Recipe : નાસ્તામાં બનાવો દૂધીના ટેસ્ટી પરોઠા, બનાવવાની રીત છે ખૂબ જ સરળ

પોષક તત્ત્વોથી ભરપૂર દૂધીના પરોઠા સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. દૂધીના ગુણો વિશે તો આપણે બધા જાણીએ છીએ. દૂધી ખૂબ જ હળવી હોવાની સાથે જ અનેક બીમારીઓમાં ખૂબ જ ફાયદાકારક હોય છે. દૂધી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. દૂધીના પરોઠા પણ ગુણોથી ભરપૂર હોય છે. દૂધીના પરોઠાની ખાસિયત એ છે કે તમે તેને નાસ્તામાં, બપોરના જમવામાં કે રાત્રિના જમવામાં ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો. સામાન્ય રીતે બાળકોને દૂધી ખાવી ગમતી નથી, પરંતુ તેમની સામે દૂધીના પરોઠા તૈયાર કરીને પીરસવામાં આવે તો તેઓ તેને હોશેહોશે ખાય છે. આજે અમે આપને દૂધીના પરોઠાની સરળ રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તેને ઓછા સમયમાં જ બનાવી શકો છો.
દૂધીના પરોઠાની સામગ્રી
ઘઉંનો લોટ - 2 કપ
પાણી - જરૂર મુજબ
મીઠું - સ્વાદ મુજબ
છીણેલી દૂધી - 1 કપ
બારીક સમારેલી તાજી કોથમીર - 1/2 કપ
બારીક સમારેલા લીલા મરચા
1-2, જીરું - 1/2 ચમચી
અજમો - 1/2 ચમચી
લાલ મરચું પાવડર - 1/2 ચમચી
હળદર પાવડર - 1/2 ચમચી
ગરમ મસાલો - 1/2 ચમચી
ઘી અથવા તેલ તળવા માટે
દૂધીના પરોઠા બનાવવાની રીત
એક મિક્સિંગ બાઉલમાં લોટ અને એક ચપટી મીઠું ઉમેરો. ધીમે ધીમે પાણી નાખો અને નરમ લોટ બાંધી લો. લોટ ખૂબ નરમ અથવા ખૂબ કઠણ ન હોવો જોઈએ. તેને એક ભીના કપડાથી ઢાંકી દો અને લગભગ 15-20 મિનિટ સુધી આમ જ રહેવા દો.
હવે છીણેલી દૂધીને સ્વચ્છ કપડા અથવા મલમલના કપડામાં રાખો અને વધારાનું પાણી નિચોવી લો. તમે આ પાણીનો ઉપયોગ લોટ બાંધવા માટે કરી શકો છો. એક મિક્સિંગ બાઉલમાં નિચોવેલી દૂધીને સમારેલી કોથમીર, લીલા મરચા, અજમો, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો અને મીઠાની સાથે મિક્સ કરો.
હવે ઉપર તૈયાર કરેલા લોટનું ગુંદલું લો, તેને વેલણની મદદથી વણી લો, હવે તૈયાર કરેલા દૂધીના મસાલાને વચ્ચે મૂકો. હવે આલુ પરોઠાની જેમ વણેલા પરોઠાને વાળી દો. પછી મિશ્રણ ભરેલા લોટના ગુંદલા પર થોડો સૂકો લોટ છાંટીને તેને હળવા હાથે પરોઠાના આકારમાં વણી લો.
હવે એક તવા અથવા નોન-સ્ટિક કડાઈને મધ્યમ આંચ પર ગરમ કરો. વણેલા પરોઠાને ગરમ તવા પર મૂકો અને સારી રીતે શેકી લો, પરોઠાને પલટાવો અને બંને બાજુ એક ચમચી ઘી અથવા તેલ લગાવો. બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવો.

