Recipe : રાત્રિના ભોજન માટે ઝટપટ બનતી સ્વાદિષ્ટ વાનગી, જાણો બનાવવાની રીત

વર્કિંગ વુમન માટે રાત્રિના ડિનરની રસોઈમાં શું બનાવું તે મોટી મૂંઝવણ છે. અત્યારે કયારેક વરસાદ અને કયારેક ગરમી જેવો માહોલ છે. આવી સ્થિતિમાં શરીર માટે બહારનો ખોરાક બિનઆરોગ્યપ્રદ કહી શકાય. એવી કઈ વાનગી બનાવી જે બજારનો ટેસ્ટ આપે ફટાફટ બને બાળકોથી લઈને વયસ્કોને પણ પસંદ આવે તેને લઈને ઘરની મહિલાઓને હંમેશા ચિંતા રહે છે. પનીરમાં પુષ્કળ પ્રોટીન પણ હોય છે, જે ખાવાથી શરીરને ઉર્જા મળશે.
પનીર પરાઠા માટેની સામગ્રી
- 100 ગ્રામ પનીર
- 1 વાટકી ઘંઉનો લોટ
- 1/2 ચમચી મરચું પાઉડર
- 1/4 ચમચી ગરમ મસાલો
- 1/8 ચમચી હિંગ
- 1 ઝીણી સમારેલી ડુંગળી
- સ્વાદનુસાર મીઠું
- જરૂર મુજબ ઘી
પનીર પરાઠા બનાવવાની રીત
એક વાટકી ઘંઉનો લોટ લઈ પરાઠા જેવી કણક બાંધી દો. આ કણકને એરટાઈટ વાસણમાં ઢાંકી દો. અને બીજી બાજુ એક વાટકી તાજું પનીર લો. પનીરને સારી રીતે મેશ કરો જેથી તેમાં કોઈ ગઠ્ઠો ન રહે.
હવે તેમાં બારીક સમારેલી ડુંગળી, લીલા મરચાં, લીલા ધાણા, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું પાવડર અને થોડો ગરમ મસાલો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે કણકના નાના ગોળ લુઆ બનાવી લો.
આ લુઆને રોટલી આકારમાં વણી તેમાં તૈયાર કરેલા પનીરનું મિશ્રણ વચ્ચે મૂકો. અને પછી સ્ટફિંગ બહાર ન આવે તે રીતે કિનારીઓ બંધ કરો અને તેને ધીમેથી રોલ કરો. ત્યારબાદ હવે ગરમ તવા પર દેશી ઘી અથવા તેલ મૂકી પરાઠાને બંને બાજુ સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.
ફક્ત 10 મિનિટમાં જ તૈયાર થઈ ગઈ પનીર પરાઠાની આ વાનગી. ઓછા સમયમાં ફટાફટ બનતી આ વાનગી વર્કિંગ વુમન માટે રાત્રિના ડિનરની બેસ્ટ રેસીપી છે. આ પરાઠાને તમે લીલી ચટણી અથવા દહીં સાથે ખાઈ શકો છો.
આ પરાઠાની વાનગી તમે ઉપવાસ માટે બનાવવા માંગતા હોય તો ઘંઉના લોટના બદલે તમે ફરાળી લોટ લો. અને ડુંગળીના બદલે બટાકાનો ઉપયોગ કરી શકો છો.

