Health Tips: High blood pressureને કુદરતી રીતે કંટ્રોલ કરવા સવારના નાસ્તામાં સામેલ કરો આ 10 દેશી વાનગીઓ

સવારનો સંતુલિત નાસ્તો બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવા, હૃદય પર પડતા સવારના દબાણને ઘટાડવા અને પોટેશિયમ, મેગ્નેશિયમ તથા ફાઈબર જેવા જરૂરી પોષક તત્વો પૂરા પાડવામાં મદદ કરે છે. ઘણા નાસ્તા છે, જે સ્વાદની સાથે હાઈ બ્લડ પ્રેશરને સંભાળવામાં મદદ કરે છે. ચાલો તેના વિશે જાણીએ.
1. શાકભાજીથી ભરપૂર પૌઆ
શાકભાજીથી ભરપૂર પૌઆમાં સોડિયમ ઓછું અને ફાઈબર પુષ્કળ હોય છે. ગાજર, વટાણા અને ડુંગળી ઉમેરીને બનાવેલા પૌઆ હળવા રહે છે. તેમાં વધુ મીઠું નાખ્યા વગર લીંબુ અને લીલા ધાણા ઉમેરવાથી સ્વાદ વધે છે.
2. વેજીટેબલ ઉપમા
સોજીમાંથી બનેલા ઉપમા જો બીન્સ, ટામેટા અને કેપ્સિકમ જેવા શાકભાજી સાથે ઓછા તેલમાં બનાવવામાં આવે, તો તે હૃદય માટે શ્રેષ્ઠ વિકલ્પ બની જાય છે. વધારાનું મીઠું ન નાખવાથી તે બીપી કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
3. ઓટ્સ ઢોસા કે ચીલા
ઓટ્સમાંથી બનેલા ઢોસા કે ચીલામાં રહેલા દ્રાવ્ય ફાઈબર કોલેસ્ટ્રોલ ઘટાડવા અને બ્લડ પ્રેશરને સ્થિર રાખવામાં મદદરૂપ થાય છે. શાકભાજી અને હળવા મસાલા સાથે આ એક પૌષ્ટિક નાસ્તો બને છે.
4. મગની દાળના ચીલા
મગની દાળના ચીલા પ્લાન્ટ પ્રોટીન અને પોટેશિયમથી ભરપૂર હોય છે, જે શરીરમાં સોડિયમની અસરને ઓછી કરે છે. તેને મીઠા વગરની ફુદીનાની ચટણી કે મોળા દહીં સાથે લઈ શકાય છે.
5. બેસન અને લૌકી (દૂધી) ના ચીલા
ચણાના લોટમાં રહેલા મેગ્નેશિયમ અને પોટેશિયમ હૃદયના સ્વાસ્થ્યને સપોર્ટ કરે છે. તેમાં દૂધી કે પાલક ઉમેરીને ઓછા તેલમાં બનાવેલા ચીલા બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક રહે છે.
6. ફણગાવેલા મગ (સ્પ્રાઉટ્સ)
ફણગાવેલા મગ પ્રોટીન, ફાઈબર અને જરૂરી મિનરલ્સથી ભરપૂર હોય છે. કાકડી, ટામેટા, લીંબુ અને મરી પાવડર સાથે મીઠા વગરનો આ નાસ્તો તાજગીસભર અને બીપી ફ્રેન્ડલી હોય છે.
7. વેજીટેબલ દલિયા (ફાડા ખીચડી)
દલિયા કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર આપે છે, જેનાથી બ્લડ પ્રેશર સંતુલિત રહે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. તેને શાકભાજી સાથે અથવા દૂધમાં હળવું ગળ્યું બનાવીને પણ ખાઈ શકાય છે.
8. રાગીનો નાસ્તો
રાગીમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ કુદરતી રીતે જોવા મળે છે. છાશમાંથી બનેલી રાગીની રાબ (દલિયા) અથવા ઓછી મીઠાવાળી ચટણી સાથે રાગીની ઈડલી બીપી કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
9. દહીં અને ફળો
લો-ફેટ દહીંમાં પ્રોબાયોટિક્સ અને કેલ્શિયમ હોય છે, જે હૃદય માટે સારા માનવામાં આવે છે. તેમાં કેળા કે પપૈયું અને અળસી કે ચિયા સીડ્સ ઉમેરીને હેલ્ધી નાસ્તો તૈયાર કરી શકાય છે.
10. ઈડલી અને સાંભર
આથો લાવેલા ચોખા અને અડદની દાળમાંથી બનેલી ઈડલી હળવી અને સરળતાથી પચી જાય તેવી હોય છે. જો તેની સાથે શાકભાજીથી ભરપૂર, ઓછું મીઠું અને ઓછું તેલ ધરાવતું સાંભર લેવામાં આવે, તો તે હાઈ બ્ડ પ્રેશરવાળા લોકો માટે સંતુલિત નાસ્તો બની જાય છે.

