હાર્ટ એટેકથી બચવું હોય તો આજે જ સંભાળો: રસોડાની આ વસ્તુઓ હૃદયને પહોચાડે છે ગંભીર નુકસાન

હૃદય સાથે જોડાયેલી બીમારીઓ આજકાલ યુવાન વયના લોકોને પણ પોતાની ઝપેટમાં લેવા લાગી છે. WHO અનુસાર, દક્ષિણ-પૂર્વ એશિયા વિસ્તારમાં દર મિનિટે આઠ લોકોના મોત કાર્ડિયોવેસ્ક્યુલર બીમારીઓ (CVDs)ના કારણે થાય છે અને આમાંથી અડધા મોત 70 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં સમય પહેલાં થાય છે. હૃદયના સ્વાસ્થ્ય પર આપણી રોજબરોજની આદતો ઊંડી અસર પાડે છે. આપણા ઘરના રસોડામાં જ કેટલીક એવી વસ્તુઓ છે જેનો વધુ પડતો ઉપયોગ હૃદયને નુકસાન પહોંચાડે છે.
CVD (હૃદયની બીમારીઓ)ના મુખ્ય જોખમી પરિબળોની વાત કરીએ તો તેમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, તમાકુનું કોઈપણ સ્વરૂપે સેવન કરવું, દારૂનું સેવન કરવું અને શારીરિક રીતે સક્રિય ન રહેવું સામેલ છે. વધતા શહેરીકરણની ખરાબ લાઈફસ્ટાઈલના કારણે હૃદય સાથે જોડાયેલી બીમારીઓનું જોખમ પણ વધી રહ્યું છે. અહીં એક્સપર્ટ પાસેથી જાણો કે તમારા રસોડામાં રાખેલી કઈ વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ કે સેવન તમારા હૃદય માટે યોગ્ય નથી.
રોજબરોજની હૃદય માટે ખરાબ આદતો
કાર્ડિયોલોજી ડૉ. કહે છે કે હૃદયના સ્વાસ્થ્યનો સીધો સંબંધ આપણી રોજબરોજની ખાનપાનની આદતો સાથે હોય છે. કિચનમાં ઉપયોગમાં લેવાતી કેટલીક વસ્તુઓ જો જરૂરિયાત કરતાં વધુ માત્રામાં લેવામાં આવે અથવા લાંબા સમય સુધી તેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો હાર્ટ હેલ્થ પર તેની અસર પડી શકે છે.
વધુ પડતું મીઠું અને ખાંડ
જો ખાવામાં મીઠું ન હોય તો તે સ્વાદહીન લાગે છે, પરંતુ વધુ પડતા મીઠાનું સેવન બ્લડ પ્રેશર વધારી શકે છે, જેનાથી હૃદય પર વધારાનું દબાણ પડે છે. તેવી જ રીતે વધુ પડતી ખાંડ લેવાથી વજન વધવા, મેદસ્વીતા અને ડાયાબિટીસનું જોખમ વધી શકે છે, જે આગળ જતાં હૃદયરોગનું જોખમ પણ વધારે છે.
રિફાઈન્ડ ઓઈલનો વધુ પડતો ઉપયોગ
આજના સમયમાં લોકો તળવાથી લઈને શાક બનાવવા સુધીમાં રિફાઈન્ડ ઓઈલનો ઉપયોગ કરવા લાગ્યા છે. એક્સપર્ટ કહે છે કે જરૂરિયાત કરતાં વધુ તેનો ઉપયોગ ડાયેટમાં અનહેલ્ધી ફેટની માત્રા વધારે છે જે આપણા હૃદય માટે યોગ્ય નથી.
મેદાને કરો કિચનથી દૂર
આજે મેદામાંથી બનેલી વસ્તુઓ લોકોના સ્વાસ્થ્યની દુશ્મન બની ચૂકી છે, કારણ કે દરેક નાની-મોટી વસ્તુમાં તેનો ઉપયોગ થવા લાગ્યો છે. પછી તે કૂકીઝ હોય કે પછી પાસ્તા, પિઝા, બ્રેડ. મેદાનું વારંવાર અને વધુ પડતું સેવન સંતુલિત ડાયેટનો હિસ્સો માનવામાં આવતું નથી. આનાથી પણ તમારા પાચન ઉપરાંત હૃદયને નુકસાન પહોંચે છે.
પ્લાસ્ટિકના કન્ટેનર
ખાનપાનની વસ્તુઓ ઉપરાંત રસોડામાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના કન્ટેનર પણ આપણા હૃદય માટે નુકસાનકારક હોય છે. એક્સપર્ટ કહે છે કે ગરમ ખાવાનું લાંબા સમય સુધી પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખવાની આદતથી બચવું જોઈએ અને જ્યાં શક્ય હોય ત્યાં સુરક્ષિત વિકલ્પોનો ઉપયોગ કરવો જોઈએ.
ખાનપાનમાં કરો સુધારો
ડૉક્ટરનું કહેવું છે કે હૃદયને હેલ્ધી રાખવા માટે રોજના ભોજનમાં મીઠું, ખાંડ અને તેલની માત્રા નિયંત્રિત રાખવી જોઈએ. આ સાથે જ તાજી અને પૌષ્ટિક ખાદ્ય સામગ્રીઓને પ્રાથમિકતા આપવી જરૂરી છે. ખાનપાનની આ આદતોમાં સુધારા ઉપરાંત ડેઈલી ફિઝિકલ એક્ટિવિટી કરવી પણ દિલ માટે જરૂરી છે.

