VIDEO: Health News/ રોજ આટલા ડગલા ચાલવાથી શરીરમાં શું બદલાવ આવે છે? જાણો ફાયદા અને ચાલવાની સાચી રીત
આજકાલ ફરવા અને ફિટ રહેવાની રીતોમાં ઘણા આધુનિક બદલાવ આવ્યા છે, જેમાંથી એક છે રોજના 10 હજાર ડગલા (Steps) ચાલવું. સોશિયલ મીડિયા પર વીડિયો અને પોસ્ટ જોઈને લોકો સ્માર્ટ વોચ કે અન્ય ગેજેટ્સની મદદથી પોતાના સ્ટેપ્સ કાઉન્ટ કરવા લાગ્યા છે. જો કે, ઘણી સ્ટડીઝમાં એવું પણ સામે આવ્યું છે કે લોકો રોજ 10 હજાર ડગલા ચાલવાનું માનસિક પ્રેશર (મેન્ટલ સ્ટ્રેસ) પણ લેવા લાગ્યા છે.
રોજ આટલું ચાલવાથી શરીરમાં કેવા બદલાવ આવે છે. એઈમ્સ (AIIMS, નવી દિલ્હી)ના સાયન્ટિસ્ટ ડોક્ટર રાકેશ કુમાર સિંહ કહે છે કે, પગપાળા ચાલવાથી આપણા શરીરની કોષીય, અંગીય અને પ્રણાલીગત સિસ્ટમ પ્રભાવિત થાય છે, જેના લીધે હેલ્થ પર પોઝિટિવ અસરો જોવા મળે છે.
ચાલવાથી આપણી માંસપેશીઓ અને અન્ય અંગોમાં બ્લડ ફ્લો (લોહીનું પરિભ્રમણ) ઉત્તમ બને છે. પ્રખ્યાત બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયાના ફિટનેસ ટ્રેનર સિદ્ધાર્થ સિંહે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર આ અંગે માહિતી શેર કરી છે. ચાલો જાણીએ કે રોજ 10 હજાર ડગલા ચાલવાથી શરીરમાં અઠવાડિયે-અઠવાડિયે કેવા બદલાવ આવે છે.
નિષ્ણાતોનું શું કહેવું છે?
બ્લડ શુગર કંટ્રોલ રહે છે: ડોક્ટર રાકેશના જણાવ્યા મુજબ, આપણા શરીરની મોટાભાગની માંસપેશીઓ પગમાં હોય છે. તેથી દિવસભર વધુ ચાલવાથી બ્લડ શુગરનું લેવલ યોગ્ય રહે છે, કારણ કે માંસપેશીઓ ગ્લુકોઝને વધુ સારી રીતે એબ્સોર્બ (અવશોષિત) કરી શકે છે. બ્લડ શુગર કંટ્રોલમાં રહેવાથી લિવરમાં ટ્રાઇગ્લિસરાઇડનું પ્રોડક્શન ઓછું થાય છે.
ઓવરઓલ હેલ્થ સુધરે છે: નિયમિત શારીરિક એક્ટિવિટીથી આખી હેલ્થ પર સારો પ્રભાવ પડે છે. આ આદત વજનને કંટ્રોલ રાખવામાં કે વજન વધતું અટકાવવામાં મદદ કરે છે. આનાથી બ્લડ શુગર, બ્લડ પ્રેશર અને શરીરમાં ફેટનું પ્રમાણ સુધરી શકે છે.
4 અઠવાડિયામાં શરીરમાં આવતા બદલાવ
1. પહેલું અઠવાડિયું – શરીરમાં દુખાવો થવો
ટ્રેનર સિદ્ધાર્થના મતે, આ નવી રૂટિન અપનાવવામાં શરીરને એક અઠવાડિયું લાગી જાય છે. શરૂઆતમાં માંસપેશીઓમાં દુખાવો, હળવી બળતરા અથવા અકળામણ અને દિનચર્યામાં થોડી ગડબડ અનુભવાય છે. પરંતુ ધીમે-ધીમે શરીર આ આદતને અનુકૂળ થવા લાગે છે.
2. બીજું અઠવાડિયું – સારું ડાયજેસ્ટન અને હળવાશ
જ્યારે તમે બીજા અઠવાડિયામાં પ્રવેશ કરો છો, ત્યારે સ્થિતિ બદલાવા લાગે છે. શરીરમાં થતી અકળામણ ઓછી થાય છે અને આરામ મળે છે. આ સમય દરમિયાન પાચનક્રિયા (Digestion) વધુ સારી બને છે અને શરીરમાં એક અલગ જ ઉર્જા (Energy) નો અનુભવ થાય છે.
3. ત્રીજું અઠવાડિયું – એનર્જેટિક ફીલ થવું
ત્રીજા અઠવાડિયા સુધીમાં આપણું શરીર આ રૂટિનને સંપૂર્ણપણે સ્વીકારી લે છે. આખો દિવસ આળસ કે સુસ્તી ગાયબ થઈ જાય છે અને બોડી એનર્જેટિક રહે છે. આના બીજા પણ ઘણા ફાયદા છે, જેમ કે મૂડ સારો રહેવો, તણાવ (Stress) ઓછો થવો અને મન શાંત રહેવું. આ સ્થિતિમાં ઊંઘ પણ ખૂબ સારી આવે છે.
4. એક મહિનો પૂરો થતાં – વેઇટ મેનેજમેન્ટમાં ફરક
જ્યારે તમે સતત ચોથા અઠવાડિયા સુધી આ રૂટિન ફોલો કરો છો, ત્યારે વજન નિયંત્રિત થવામાં (Weight Management) સ્પષ્ટ ફરક દેખાવા લાગે છે. શરીરમાં એનર્જી સ્ટેબલ રહે છે અને ભારેપણું ગાયબ થઈને હળવાશ અનુભવાય છે.
મહત્વની વાત: ઘણા લોકો એક કે બે દિવસ ૧૦ હજાર કદમ ચાલીને ફાયદાની આશા રાખવા લાગે છે. પરંતુ એક્સપર્ટ્સ કહે છે કે રાતોરાત કોઈ ફરક નથી પડતો. આ ફાયદાઓ મેળવવા માટે આ રૂટિનને રોજ નિયમિતપણે ફોલો કરવું ખૂબ જ જરૂરી છે.

