હાર્ટ એટેકથી બચવા અપનાવો આ 4 ટેવ, જાણો આ ડેઈલી લાઈફસ્ટાઈલ

વર્લ્ડ હેલ્થ ફેડરેશનના જણાવ્યા અનુસાર ભારતમાં દર વર્ષે 28 ટકા લોકોના મોત હાર્ટ એટેકના કારણે થાય છે. જ્યારે વિશ્વભરમાં હાર્ટ એટેકથી થતા કુલ મોતમાંથી 20 ટકા હિસ્સો એકલા ભારતનો છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે માત્ર કોઈ બીમારી થયા પછી સાવચેતી રાખવી પૂરતી નથી, પરંતુ રોજિંદી નાની-નાની આદતો પણ હાર્ટ હેલ્થ પર ઊંડી અસર પાડે છે. આજની અનિયમિત ખાવા-પીવાની ટેવો અને અસંતુલિત લાઈફસ્ટાઈલના કારણે હૃદય પર માઠી અસર પડે છે.
આવા સમયમાં કાર્ડિયોલોજિસ્ટ ડૉ.એ રોજિંદી એવી આદતો શેર કરી છે, જેને તેઓ હૃદયના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી માને છે. ડૉક્ટરે જણાવ્યું કે તે પોતાના ડેઈલી રૂટિનમાં કઈ બાબતોને સ્થાન આપે છે.
રોજ કોઈને કોઈ રીતે વર્કઆઉટ કે કસરત કરો
ડૉ.ના રોજના રૂટિનમાં વૉકિંગ (ચાલવું) અચૂક સામેલ હોય છે. તેઓ પોતાના પેટ ડોગને ફેરવવા માટે દરરોજ વૉક કરે છે અને પ્રયાસ કરે છે કે દિવસનો મોટા ભાગનો સમય બેસીને ન વિતે. તેનો મુખ્ય ભાર કોઈ અતિશય અઘરી કસરત પર નહીં, પરંતુ શરીરને સતત સક્રિય (એક્ટિવ) રાખવા પર હોય છે. આ આદત એવા લોકો માટે ખૂબ મહત્વની છે જે લાંબા સમય સુધી ઓફિસ, ઘર કે કામ દરમિયાન બેસી રહે છે. આખો દિવસ સતત બેસી રહેવાને બદલે વચ્ચે-વચ્ચે ઊભા થઈને ચાલવું કે હરફર કરવી એ શરીરને એક્ટિવ રાખવાનો સરળ રસ્તો છે.
ખોરાક બાબતે રહો સતર્ક
હૃદયના સ્વાસ્થ્યનો સીધો સંબંધ શરીરના મેટાબોલિક હેલ્થ સાથે છે. ડૉ.ના જણાવ્યા મુજબ, તે પોતાના આહારમાં એવી વસ્તુઓ સામેલ કરે છે જે મેટાબોલિક હેલ્થને સપોર્ટ કરે. આનો અર્થ એ છે કે રોજના ખોરાકમાં શું અને કેટલા પ્રમાણમાં ખાઈ રહ્યા છો, તેના પર ધ્યાન આપવું જરૂરી છે. માત્ર વજન ઘટાડવા માટે ડાયટ બદલવું પૂરતું નથી, પરંતુ લાંબા ગાળા સુધી શરીરને નિરોગી રાખે તેવા આહારને રોજિંદા જીવનમાં સામેલ કરવો જરૂરી છે.
સ્ટ્રેન્થ ટ્રેનિંગને આપો સ્થાન
આ કાર્ડિયોલોજિસ્ટે પોતાના રોજિંદા રૂટિનમાં સ્ટ્રેન્થ ટ્રેનિંગનો પણ સમાવેશ કર્યો છે. આ માટે તે પર્સનલ ટ્રેનરની મદદ લે છે અને નિયમિતપણે મસલ્સ (સ્નાયુઓ) મજબૂત કરતી કસરતો કરે છે. ઉંમર વધવાની સાથે મસલ્સ માસ જાળવી રાખવો ખૂબ મહત્વપૂર્ણ છે. ડૉ.ના મતે, લગભગ 50 વર્ષની ઉંમરે મસલ્સને સુરક્ષિત રાખવા એ તેની હાર્ટ-હેલ્થ યોજનાનો મહત્વનો હિસ્સો છે. નિયમિત રેઝિસ્ટન્સ એક્સરસાઇઝ લાંબા ગાળે આરામની સ્થિતિમાં પણ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.
તણાવ દૂર કરવા માટે સમય ફાળવો
આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં માનસિક તણાવ (સ્ટ્રેસ) પણ દિનચર્યાનો એક ભાગ બની ગયો છે. ડૉ. પોતાની નર્વસ સિસ્ટમને શાંત રાખવા માટે મ્યુઝિક, બ્રીધિંગ એક્સરસાઇઝ (પ્રાણાયામ) અને મેડિટેશન (ધ્યાન) જેવી પ્રવૃત્તિઓ કરે છે. તેમનું કહેવું છે કે આવી પ્રવૃત્તિઓ શરીરને સતત સ્ટ્રેસ વાળી સ્થિતિમાંથી બહાર લાવવામાં મદદરૂપ થાય છે. તેથી દિવસ દરમિયાન થોડો સમય એવી પ્રવૃત્તિઓ માટે ફાળવવો જરૂરી છે, જે મન અને શરીર બંનેને રિલેક્સ કરે.
નાની આદતોથી કરો શરૂઆત
ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી આ ટિપ્સ દર્શાવે છે કે હાર્ટ હેલ્થ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. આ માટે દરરોજ ભારે કે કઠિન વર્કઆઉટ કરવું જરૂરી નથી; પરંતુ નિયમિત ચાલવું, સંતુલિત આહાર લેવો, મસલ્સ મજબૂત રાખવા અને તણાવ ઓછો કરવાના ઉપાયો અપનાવીને તમે તમારા હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં સફળ થઈ શકો છો.

