Health Tips : ધ્યાન વિશેના આ ભ્રમ પર લોકો આંખ મીંચીને કરે છે વિશ્વાસ, જાણો શું છે તેની પાછળનું અસલી સત્ય?

આજની વ્યસ્ત જીવનશૈલીમાં દરેક વ્યક્તિ ચેન અને શાંતિની શોધમાં હોય છે. માનસિક શાંતિ અને સારા સ્વાસ્થ્ય માટે મેડિટેશન (ધ્યાન) એક સરળ અને શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે. સોશિયલ મીડિયાથી લઈને ફિટનેસ એક્સપર્ટ્સ સુધીના બધા જ મેડિટેશનના ફાયદા જણાવે છે. પરંતુ તેની સાથે જ મેડિટેશનને લઈને અનેક ગેરમાન્યતાઓ પણ ફેલાયેલી છે. જો તમે મેડિટેશન શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તેની સાથે જોડાયેલા આ 7 ભ્રમ અને તેની પાછળનું સત્ય જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે:
મેડિટેશન સાથે જોડાયેલા 7 ભ્રમ અને તેની સત્યતા
1. ભ્રમ: જો ધ્યાન કરતી વખતે મનમાં વિચારો આવે, તો મેડિટેશન કામ નથી કરી રહ્યું.
સત્ય: ધ્યાન કરતી વખતે મનમાં વિચારો આવવા તે એકદમ સામાન્ય બાબત છે. ધ્યાનનો અર્થ મગજને સાવ ખાલી કરી દેવો એવો નથી હોતો, પરંતુ વિચારોમાં ગૂંચવાયા વગર તેમને શાંતિથી જોવાનો અને સમજવાનો હોય છે.
2. ભ્રમ: ધ્યાન કરતી વખતે બેચેની અનુભવાય તો તેનો અર્થ છે કે તમે ખોટી રીતે કરી રહ્યા છો.
સત્ય: જ્યારે આપણે શાંતિથી બેસીએ છીએ ત્યારે મનની આંતરિક ભાગદોડ વધુ સ્પષ્ટ રીતે અનુભવાય છે. આ ખોટું નથી, પણ મેડિટેશનની શરૂઆતનો એક સામાન્ય હિસ્સો છે.
3. ભ્રમ: મેડિટેશન માત્ર શાંત અથવા આધ્યાત્મિક લોકો માટે જ છે.
સત્ય: મેડિટેશન કોઈપણ વ્યક્તિ કરી શકે છે. હકીકતમાં, જે લોકો વધુ તણાવ, ચિંતા કે મનની મૂંઝવણમાં હોય તેમના માટે મેડિટેશન વધુ ફાયદાકારક સાબિત થાય છે.
4. ભ્રમ: મેડિટેશન માટે હંમેશા 'પદ્માસન'માં બેસવું ફરજિયાત છે.
સત્ય: તમે ખુરશી પર બેસીને, જમીન પર પલાંઠી વાળીને કે આરામથી સૂઈને પણ મેડિટેશન કરી શકો છો. મુખ્ય ઉદ્દેશ્ય તમારા શરીરને આરામદાયક સ્થિતિમાં રાખવાનો છે જેથી તમે ધ્યાન કેન્દ્રિત કરી શકો.
5. ભ્રમ: કલાકો સુધી ધ્યાન ધરો તો જ તેનો ફાયદો થાય.
સત્ય: મેડિટેશનમાં સમય કરતા 'નિયમિતતા' વધુ મહત્વની છે. રોજ માત્ર 10 થી 15 મિનિટનું ધ્યાન પણ માનસિક સ્વાસ્થ્ય માટે પૂરતું અને અત્યંત ફાયદાકારક છે.
6. ભ્રમ: મેડિટેશન માટે ખાસ વાતાવરણ અને મોંઘી વસ્તુઓની જરૂર પડે છે.
સત્ય: ધ્યાન માટે કોઈ ખાસ કુશન કે મીણબત્તીઓની જરૂર નથી. તમે કોઈપણ શાંત અને આરામદાયક જગ્યાએ બેસીને ધ્યાન કરી શકો છો. માત્ર તમારું એકાગ્રતા અને ફોકસ હોવું જરૂરી છે.
7. ભ્રમ: મેડિટેશન કરવાથી વ્યક્તિને અલૌકિક કે જાદુઈ શક્તિઓ મળી જાય છે.
સત્ય: મેડિટેશન કોઈ જાદુઈ પ્રક્રિયા નથી. તેનો અસલી ફાયદો માનસિક શાંતિ, ભાવનાત્મક સંતુલન અને પોતાની જાતને વધુ સારી રીતે સમજવામાં રહેલો છે.

