10 થી 15 દિવસ માટે ઘરની છત કે બાલ્કનીમાં જ્યાં સખત તડકો આવતો હોય ત્યાં રાખો.

ધ્યાન રાખવું: દર એક-બે દિવસે બરણી ખોલીને સૂકી અને સાફ ચમચી વડે ગુલકંદને ઉપર-નીચે કરતા રહો.

તૈયાર: લગભગ બે અઠવાડિયામાં સાકર ઓગળી જશે અને ગુલાબની પાંખડીઓ નરમ થઈને આ મીઠી ચાસણીમાં ભળી જશે. બસ, તમારું સ્વાદિષ્ટ અને 100% શુદ્ધ ગુલકંદ તૈયાર છે.

સેવન કરવાની રીત:

તમે દરરોજ સવારે ખાલી પેટે અથવા રાત્રે સૂતા પહેલા એક ચમચી ગુલકંદ એક ગ્લાસ ઠંડા દૂધ અથવા સાદા પાણી સાથે લઈ શકો છો. બાળકો હોય કે વડીલો, આ દરેક માટે અત્યંત ફાયદાકારક છે.